મોરબીમાં માતમ : અનેકની 'નનામી' પણ FIR 'અનામી'
- ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુઆંક 150 નજીક પહોંચ્યો
- ઝુલતા પુલનું રિનોવેશન અને સંચાલન કરનારી ઓરેવાની બેદરકારી છતાં એફઆઇઆરમાં કંપનીના નામનો ઉલ્લેખ કરાયો નથી : નવની ધરપકડ
- સ્થાનિક તંત્ર પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ નથી
રાજકોટ : મોરબીમાં રાજાશાહી વખતમાં ઈ.૧૮૭૯માં બંધાયેલો અને ૧૪૩ વર્ષ સુધી ટકેલો ૭૬૫ ફૂટ લંબાઈ, ૪.૬ ફૂટ પહોળાઈ અને નદીથી ૬૦ ફૂટ ઉંચાઈએ આવેલો ઝૂલતો પૂલ ગઈકાલ તા.૩૦-૧૦-૨૨ના રવિવારની સાંજે આશરે સાડા છ વાગ્યે ધરાશાયી થઈ નદીમાં ખાબકતાં મૃતદેહો નીકળતા ગયા તેમ આજે રાત્રિ સુધીમાં ૧૩૪ના સત્તાવાર મૃત્યુ કલેક્ટર તંત્ર દ્વારા જાહેર કરાયા છે. ભાજપ,કોંગ્રેસ સહિતના દિગ્ગજ નેતાઓ હવે સહાનુભૂતિ દર્શાવવા આવી રહ્યા છે પરંતુ, લોખંડના આંટી વાળેલા આશરે ત્રણ ઈંચ જાડા મજબૂત અને હજુ નહીં કટાયેલા દોરડાં પર ટકેલો આ ઝૂલતો પૂલ તૂટવામાં એજન્સી અજંતા મેન્યુ. (ઓરેવા ગુ્રપ)ની સંચાલન,જાળવણીમાં પ્રથમનજરે જ દેખીતી ઘોર બેદરકારી, તેના પ્રતિ તંત્રના આંખ મિચામણાં અને પી.પી.પી.,બી.ઓ.ટી.ના નામે સરકારી મિલ્કતોની લ્હાણી કરીને તેની જવાબદારીથી છટકવાની માનસિકતા કારણભૂત હોવાનું સ્થળ તપાસ અને સંબંધિતોના સંપર્કથી બહાર આવ્યું છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર, સુધરાઈ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગના જવાબદાર ઈજનેર વગેરેનો સંપર્ક સાધતા આ ઝૂલતો પૂલ કેટલા લોકોની અવરજવર માટે કેટલો ટકાઉ છે તેનો સ્ટ્રક્ચરની લોડ બેરીંગ કેપેસિટી કે સ્ટેબિલીટીનો કોઈ રિપોર્ટ ઉપલબ્ધ નહીં હોવાનું જણાવાયું છે. સુધરાઈના જવાબદારોએ કહ્યું, અમે તા.૭ માર્ચે આ પૂલની જાળવણી સહિતનું બધુ કામ એજન્સીને સોંપી દીધું છે અને આવો રિપોર્ટ પણ તેમણે જ કરાવવાનો હતો. મોરબી-રાજકોટ રોડ પર આવેલ ઓરેવા ગુ્રપની કંપનીના લોકેશન પર તપાસ કરતા મુખ્ય દરવાજા બંધ હતા, કંપનીના એમ.ડી.જયસુખ પટેલ અને તેમના પી.આર.ઓ.-મેનેજર નો ફોન પર સંપર્ક સાધતા ફોન નો રિપ્લાય અને સ્વીચ ઓફ હતા. આમ, ગંભીર બેદરકારી એ બહાર આવી છે કે આ ઝૂલતો પૂલ લોકો માટે ખુલ્લો મુકી શકાય છે તેની કોઈ તંત્રોએ ચકાસણી જ કરી નથી!
આ ગમખ્વાર ઘટનામાં જીવ બચ્યો તેવા હોસ્પિટલમાં સારવાર લેતા રવિ પાટડીયા સહિત ઈજાગ્રસ્તોને પુછતા જણાવ્યું કે પૂલ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ ન્હોતા, જેટલા આવતા હતા તે બધાને પૂલ પર જવા દેવામાં આવતા હતા, એન્ટ્રી અને એક્ઝીટ સ્થળે બે ટિકીટ જોવાવાળા હતા, પૂલ તૂટયો ત્યારે ચારસો-પાંચસો માણસો હશે,ભીડ એટલી હતી કે એકબીજા સાથે ઘસાઈને ચાલવું પડતું હતું. વળી, આશરે ૩૫૨૦ ચોરસફૂટનો ઝૂલતો પૂલ ચિક્કાર ભરેલો હોય તા ૫૦૦ માણસો સમાઈ શકે છે.
