લિઝ ટ્રસે 'ટ્રસ્ટ' ગુમાવતા ૪૫ દિવસમાં જ બ્રિટનનાં પીએમપદેથી રાજીનામું


- બ્રિટનમાં સૌથી ઓછો સમય પીએમપદે રહેવાનો રેકોર્ડ

- પીએમપદે રિશિ સુનાક પહેલી પસંદ છતાં પક્ષમાં ખેંચતાણને પગલે અનિશ્ચિતતા : લેબર પાર્ટીની વહેલા સામાન્ય ચૂંટણી યોજવા માગ

- આર્થિક નીતિઓના કારણે બજારમાં ઉથલ-પાથલ મચતા ટ્રસ પર રાજીનામું આપવા દબાણ હતું

લંડન : બ્રિટનમાં આર્થિક કટોકટી વચ્ચે વડાંપ્રધાન લિઝ ટ્રસે પદ સંભાળ્યાના માત્ર ૪૫ દિવસમાં જ શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો છે. ટેક્સ કાપ સહિતના આર્થિક કાર્યક્રમો મુદ્દે લિઝ ટ્રસે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો અને તેમના પર રાજીનામું આપવા દબાણ હતું. 

ટ્રસના રાજીનામા સાથે બ્રિટનમાં ફરી એક વખત રાજીનામું ગરમાયું છે. ફરી એક વખત બ્રિટનમાં પીએમપદની રેસમાં રિશિ સુનાકનું નામ સૌથી આગળ છે. જોકે, પેની મોર્ડટ અને બોરિસ જ્હોન્સન પણ આ રેસમાં જોડાયા છે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની પસંદગીની શક્યતા છે.

લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા બાદથી જ ટેક્સ કાપના મુદ્દે વિરોધીઓના નિશાના પર હતા. આ કારણે જ તેમણે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની માત્ર છ સપ્તાહમાં જ હકાલપટ્ટી કરવી પડી હતી. એક વરિષ્ઠ મંત્રીના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યો દ્વારા આકરી ટીકા પછી ૪૭ વર્ષનાં લિઝ ટ્રસે ગુરુવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, આગામી વડાપ્રધાનની નિમણૂક સુધી તેઓ પીએમપદે ચાલુ રહેશે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની નિમણૂક થવાની શક્યતા છે.

રોયટર્સના અહેવાલ મુજબ સાંસદોનું કહેવું છે કે તેમના ઉત્તરાધિકારી ઋષિ સુનક અથવા પેની મોર્ડટ હોઈ શકે છે. જોકે, સુનકના કટ્ટર વિરોધિ બોરિસ જ્હોન્સન પણ પીએમપદની રેસમાં જોડાયા છે. વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની પસંદગી સમયે રિશિ સુનક બીજા સ્થાને રહ્યા હતા. સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ રિશિ સુનાક મુદ્દે બોરિસ જ્હોન્સનનું જૂથ વિરોધ કરી રહ્યું હોવાથી પક્ષની અંદર ખેંચતાણના કારણે સ્થિતિ સ્પષ્ટ નથી. બીજીબાજુ વિપક્ષ લેબર બાર્ટીએ વહેલા સામાન્ય ચૂંટણી યોજવાની માગણી કરી છે.

વડાપ્રધાન કચેરી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા બહાર ટ્રસે કબૂલ્યું કે તેઓ કન્ઝર્વેટિવ નેતા માટે રેસમાં હતા ત્યારે તેમણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરી શક્યા નહીં અને તેમણે તેમના પક્ષનો વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે ઉમેર્યું કે, હું માનું છું કે હું મારા વચનો પૂરા કરી શકી નથી. વર્તમાન પરિસ્થિતિ જોઈને હું એવો જનાદેશ આપી ના શકી જેના પર મને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવી હતી. તેથી મેં મહામહિમ રાજાને સંદેશ મોકલ્યો કે હું કન્ઝર્વેટિવ પક્ષના નેતાના રૂપમાં હું રાજીનામું આપી રહી છું. પદ છોડવા અંગે તેમણે કહ્યું કે હું ભાગી નથી. જવાબદારી પૂરી કરી શકી નથી તેના કારણે પદ છોડવાની જાહેરાત કરી રહીશું. 

ટેક્સ કાપ સહિત તેમના આર્થિક કાર્યક્રમોના કારણે બ્રિટનના બજારમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી અને રાજકીય સંકટ પેદા થઈ ગયું હતું. ત્યાર પછી ટ્રસે નાણામંત્રી બદલવા સહિત તેમની અનેક નીતિઓમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં શિસ્તભંગની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નેતાઓએ ટ્રસ પર વડાપ્રધાનપદ છોડવા દબાણ કર્યું હતું. પીએમપદેથી રાજીનામું આપતાં જ ટ્રસના નામે અનોખો રેકોર્ડ સર્જાયો છે. તેઓ બ્રિટનના સૌથી ઓછો સમય વડાપ્રધાનપદે રહેનાર નેતા બની ગયા છે. આ પહેલાં આ રેકોર્ડ જ્યોર્જ કેનિંગના નામે હતો, જેઓ ૧૮૨૭માં ૧૧૯ દિવસ સુધી પીએમપદે હતા. આ સમયે તેમનું મોત થઈ ગયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો