ચલણી નોટો પર ભગવાનની તસવીર બાદ હવે ડો.આંબેડકરનો ફોટો છાપવાની માંગ, રાજકીય સંગ્રામ
નવી દિલ્હી,તા.27.ઓક્ટોબર,2022
કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપવાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલી માંગ બાદ હવે તેના પર ભારે ચર્ચા છેડાઈ ગઈ છે.
કેજરીવાલે ગઈકાલે કહ્યુ હતુ કે, ચલણી નોટો પર એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ .તો હવે કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ માંગ કરી છે કે, ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો ચલણી નોટો પર કેમ ના હોઈ શકે?
જ્યારે ભાજપે અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને કહ્યુ છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી પહેલા પોતાનો હિન્દુ વિરોધી ચહેરો છુપાવવામાં નિષ્ફળ રહી છે.
કોંગ્રેસે કહ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલે ભગવાનની તસવીરો નોટ પર છાપવાની માંગ કરીને ધર્મનિરપેક્ષતાના સિધ્ધાંતોનુ ઉલ્લંઘન કર્યુ છે.તેમણે દિલ્હીના સીએમ પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ.
કેજરીવાલની માંગણી બાદ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાની ભારે ચર્ચા શરુ થઈ હતી અને ઘણા લોકોએ કેજરીવાલની ટીકા કરી હતી.એક યુઝરે કહ્યુ હતુ કે, દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુકનાર કેજરીવાલ ભગવાનની તસવીર હવે નોટો પર છાપવાની વાત કરી રહ્યા છે.
Comments
Post a Comment