દેશમાં નફરતનો માહોલ, હેટ સ્પીચ સામે સરકાર પગલાં ભરે


- નફરત ફેલાવતા ઉશ્કેરણીજનક ભાષણો સામે સુપ્રીમની 3 રાજ્યોને ચેતવણી

- ઉશ્કેરણીજનક ભાષણ કરનારા સામે કાર્યવાહી નહીં થાય તો પોલીસ અધિકારી સામે કન્ટેમ્પ્ટના પગલાં લેવાશે : સુપ્રીમ

- પ્રવેશ વર્મા સહિત ઉશ્કેરણીજનક ભાષણો કરનારા સામે લેવાયેલા પગલા મુદ્દે સુપ્રીમની દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડને નોટિસ

- હેટ સ્પીચ મુદ્દે કાર્યક્રમના આયોજકો સામે કેસ નોંધાયા, પરંતુ ભાષણ આપનારા સામે કોઈ કાર્યવાહી થઈ નથી : શાહીન અબ્દુલ્લા

નવી દિલ્હી : દેશમાં ધર્મ મુદ્દે નફરત ફેલાવનારા અને ઉશ્કેરણીજનક ભાષણો કરનારા સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દેશની રાજ્ય સરકારોને નફરત ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવા નહીં તો તેમની સામે અવમાનનાના પગલાં માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની પોલીસને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક આદેશમાં કહ્યું હતું કે, કોર્ટની જવાબદારી છે કે તે આ પ્રકારના કેસોમાં દરમિયાનગીરી કરે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફની બેન્ચે  દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની પોલીસને સવાલ કર્યો હતો કે, ચોક્કસ ધર્મ સામે નફરત ફેલાવતા ભાષણો આપનારા સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે? સુપ્રીમે શુક્રવારે કહ્યું કે, ઉશ્કેરણીજનક ભાષણો અંગેના આરોપ ખૂબ જ ગંભીર છે. ભારતનું બંધારણ આપણને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના રૂપમાં પરિકલ્પિત કરે છે. 

દેશમાં નફરત ફેલાવતા ભાષણો અંગે આઈપીસીમાં યોગ્ય જોગવાઈઓ છતાં નિષ્ક્રિયતા જોવા મળે છે. આપણે માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું પડશે. કોઈ ફરિયાદ ના થાય તો પણ પોલીસ આપમેળે નોંધ લઈને કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો બેદરકારી કરવામાં આવશે તો અધિકારીઓ સામે કોર્ટની અવમાનનાના પગલાં લેવાશે.

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ આપનારા લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટેે કહ્યું કે ધર્મની ચિંતા કર્યા વિના કાર્યવાહી થવી જોઈએ. દેશ પર ધૃણાનું વાતાવરણ છવાઈ ગયું છે. કેટલાક લોકો દ્વારા અપાઈ રહેલા નિવેદનો ચિંતાજનક છે. આવા નિવેદનો સાંખી લઈ શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે ૨૧મી સદીમાં આ શું થઈ રહ્યું છે? ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ઈશ્વરને કેટલો નાનો બનાવી દીધો છે. તેમણે કહ્યું કે ભારતનું બંધારણ વૈજ્ઞાાનિક વિચાર વિકસિત કરવાની વાત કરે છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટ 'ભારતમાં મુસ્લિમ સમાજને નિશાન બનાવતા અને આતંકિત કરવાના વધતા જોખમ'ને રોકવા માટે તાત્કાલિક દખલગીરી કરવાની માગણી કરતી એક અરજીની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી કપિલ સિબલે કહ્યું, અમારે આ કોર્ટમાં આવવું જોઈએ નહીં, પરંતુ અમે અનેક ફરિયાદો નોંધાવી છે. કોર્ટ અથવા તંત્ર ક્યારેય કાર્યવાહી નથી કરતા. હંમેશા સ્ટેટસ રિપોર્ટ માગવામાં આવે છે. આ લોકો વારંવાર આવા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.

બેન્ચે સવાલ કર્યો કે તમે પોતે કાયદા મંત્રી હતા? શું ત્યારે કંઈ કરાયું? આ હળવાશપૂર્ણ નોંધમાં પૂછી રહ્યા છીએ. નવી ફરિયાદ શું છે? સિબલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનું ભાષણ ટાંક્યું. ભાજપ નેતાએ કહ્યું હતું કે, આપણે તેમની દુકાનમાંથી સામાન નહીં ખરીદીએ. તેમને નોકરી પર નહીં રાખીએ. સિબલે ઉમેર્યું કે, આ અંગે તંત્ર કશું કરતું નથી, અમે કોર્ટ આવતા રહીએ છીએ. 

બેન્ચે કહ્યું ભાષણમાં કહેવાયું છે કે જરૂર પડશે તો આપણે તેમના ગળા પણ કાપીશું. સિબલે કહ્યું. પ્રવેશ વર્મા ભાજપના સાંસદ છે. અમારે શું કરવું જોઈએ? ચૂપ રહેવું કોઈ જવાબ નથી. અમારા તરફથી નહીં, કોર્ટ તરફથી નહીં. આ સમયે બેન્ચે સવાલ કર્યો કે શું મુસ્લિમો પણ ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યા છે? આ સમયે સિબલે કહ્યું કે, બંને પક્ષો તરફથી ઉશ્કેરણીજનક ભાષણઓ થઈ રહ્યા છે. જોકે, પ્રવેશ વર્મા તો મુસ્લિમોના બહિષ્કારની વાતો કરી રહ્યા છે. 

બેન્ચે કહ્યું, આ ૨૧મી સદી છે. ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? ન્યાયાધીશ ઋષિકેશ રોયે કહ્યું, આ નિવેદનો ખૂબ જ ચિંતાજનક છે. એક દેશ જે લોકતંત્ર અને ધર્મ તટસ્થ છે. અદાલતના રૂપમાં આવી સ્થિતિ પહેલાં ક્યારેય જોવા નથી મળી. સુપ્રીમે કહ્યું કે દિલ્હી પોલીસે કહેવું પડશે કે પ્રવેશ વર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ છે કે નહીં? અરજદારોએ કહ્યું હતું કે, કેટલાક કિસ્સામાં પોલીસે આવા કાર્યક્રમો યોજનારા આયોજકો સામે કેસ નોંધ્યા છે, પરંતુ ભાષણ આપનારા સામે કોઈ પગલાં લેવાયા નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો