યુક્રેન તંગદિલીના કારણે અમેરિકા-રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધની આશંકા


- પ્રમુખ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરન્ટથી રશિયામાં આક્રોશ

- રશિયાએ સંરક્ષણ સિસ્ટમ એસ-300ના મિસાઈલોથી કુપિયાંસ્કના સંગ્રહાલય પર હુમલો 1નું મોત, 10 ઘાયલ, મ્યુઝિયમ તૂટી પડયું, ઝેલેન્સ્કીએ વીડિયો જારી કર્યો

- દુનિયા નવા પરમાણુ વિશ્વ યુદ્ધની કગાર પર પહોંચી ગઈ છે : રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેડવેડેવનો દાવો

- અમેરિકાની એમ1એ3, જર્મનીની લેપર્ડ-૩ના જવાબમાં રશિયાએ શક્તિશાળી ટી-14 ટેન્ક મેદાનમાં ઉતારી

મોસ્કો : યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે અને આ યુદ્ધ હજુ અટકવાના કોઈ સંકેતો જોવા મળતા નથી. ઉલટાનું યુક્રેન સામેનું યુદ્ધ ધીમે ધીમે અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ વધી છે. આ આશંકા રશિયાના અણુ બિનપ્રસાર વિભાગના વડા વ્લાદીમીર અમોક્રોવે વ્યક્ત કરી છે. રશિયાના આક્રોશનું વધુ એક કારણ યુક્રેન યુદ્ધ મુદ્દે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સામે સંયુક્ત રાષ્ટ્રે ધરપકડ વોરન્ટ જારી કર્યું તે પણ છે. દરમિયાન રશિયાએ મંગળવારે યુક્રેનના એક શહેર પર મિસાઈલથી હુમલો કરતાં એક સંગ્રહાલયનો નાશ કર્યો હતો, જેમાં એક નાગરિકનું મોત નીપજ્યું હતું અને ૧૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ સિવાય રશિયાએ તેની અત્યાધુનિક ટેન્ક ટી-૧૪ અર્માતા યુદ્ધમાં ઉતારી છે.

રશિયાનાં વિદેશ મંત્રાલયના ન્યુક્લિયર નોન પ્રોલીફરેશન વિભાગના વડા વ્લાદીમીર અમોક્રોવે આજે (મંગળવારે) આક્ષેપ કર્યો હતો કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, અમેરિકાના રશિયા સાથેના વ્યવહારને લીધે બંને પરમાણુ-સત્તાઓ વચ્ચે પરમાણુ-યુદ્ધની સંભાવના વધી રહી છે.

રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા તાસને આપેલી એક મુલાકાતમાં એર્માકોવે જણાવ્યું હતું કે જો અમેરિકા રશિયા સાથેના વિરોધનું વલણ ચાલુ જ રાખશે એ વિરોધ સતત વધારતું જ રહેશે તો પરિસ્થિતિ સીધા સશસ્ત્ર સંગ્રામમાં સરી જવાની સંભાવના છે. પરિણામે સ્ટાર્ટ (સ્ટ્રેટેજિક-આર્મ્સ રીસ્ટ્રિકશનટ્રીટી) વિલીન થશે તે નિશ્ચિત છે. ૧૪ મહીના પૂર્વે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યું ત્યારથી રશિયા, અમેરિકા ઉપર અનેક પ્રકારના આક્ષેપો કરતું જ રહ્યું છે. સાથે તેમ પણ કહેતું રહ્યું છે કે ક્લેટિવ વેસ્ટ (સંયુક્ત-પશ્ચિમ) પરમાણુ યુદ્ધનું જોખમ વધારી રહ્યું છે.

વિશ્લેષકો રશિયાનાં આ પ્રકારનાં વિધાનોને કીવના સાથીઓને ભયભીત કરવાના હેતુથી, કરાતાં હોવાનું માને છે. માર્ચ મહીનામાં અમેરિકાએ રશિયાને જણાવી દીધું હતું કે તમે તમારા ન્યુક્લિયર ડેટા (પરમાણુ શસ્ત્રો) વિષે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, તેથી અમે પણ તમોને અમારા ન્યુક્લિયર ડેટા વિષે માહિતી નહીં આપીએ. તેનું એક કારણ તે પણ છે કે રશિયાએ નવી સ્ટાર્ટ સંધિમાં ભાગ લેવાનું બંધ જ રાખ્યું હતું. આ સાથે તે નોંધવું જરૂરી છે કે તાસ ને આપેલી મુલાકાતની કેટલીક વિગતો યેર્માક્રોવે જાણી જોઇને છૂપાવી રાખી હશે તેવું લાગે છે.

