મ્યાંમારની સેનાનો પોતાના જ નાગરિકો પર હુમલો : 100નાં મોત


- નૃત્ય કરી રહેલા બાળકો પર સૈન્યએ વિમાનમાંથી બોમ્બમારો કર્યો

- હુમલા સ્થળે લોકો એક સૈન્ય વિરોધી કાર્યક્રમ માટે એકઠા થયા હતા, મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ

- અમે દેશમાં અસ્થિરતા ફેલાવવા માગતા આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છીએ : ટિકા બાદ સૈન્યનો બચાવ

- મ્યાંમારમાં સૈન્યએ સત્તા સંભાળ્યા બાદ ત્રણ હજારથી વધુ નાગરિકોની હત્યા કરાઇ, યુએનએ પણ ટિકા કરી

નાએપ્યીડો : મ્યાંમારમાં આમ નાગરિકો પર સૈન્યનો અત્યાચાર જારી છે, મ્યાંમારમાં આમ નાગરિકો પર સૈન્ય દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે ૧૦૦ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. સૈન્ય સામે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ નાગરિકો પણ સામેલ થયા હતા, જેની જાણકારી મળ્યા બાદ કોઇ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર જ મ્યાંમાર સૈન્ય દ્વારા હવાઇ હુમલા કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર હત્યાકાંડને કારણે સૈન્ય પ્રત્યે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. સત્તા પોતાના હાથમાં લીધા બાદ મ્યાંમારમાં સૈન્યએ ત્રણ હજારથી વધુ નાગરિકોની હત્યા કરી નાખી છે. 

ધ અસોસિએટેડ પ્રેસે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે આ સમગ્ર હુમલાને નિહાળનારા સ્થાનિકોએ જણાવ્યું હતું કે મ્યાંમારના સાગૈંગ ક્ષેત્રના એક ગામની બહાર નેશનલ યૂનિટી ગવર્નમેંટ (એનયૂજી)ના કાર્યક્રમના ઉદઘાટન માટે લોકો એકઠા થયા હતા. જેના પર સૈન્યના યુદ્ધ વિમાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત નાગરિકો પર ગોળીબાર પણ થયો હતો. હેલિકોપ્ટરની મદદથી ગોળીબાર કરવામાં આવ્યો હતો જ્યારે વિમાનથી હુમલો કરાયો હતો. 

આ સમારોહમાં આશરે ૧૫૦ જેટલા લોકો એકઠા થયા હતા, જેમાંથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલામાં ૨૦-૩૦ જેટલા બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર વિરોધી સશસ્ત્ર સંગઠન અને વિપક્ષી સંગઠનોના નેતાઓ પણ સામેલ છે.  અગાઉ એવુ અનુમાન વ્યક્ત કરાયું હતું કે ૫૦ લોકો માર્યા ગયા છે. જોકે બાદમાં જારી આંકડા મુજબ મરનારાની સંખ્યા ૧૦૦નેપાર જતી રહી છે. આ કાર્યક્રમનું આયોજન કરનારા નેશનલ યૂનિટી ગવર્નમેંટે જણાવ્યું હતું કે મ્યાંમારની સેના આતંકી છે, તે ખુલ્લેઆમ નાગરિકોની હત્યા કરી રહી છે તેનું તાજુ ઉદાહરણ આ હવાઇ હુમલો છે.  

આમ નાગરિકો પર મ્યાંમાર સૈન્ય દ્વારા આ પ્રકારના હુમલા કરવાની સંયુક્ત રાષ્ટ્રએ પણ ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુટેરેશે માગણી કરી છે કે આમ નાગરિકોની ખુલ્લેઆમ હત્યા કરનારાઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આમ નાગરિકો પર આ રીતે હવાઇ હુમલા કરવાની રિપોર્ટ વિચલિત કરનારી છે. જે લોકોની સૈન્યએ હત્યા કરી છે તેમાં સ્કૂલના એવા બાળકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ ઘટના પૂર્વે કાર્યક્રમમાં નૃત્ય કરી રહ્યા હતા. બીજી તરફ મ્યાંમાર સૈન્યએ જે નિર્દોશ નાગરિકોની હત્યા કરી હતી તેને આતંકી કહ્યા હતા, અને દાવો કર્યો હતો કે દેશને અસ્થિર કરવા માગતા આતંકવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો