ઉશ્કેરણીજનક ભાષણો સામે રાજ્યો તાત્કાલિક ફરિયાદ દાખલ કરે : સુપ્રીમ
- કોઇ ફરિયાદ દાખલ કરાવવા આવશે તેની રાહ ન જોવા સર્વોચ્ચ અદાલતની ટકોર
- જો અમારા આદેશનું રાજ્યોએ પાલન ન કર્યું તો અમે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી દઈશું તેવો આદેશ
નવી દિલ્હી : ધર્મ કે જાતિના નામે લોકોને ભડકાવતા નિવેદનો કે ભાષણો આપનારા સામે તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યો છે. સાથે જ રાજ્યોને ચેતવણી આપી છે કે જો આવા ભડકાઉ કે નફરત કે ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો આપનારાઓની સામે કાર્યવાહી કરવામાં મોડુ કરવામાં આવ્યું તો કોર્ટના આદેશના અવમાનની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ ફરિયાદ લઇને ન આવે તો પણ રાજ્ય સરકારોએ સામે ચાલીને આવી ફરિયાદો દાખલ કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચે કહ્યું હતું કે હેટ સ્પીચ એટલે કે ઉશ્કેરણીજનક ભાષણ અત્યંત ગંભીર અપરાધ છે કે જેની ભારતની બિનસાંપ્રદાયિક્તા પર અસર પડી શકે છે. માટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવે છે કે આવા ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓની સામે તાત્કાલીક ફરિયાદ દાખલ કરવામાં આવે. આવા ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો આપનારાનો ધર્મ શું છે તે જોયા વગર જ તાત્કાલીક કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો આવા મામલામાં કાર્યવાહી કરવામાં મોડુ કરવામાં આવ્યું તો અમારા આદેશની અવમાનના ગણવામાં આવશે અને રાજ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આવો આદેશ માત્ર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી પોલીસને જ આપ્યો હતો. જેમાં આ ત્રણ રાજ્યોની પોલીસને પોતાની રીતે જ ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણોની નોંધ લઇને ફરિયાદો દાખલ કરવા કહ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને સમગ્ર દેશમાં લાગુ કરી દીધો છે. જેને પગલે હવે જો કોઇ ધર્મ કે જાતિના નામે એકબીજાને ભડકાવવાનું કામ કરશે તો તેની સામે પોલીસે કોઇ પણ પ્રકારના વિલંબ વગર જ કાર્યવાહી કરવાની રહેશે. અગાઉ જ્યારે સુનાવણી થઇ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે આવા ગ્રેટ ઓરેટરને સાંભળવા માટે લોકો ગામડા અને શેરીઓમાં એકઠા થતા હતા, જ્યારે આજે માહોલ બદલાઇ ગયો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના આદેશમાં કહ્યું હતું કે ન્યાયાધીશો બિનરાજકીય હોય છે, તેઓને એ કે બી કોઇ પક્ષ સાથે લેવાદેવા નથી હોતુ, ન્યાયાધીશોને માત્ર બંધારણ સાથે લેવાદેવા હોય છે. આપણે ધર્મના નામે ક્યાં પહોંચી ગયા છીએ? નોંધનીય છે કે પત્રકાર શાહીન અબ્દુલ્લાહ દ્વારા સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જેમાં તેમણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડને હેટ સ્પીચ મુદ્દે આદેશ આપવાની માગણી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આ ત્રણ રાજ્યોની પોલીસને હેટ સ્પીચ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો.
જોકે યોગ્ય કાર્યવાહી ન થઇ રહી હોવાના દાવા સાથે પત્રકાર શાહીન અબ્દુલ્લાહે ફરી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સુપ્રીમના આદેશનો કડક અમલ કરાવવાની માગણી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના આદેશનો વ્યાપ વધારીને સમગ્ર દેશમાં લાગુ કરી દીધો હતો. સામાન્ય રીતે જ્યારે કોઇ નેતા દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો આપવામાં આવતા હોય છે ત્યારે તેનો વિરોધ કરનારા દ્વારા જો કોઇ ફરિયાદ દાખલ કરાવવામાં આવે ત્યારે કાર્યવાહી થતી હોય છે. જ્યારે હવે આવી ફરિયાદો કોઇ લઇને આવશે તેવી રાહ પોલીસે નહીં જોવી પડે અને પોતાની રીતે જ આવા ભાષણોની નોંધ લઇને ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની રહેશે.
Comments
Post a Comment