સ્થળ નિરીક્ષણ કરતા ઝૂલતા પૂલ એક ત્રણેક ઈંચ જાડાઈનું સ્ટીલનું મજબૂત નાના વાયરોની આંટી વાળીને બનાવેલ બે દોરડાં પર ૧૪ દાયકાથી ટકેલો હતો. આ પૈકી પૂલમાં એન્ટ્રી થાય છે તે તરફથી જમણી બાજુનું દોરડું વચ્ચેથી બટકી ગયું, તૂટી ગયું. પૂલ ઉપર અગાઉ લાકડાના પાટિયા જડેલા હતા તેના બદલે એજન્સીએ એલ્યુમિનિયમ સેક્શનના પતરાં જોડેલા છે જે પતરાં સહિત પૂલનો એક ભાગ નદીમાં ધરાશાયી થયો અને સ્થળ પર એન.ડી.આર.એફ.,ફાયરબ્રિગેડની ટીમોએ જણાવ્યા મૂજબ મોટાભાગના લોકો ડુબીને મૃત્યુ પામ્યા છે.
સરકારે રચેલ સિટ (સ્પે.ઈન્વેસ્ટીગેશન ટીમ) દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સ્થળ પર એફ.એસ.એલ. સહિત અધિકારીઓ તથા સુધરાઈ સહિત સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરતા જેના પર પૂલ ટકેલો હતો તે લોખંડનું દોરડું તૂટવાનું કારણ ટેન્શન (તાણ કે ખેંચાણ) છે અને તેનું કારણ ઓવરલોડ છે. આ ઓવરલોડ થવા દેવા માટે જવાબદારી પોલીસે હાલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ વગેરે પર ઢોળી દીધી છે પરંતુ, સિક્યુરિટી ગાર્ડ પૂરતા રાખીને અમુક માણસોનું જ વજન પૂલ ખમી શકે છે તેવી કોઈ ગાઈડલાઈન જારી કરાઈ નથી. ૫૦૦ માણસો એક સાથે પૂલ પર હોય તો આશરે ૨૫ ટનનું વજન આવે છે, અને તેમાં કેટલાક તોફાની તત્વો પૂલને જોરથી હલાવે તો આ વજન અનેકગણુ વધે છે. પરંતુ, સીસીટીવી કેમેરા પૂલ પર હોવા છતાં એજન્સીએ કે જેના કબજામાં આ પૂલ છે તે સુધરાઈના કોઈ કર્મચારીએ ભીડને એટલે કે પૂલ પર આવતા લોડને નિયંત્રીત કરવા કોઈ પગલા લીધા નથી. એજન્સીને જાણે વધુને વધુ ટિકીટ ફાડી રૂ।.૧૨ અને ૧૭ લેખે હજારો રૂ।.ભેગા કરવામાં જ રસ હોય તેમ છૂટથી બધાને આવવા દીધા હતા અને આ વાતથી રકમ,હિસાબ જેમને મળે છે તે એજન્સીના માલિકો અજાણ રહી શકે નહીં.
ઝૂલતો પૂલ તુટયા પછી કેટલાક લોકો બચી ગયા છે, મોરબી સિવિલ હોસ્પિટલમાં તેમનો સંપર્ક સાધતા જણાવ્યું કે અમે એલ્યુમિનિયમના પતરાં, દોરડાંના સહારે એકાદ કલાક સુધી ગળાડૂબ પાણીમાં એક કલાક કે વધુ સમય લટકતાં રહ્યા હતા , મહિલાઓ અને બાળકો અને વૃધ્ધો આમ કરી શક્યા નહીં તેથી તેમના વધુ મૃત્યુ થયા છે. સ્થળ નિરીક્ષણ કરતા પૂલ નીચે પડનારને બચાવવા માટે કોઈ ઝડપી માર્ગ જ રાખવામાં નથી આવ્યો. પૂલ નીચે નદીએ જવા માટે એકથી દોઢ કિ.મી.નું અંતર તે પણ નદીમાં માંડ ચાલીને જ જઈ શકાય છે. બચાવ ટૂકડીએ પૂલના દરબારગઢ તરફના ભાગમાં ફ્લોરીંગના પતરાં તોડીને, નીચે સીડી રાખીને બહાર કાઢવા પણ પ્રયાસ કર્યો હતો. આમ, સમયસર સારવાર મળી નથી.
જિલ્લા કલેક્ટરે ઝૂલતો પૂલ તૂટવાથી થયેલા મૃત્યુનો આંક આજે રાત્રે ૧૩૪ જાહેર કર્યો છે. જ્યારે બીનસત્તાવાર આંક ૧૫૦થી વધારે જણાવાય છે. એટલા માટે જણાવાય છે કે આખો પૂલ જ ધરાશાયી થયો, કલાક-બે કલાક સુધી મદદ નથી મળી અને લોકો ૩૦ ફૂટ ઉંડા મચ્છુ નદીના પાણીમાં હતા અને પૂલ તૂટયો ત્યારે ૩૦૦થી વધારે લોકો હોવાનું ત્યાં હાજર રહેલા લોકો કહે છે.
દોઢ સદીથી મોરબીની આગવી ઓળખ ગણાતો ઝૂલતો પૂલ આજે ભયાનક દુર્ઘટનાનું નિમિત્ત બનવા માટે પૂલ નહીં પણ તેની જાળવણી કરનાર એજન્સીના માલિકો અને જાળવણીનું કામ સોંપનાર સરકારી તંત્રોની હાથ ખંખેરવાની મનોવૃતિ જવાબદાર છે જેના હોવાનું સ્પષ્ટ
Comments
Post a Comment