યેર્માકોવે એ મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું કે આજે જો સૌથી તીવ્ર ભીતિ હોય તો તે બે પરમાણુ સત્તાઓ વચ્ચેના સૈન્ય સંઘર્ષોને લીધે વધી રહેલી પરમાણુ યુદ્ધની ભીતિ છે. ઘણા ખેદ સાથે કહેવું પડે તેમ છે કે ભીતિ સતત વધતી રહી છે. આ સાથે એર્માકોવે તેમ પણ કહ્યું હતું કે અમેરિકાની એન્ટી મિસાઇલ સીસ્ટીમના વૈશ્વિક પ્રસારમાં પશ્ચિમ પણ કેટલી હદે જોડાયેલું છે તેનું રશિયા અને ચીન આકલન કરી રહ્યાં છે. કારણ કે તેથી વિશ્વમાં વ્યૂહાત્મક સ્થિરતા તૂટી પડે તેમ છે.

દરમિયાન યુક્રેનના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયાના મિસાઈલે યુક્રેનના એક શહેરના સંગ્રહાલયને નિશાન બનાવતા એક નાગરિકનું મોત થયું હતું અને અન્ય ૧૦ને ઈજા પહોંચી હતી. રશિયાએ કુપિયાંસ્ક પર હુમલો કરવા માટે એસ-૩૦૦ સંરક્ષણ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સંગ્રહાલયના વિનાશનો એક વીડિયો પણ શૅર કર્યો હતો.

રશિયાના સરકારી મીડિયાએ મંગળવારે દાવો કર્યો હતો કે મોસ્કોએ હવે ટી-૧૪ અર્માતા ટેન્કો યુક્રેનમાં યુદ્ધના મેદાનમાં ઉતારી છે. આ હથિયાર હવે યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા છે. રશિયાની આ શક્તિશાળી ટેન્કે હજુ સુધી યુદ્ધ મોરચામાં પ્રત્યક્ષપણે ભાગ લીધો નહોતો. તે અત્યાર સુધી ચોક્કસ સેક્ટરમાં માત્ર સંરક્ષણ પોઝિશનમાં ગોઠવાયેલી હતી. રશિયન મીડિયા મુજબ યુક્રેનના ડોનબાસ પ્રાંતમાં રશિયન મિલિટ્રીમાં ગયા ડિસેમ્બરથી ક્રુને તાલિમ આપવામાં આવી રહી છે અને વધારાના દારૂગોળા સાથે અનેક અર્માતા ટેન્કો લાંબા અંતર સુધી બોમ્બમારો કરવા સક્ષમ છે. આ ટેન્ક અમેરિકન બનાવટની એમ૧એ૩, બ્રિટિશ ચેલેન્જર ૨ અને જર્મનીની લેપર્ડ -૨ ટેન્ક સમકક્ષ છે.

દરમિયાન રશિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સામે કથિત યુદ્ધ ગુના હેઠળ ધરપકડ વોરન્ટ જારી કરવાથી રશિયામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઈસીસીને રશિયાનો જવાબ આપવા માટે ક્રેમલિને એક વિશેષ બેઠક યોજી હતી. ગયા ફેબુ્રઆરીમાં રશિયા દ્વારા હુમલા, યુક્રેનમાંથી બાળકોને બળજબરીથી રશિયામાં મોકલવા સહિતના આરોપો પુતિન સામે ઘડાયા છે. જોકે, રશિયાએ આઈસીસીના ચૂકાદાની ઝાટકણી કાઢી હતી અને તેને રશિયામાં તખ્તો પલટવાના કાવતરાં સમાન ગણાવ્યો હતો.

મિત્ર સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે સરકારની ટીકા કરનારા અધિકારીને આકરી સજા

યુક્રેન પર રશિયાના આક્રમણની દુનિયામાં ચારે બાજુ ટીકા થઈ રહી છે, પરંતુ રશિયામાં આ મુદ્દે સરકારની ટીકા કરવી મુશ્કેલી નોંતરવા સમાન છે. રશિયાની કોર્ટે એક પૂર્વ અધિકારી સેમિલ વેડેલને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ અધિકારીનો દોષ એટલો જ હતો કે તેણે મિત્ર સાથે ફોન પર વાત કરતી વખતે યુક્રેન યુદ્ધ મુદ્દે સરકારની ટીકા કરી હતી. આ પૂર્વ પોલીસ અધિકારીને દેશના સૈન્ય અંગે ભ્રામક માહિતી ફેલાવવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. રશિયાની કોર્ટે સેમિલ વેડેલને યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી લાગુ કરાયેલા નવા કાયદા હેઠળ સજા થઈ છે. વધુમાં વેડેલ જેલમાંથી છૂટયા પછી ૪ વર્ષ સુધી પોલીસમાં નોકરી પણ નહીં કરી શકે. પુતિન સરકાર પર સતત આરોપ મુકાય છે કે તે આ કાયદાનો ઉપયોગ રશિયામાં વિરોધીઓને દબાવવા કરી રહ્યા છે. વેડેલે મિત્ર સાથે ફોન પર વાત કરતી વખતે રશિયાનો ઉલ્લેખ 'હત્યારા દેશ' તરીકે કર્યો હતો અને યુક્રેનની પ્રશંસા પણ કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે