કાશ્મીરમાં વધતું ટાર્ગેટ કિલિંગ : બે મજૂરોની હત્યા


- આતંકીઓએ કાશ્મીરી પંડિતોની હત્યા બાદ બિનકાશ્મીરી મજૂરોને નિશાન બનાવતા ખીણમાં હિંદુઓ ભયભીત

- લશ્કરે તોયબા અને હિઝબુલના બે હાયબ્રીડ આતંકીઓની ધરપકડ, અનેક હુમલામાં સામેલ હોવાની શક્યતા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે. હાલમાં જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરીને આતંકીઓ ભાગી ગયા હતા. આ સ્થિતિ વચ્ચે હવે કાશ્મીરના શોપિયાંમાં ઉત્તર પ્રદેશના બે મજૂરોની આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરીને હત્યા કરી હતી. આ બન્ને મજૂરો જ્યારે ઉંઘી રહ્યા હતા ત્યારે જ કાયર આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેક્યો હતો. આ ઘટના રાત્રે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. માર્યા ગયેલા બન્ને મજૂરો મોનિશ કુમાર અને રામ સાગર ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લાના રહેવાસી છે. 

હજુ હાલમાં જ કાશ્મીરી પંડિત પુરણ ક્રિશન ભટની આ જ શોપિયાં વિસ્તારમાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હવે બે મજૂરોને ઉંઘમાં જ મારી નાખીને આતંકીઓ ભાગી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં એક બેને ટાર્ગેટ કરીને હત્યા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેને પગલે લોકોમાં રોષ પણ વધ્યો છે. હાલમાં જ કાશ્મીરી પંડિતની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ જમ્મુ હાઇવે જામ કર્યો હતો. 

ત્યારે હવે બે મજૂરોની હત્યાના વિરોધમાં પણ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બિનકાશ્મીરીઓની સુરક્ષાની માગણી કરી હતી. જે મજૂરોની હત્યા કરવામાં આવી તેઓ સામાન્ય મજૂરીથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, બીજી તરફ આ હત્યા બાદ સ્થાનિક કાશ્મીરી નેતાઓ દ્વારા પણ તેને વખોડવામાં આવી હતી. સીપીએમના નેતા મોહમ્મદ યુસુફ, અપની પાર્ટીના ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના ચીફ સજ્જાદ લોન, પીટીપીના મેહબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને હત્યારાઓને ઝડપી પાડીને આકરી સજા આપવાની માગણી કરી હતી.

બીજી તરફ બે મજૂરોની હત્યા બાદ પોલીસ દ્વારા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા બે હાયબ્રીડ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ક્યા ક્યા હુમલામાં સામેલ હતા તેની તપાસ કરવામાં આવશે. હાયબ્રીડ આતંકીઓ ગુપ્ત રીતે પોતાનું કામ કરતા હોય છે અને યુવકોને આતંકવાદી બનાવવામાં આતંકી સંગઠનોને મદદ કરતા હોય છે.  

સોશિયલ મીડિયા પર દેશ વિરોધી સામગ્રી પોસ્ટ કરવા બદલ એજન્સીના દરોડા

સોશિયલ મીડિયા પર દેશ વિરોધી સામગ્રી જારી કરવા બદલ જમ્મુ કાશ્મીરની ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા બડગામમાં એક વ્યક્તિને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે શંકાસ્પદ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી અને આતંકવાદને પ્રોત્સાહન આપતી સામગ્રી જાહેર કરતો હતો અને આમ કરીને તે યુવકોનું બ્રેઇનવોશ કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલ એજન્સી દ્વારા આ શંકાસ્પદ પાસેથી મોબાઇલ ફોન, સિમકાર્ડ, બેંક ડોક્યૂમેન્ટ્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. જોકે હજુસુધી તેની ધરપકડ નથી કરવામાં આવી તેથી આગામી દિવસોમાં ધરપકડની પણ શક્યતાઓ છે. સોશિયલ મીડિયા પર તેણે વીડિયો, તસવીરો અને પોસ્ટ દ્વારા જે પણ માહિતી જાહેર કરી તેમાં તેણે આતંકીઓને આર્થિક મદદ માટે પણ લોકોને કહ્યું હતું. તેથી આ મામલે હજુ અન્યોની સામે પણ કાર્યવાહી થઇ શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો