આતંકીઓના ખાત્મો માટે આખી દુનિયાએ એક થવું જ પડશે : વડાપ્રધાન મોદી
- ગુનેગારો, ભ્રષ્ટાચારો માટે પણ સુરક્ષિત સ્થાન ન હોવું જોઈએ
- આતંકવાદ હવે માત્ર ભૌતિક નથી રહ્યો, સાઈબર જોખમો અને ઓનલાઈન કટ્ટરતાના માધ્યમથી વધુ ફેલાઈ રહ્યો છે : પીએમ
નવી દિલ્હી : દુનિયાને સારી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે અને આતંકવાદના ખાત્મા માટે અને તેમને કોઈ સુરક્ષિત આશરો ન મળે તે માટે દુનિયાનું એક થવું જરૂરી છે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. નવી દિલ્હીમાં ઈન્ટરપોલની સામાન્ય સભાને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે અમે સ્થાનિક હિતો માટે વૈશ્વિક સહયોગનું આહ્વાન કરીએ છીએ. દેશમાં વૈશ્વિક જોખમો હોય તો પ્રતિક્રિયા પણ સ્થાનિક હોઈ શકે નહીં. તેમણે ગૂનેગારો અને ભ્રષ્ટાચારીઓને પણ આશરો ન મળે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટરપોલની ૯૦મી વાર્ષિક સામાન્ય મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે જળવાયુ સંબંધિત લક્ષ્યોથી લઈને કોરોનાની રસી સુધી ભારતે કોઈપણ સંકટમાં નેતૃત્વ કરવાની ઈચ્છા દર્શાવી છે. રાષ્ટ્ર, સમાજ માત્ર પોતાના હિત જ જોવાનું વલણ અપનાવી રહ્યા છે તેવા સમયમાં ભારત જ એક એવો દેશ છે, જે વધુ વ્યાપક આંતરરાષ્ટ્રીય સહયોગની વાત કરે છે.
સ્થાનિક હિતો માટે વૈશ્વિક સહયોગ વધારવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, દેશમાં જોખમ વૈશ્વિક હોય તો પ્રતિક્રિયા સ્થાનિક હોઈ શકે નહીં. આતંકવાદ, ભ્રષ્ટાચાર, કેફી પદાર્થોની દાણચોરી, સંગઠિત ગૂના આ જોખમોમાં પહેલાની સરખામણીમાં ઘણી વધુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આતંકવાદ હવે માત્ર ભૌતિકરૂપે જ નથી, પરંતુ હવે સાઈબર જોખમો અને ઓનલાઈન કટ્ટરતાના માધ્યમથી વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. તાજેતરમાં જ ઈન્ટરપોલે ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવાની ભારતની માગ ફગાવી દીધી હતી. સંગઠને કહ્યું કે, પન્નૂ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પર્યાપ્ત પુરાવા નથી મળ્યા.
તેમણે ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર અને નાણાકીય ગુનાઓએ અનેક દેશોના નાગરિકોના હિતોને નુકસાન પહોંચાડયું છે. ભ્રષ્ટાચારીઓ ગૂનો આચરી મેળવેલા નાણાં દુનિયાના બીજા દેશોમાં જમા કરે છે. આ નાણાં એ દેશના નાગરિકોના છે, જ્યાંથી તેણે લીધા છે. આ નાણાં ટેરર ફન્ડિંગનો એક મોટો સ્રોત છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભ્રષ્ટ, આતંકી, ડ્રગ્સ ગેંગ, શિકારીઓની ગેંગ અથવા સંગઠિત ગૂનેગારો માટે કોઈ સુરક્ષિત જગ્યા ન હોવી જોઈએ. સુરક્ષિત દુનિયા આપણી સંયુક્ત જવાબદારી છે.
વડાપ્રધાને કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં બહાદુર લોકોને મોકલવામાં સૌથી વધુ યોગદાન આપનારા દેશોમાં સામેલ છે. અમે આઝાદી પહેલા પણ દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે બિલદાન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય પોલીસ બળ ૯૦૦થી વધુ રાષ્ટ્રીય અને ૧૦,૦૦૦ રાજ્ય કાયદાઓને લાગુ કરે છે. દુનિયાભરમાં પોલીસબળ લોકોનું રક્ષણ કરવાની સાથે સામાજિક કલ્યાણને આગળ વધારે છે. વિવિધતા અને લોકતંત્રને જાળવી રાખવામાં ભારત દુનિયા માટે એક કેસ સ્ટડી છે. છેલ્લા ૯૯ વર્ષમાં ઈન્ટરપોલે ૧૯૫ દેશોમાં વૈશ્વિક સ્તર પર પોલીસ સંગઠનોને જોડયા છે.
Comments
Post a Comment