આજે PM મોદીની 'મન કી બાત'ના કોન્ક્લેવનું થશે આયોજન, અમિત શાહ, આમિર ખાન જેવા દિગ્ગજો જોડાશે
image : Twitter |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કી શ્રેણી, જે 3 ઓક્ટોબર, 2014 ના રોજ વિજયાદશમીના અવસર પર ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રથમ વખત શરૂ કરવામાં આવી હતી તે 30 એપ્રિલે તેના 100મા એપિસોડના મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચશે. પ્રસાર ભારતી બુધવારે મન કી બાત નેશનલ કોન્ક્લેવનું આયોજન કરી રહી છે જેથી કરીને પીએમના જનતા સાથેના સીધા સંવાદના આ ખાસ પ્રસંગને યાદગાર બનાવી શકાય.
આમિર ખાન, રવિના ટંડન સહિત અનેક હસ્તીઓ જોડાશે
વડાપ્રધાન દ્વારા સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ અને પરિવર્તન માટે પ્રેરણાદાયી કામ કરનારાઓને જે રીતે આ કાર્યક્રમના માધ્યમથી પ્રોત્સાહિત કરાયા તેની અસર અને પાસાઓ અંગે ચર્ચા કરવા માટે ફિલ્મ અભિનેતા આમિર ખાન, અભિનેત્રી રવિના ટંડન અને ગ્રેમી એવોર્ડ વિજેતા પર્યાવરણવાદી રિકી કેજ સહિત દેશના અનેક દિગ્ગજો આ કોન્ક્લેવના સત્રમાં જોડાશે.
અનેક કેન્દ્રીયમંત્રીઓ પણ આ કોન્ક્લેવમાં ભાગ લેશે
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત થનાર આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કરશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સાંજે સમાપન કરશે. ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને 100 રૂ.ના સિક્કાનું વિમોચન પણ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમાં હાજરી આપશે. એક પ્રેસ કોન્ફરન્સમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન અને સમાપન સત્રો સિવાય કોન્ક્લેવમાં ચાર સત્ર હશે, જેમાં દેશના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ ભાગ લેશે. આ સત્રોમાં મન કી બાત કાર્યક્રમની સામાજિક અસર, કાર્યક્રમની સફળતા વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
Comments
Post a Comment