અતીક અહેમદનો પુત્ર અસદ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર
- ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતો, યુપી એસટીએફનું સફળ ઓપરેશન
- અસદ અને મોહમ્મદ ગુલામના માથે રૂ. 5-5 લાખનું ઈનામ હતું, મર્યા પછી બંને પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા
- અસદ અહેમદની અંતિમ ક્રિયામાં હાજર રહેવા અતીક અહેમદની અરજી કોર્ટે ફગાવી દીધી છે
- પુત્રના એન્કાઉન્ટરના દિવસે જ અતીક અને અશરફ અહેમદને 14 દિવસની ન્યાયિક અટકાયત, અતીકની બહેન અને ભાણીના આગોતરા ફગાવાયા
લખનઉ : ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડમાં શૂટર અસદનું ઉત્તર પ્રદેશ પોલીસની એસટીએફ શાખાએ ઝાંસીમાં ગુરુવારે એન્કાઉન્ટર કરી દીધું છે. યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના નાયબ એસપી નવેન્દુ અને નાયબ એસપી વિમલની આગેવાનીમાં ઝાંસીમાં વોન્ટેડ અસદની સાથે શૂટર મોહમ્મદ ગુલામને પણ ઠાર કરાયો હતો. બંને પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા. અસદ અહેમદ અને મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર એવા સમયે થયું હતું જ્યારે ઉમેશ પાલની હત્યા માટે જ આરોપીઓ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને ૧૪ દિવસની ન્યાયિક જેલમાં મોકલી દીધા હતા. ઉમેશ પાલની પત્નીએ એન્કાઉન્ટર માટે યુપી પોલીસની પ્રશંસા કરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ પાંચ શૂટરોમાંથી બે અસદ અહેમદ અને મોહમ્મદ ગુલામને ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા. બંનેના માથે પોલીસે પાંચ-પાંચ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. ઉત્તર પ્રદેશ એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું કે, અસદ અહેમદ અને મોહમ્મદ ગુલામ ગુરુવારે ઝાંસીમાં બડા ગાંવ અને ચિરગાંવ પોલીસ સ્ટેશન નજીક પારીછા ડેમ વિસ્તારમાં છુપાયા હોવાની તેમને બાતમી મળી હતી. જેને પગલે ૧૨ પોલીસ જવાનોની ટીમ સાથે એસટીએફે તેમને જીવતા પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે એસટીએફની ટીમ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી એસટીએફે પર સામો ગોળીબાર કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અસદ અને મોહમ્મદ ગુલામ એક મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે પોલીસ અને એસટીએફની ટીમે બંનેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે અસદ અને મોહમ્મદ ગુલામે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. બંને તરફથી અંદાજે ૪૨ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી પોલીસને અસદ અને ગુલામ પાસેથી એક બ્રિટિશ બુલડોગ રિવોલ્વર અને વોલ્થર પિસ્ટલ મળી આવી હતી.બસપ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ૨૪મી ફેબુ્રઆરીએ હત્યા કર્યા પછી અસદ અને ગુલામ કાનપુર ગયા હતા. કાનપુરથી બસમાં બેસીને અસદ અને ગુલામ નોઈડા ડીએનડી પહોંચ્યા. ત્યાં બંનેએ પહેલાથી હાજર કેટલાક લોકોને ઓટોમાં બેસાડી દિલ્હીથી સંગમ વિહાર પહોંચ્યા. અહીં બંને ૧૫ દિવસ રોકાયા હતા. બીજીબાજુ દિલ્હી પોલીસે જાવેદ, ખાલિદ અને જીશાનની ધરપકડ કરી હતી. ત્યાર પછી યુપી પોલીસને સંકેત મળ્યા કે અસદ અને ગુલામ અજમેર ગયા હતા. અજમેરમાં થોડાક દિવસ રોકાઈને અમૃતસરથી બંને ઝાંસી પહોંચ્યા હતા, જ્યાં તેમનું એન્કાઉન્ટર થયું હતું. તેમના એન્કાઉન્ટર પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બંનેના મૃતદેહ એક મોટરસાઈકલ પાસે પડયા છે. પાછળથી તેમને એમ્બ્યુલસન્સમાં લઈ જવાયા હતા.
દરમિયાન અસદ અહેમદનું એન્કાઉન્ટર એવા સમયે થયું છે જ્યારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને ગુરુવારે પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજ કોર્ટે બંનેને ૧૪ દિવસની ન્યાયિક અટકાયત અને પાંચ દિવસના પોલીસ રીમાન્ડમાં મોકલી દીધા હતા. પ્રયાગરાજમાં પુત્રના મોતના સમાચાર સાંભળી અતીક અહેમદની આંખમાં આંસુ આવી ગયા હતા. અતીકની બહેન આયશા નૂરી અને ભાણી ઉંજિલાની આગોતરા જામીન સ્થાનિક કોર્ટે ફગાવી.
અસદ અહેમદ અને ગુલામ સહિત પાંચ શૂટરોએ ઉમેશ પાલની ૨૪મી ફેબુ્રઆરીએ ધોળા દિવસે હત્યા કર્યા પછી ઉમેશ પાલની પત્નીએ આ કેસમાં અતીક, તેના ભાઈ અશરફ સહિત ૯ લોકો વિરુદ્ધ કેસ કર્યો હતો. પોલીસ આ કેસમાં શાઈસ્તા સાથે પાંચ શૂટરો - અતીક અહેમદનો પુત્ર અસદ, અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબીને શોધી રહી છે, જેમાં પોલીસે ૪૭ દિવસથી ભાગેડૂ અસદ અને ગુલામને ઠાર કર્યા છે.
