'તેમની નિયતમાં ખોટ છે': યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે CM કેજરીવાલની પ્રતિક્રિયા
- ગુજરાત સરકારે શનિવારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાના નિર્ણય વિશે માહિતી આપી હતી
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2022, રવિવાર
ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે જ્યારે દિલ્હીના સીએમ અને AAP પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમની નિયત ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તે એવો બનાવવો જોઈએ જેમાં તમામ સમુદાયોની સંમતિ હોય, તમામ સમુદાયોને સાથે લઈને સમાન નાગરિક ધારો બનાવવો જોઈએ.
કેજરીવાલે કહ્યું કે, ભાજપે ઉત્તરાખંડ ચૂંટણી પહેલા એક કમિટી બનાવી. ઉત્તરાખંડની ચૂંટણી જીત્યા બાદ હવે તે કમિટી પોતાના ઘરે જતી રહી. હવે ગુજરાતની ચૂંટણીના 3 દિવસ પહેલા એક કમિટી બનાવવામાં આવી હવે તે પણ ચૂંટણી બાદ તેના ઘરે જતી રહેશે. મધ્ય પ્રદેશમાં કેમ નથી બનાવતા, ઉત્તર પ્રદેશમાં કેમ નથી બનાવતા, જો તેમનો ઈરાદો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે તો પછી તેને સમગ્ર દેશમાં કેમ નથી લાગુ કરતા.શું તેઓ લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે? તો પહેલા તમે જાઓ અને તેમને પૂછો કે, કેજરીવાલજી કહી રહ્યા છે કે, તમારે યુનિફોર્મ સિવિલ કોડ નથી લાગુ કરવો તમારી નિયત ખરાબ છે.
વધુ વાંચો: ગુજરાત સરકાર સમાન નાગરિક ધારા અંગે કમિટી બનાવશે
ગુજરાત સરકારે શનિવારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાના નિર્ણય વિશે માહિતી આપી હતી. શનિવારે રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન સમિતિની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની કેબિનેટની આ છેલ્લી બેઠક હોવાનું માનવામાં આવે છે કારણ કે, આગામી સપ્તાહે રાજ્યની ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થવાની ધારણા છે. આ નિર્ણય અંગે માહિતી આપતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં સમિતિની રચના કરવામાં આવશે.
Comments
Post a Comment