અતીકના કારણે અસદે ઉમેશ પાલની હત્યા કરી હતી
ફેબુ્રઆરીના અંતમાં વકીલ ઉમેશ પાલની હત્યાના થોડાક સમય પછી ખુલાસો થયો હતો કે અતીક અહેમદની જીદના કારણે અસદ અહેમદ ઉમેશ પાલ હત્યાકાંડમાં સંડોવાયો હતો. આજે એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી અતીકને તેની જીદનો ભારે પસ્તાવો થયો હતો અને તે પ્રયાગરાજ કોર્ટમાં રડી પડયો હતો. અતીકની જીદના કારણે અસદને ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ કરાયો હતો અને તેની પાસે ગોળી ચલાવાઈ હતી. આ કેસમાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી શાઈસ્તાએ અતીકને ફોન કર્યો હતો અને અસદને આ હત્યાકાંડમાં સંડોવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. શાઈસ્તાએ ફોન પર કહ્યું હતું કે, અસદ હજુ નાનો છે, તેને આ મામલામાં ના લાવવો જોઈએ. જોકે, તે સમયે અતીકે કહ્યું હતું કે અસદના કારણે ૧૮ વર્ષ પછી તે શાંતિથી સુઈ શક્યો છે. ઉમેશ પાલના કારણે મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી તેમ તેણે શાઈસ્તાને ફોન પર કહ્યું હતું.
વિપક્ષે એન્કાઉન્ટરની ઉચ્ચ સ્તરી તપાસની માગ કરી
મિટ્ટી મેં મીલા દેંગે... યોગીનું વિધાનસભાનું ભાષણ વાઈરલ
- યોગીએ એસટીએફની કામગીરી બિરદાવી, ઉમેશ પાલના પરિવારે યોગી આદિત્યનાથની પ્રશંસા કરી
અસદ અહેમદના એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ઉમેશ પાલના પાંચમાંથી બે હત્યારાઓના એન્કાઉન્ટર સાથે યોગી આદિત્યનાથે ઉમેશ પાલની હત્યા પછી વિધાનસભામાં આપેલું 'મિટ્ટી મેં મીલા દેંગે'વાળુ ભાષણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસદનું એન્કાઉન્ટર કરનારી ટીમની પ્રશંસા કરી હતી તથા ઉમેશ પાલની માતા અને પત્નીએ પણ યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. બીજીબાજુ વિપક્ષે આ એન્કાઉન્ટરની તપાસની માગણી કરી હતી.
ઉત્તર પ્રદેશમાં ફેબુ્રઆરીના અંતમાં અસદ અહેમદ સહિત અતીકના સાથીઓએ ધોળા દિવસે ઉમેશ પાલની હત્યા કર્યા પછી અખિલેશ યાદવના નેતૃત્વમાં વિપક્ષે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિધાનસભામાં ઘેર્યા હતા. આ સમયે આદિત્યનાથે અખિલેશ યાદવની ઝાટકણી કાઢતા સમાજવાદી પક્ષ પર ગૂનેગારોને છાવરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે આ જ અતીક અહેમદને સપાએ ધારાસભ્ય બનાવી વિધાનસભામાં મોકલ્યો હતો. પરંતુ અમે 'માફિયાને મિટ્ટિમાં મીલાવી દઈશું...'. આજે યોગી આદિત્યનાથનું આ નિવેદન વાઈરલ થયું હતું.
ઝાંસીમાં અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસટીએફની કામગીરીની પ્રસંસા કરી હતી. આ સાથે યોગીએ ડીજીપી, સ્પેશિયલ ડીજી કાયદો વ્યવસ્થા અને સંપૂર્ણ ટીમની ભારોભાર પ્રશંસા કરી હતી. દરમિયાન ઉમેશ પાલની હત્યામાં સામેલ બે લોકોના એન્કાઉન્ટરથી ઉમેશ પાલની પત્ની જયા પાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ન્યાય અપાવનાર સૌથી મોટો હોય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમને ન્યાય અપાવ્યો છે. ઉમેશ પાલની માતાએ કહ્યું કે, આજે તેમને ન્યાય મળ્યો છે. મારા પુત્રના આત્માને હવે શાંતિ મળશે.
બીજીબાજુ સમાજવાદી પક્ષ અને બસપે આ એન્કાઉન્ટરની તપાસની માગણી કરી હતી અને તેને ફેક એન્કાઉન્ટર ગણાવ્યું હતું. સપા પ્રમુખ અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર ફેક એન્કાઉન્ટર્સ કરીને વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહી છે. બસપ સુપ્રીમો માયાવતીએ પણ 'વિકાસ દુબે ઘટના'નું પુનરાવર્તન થયું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, લોકોને વિકાસ દુબે ઘટનાનું પુનરાવર્તન થવાનો ભય હતો અને તે સાચો પડયો છે. તેથી આ એન્કાઉન્ટરની ઉચ્ચ સ્તરી તપાસ થવી જરૂરી છે.
Comments
Post a Comment