VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કારથી ભરેલા કન્ટેનરમાં લાગી આગ, 8 વાહનો બળીને ખાક
અમદાવાદ, તા.26 એપ્રિલ-2023, બુધવાર
મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક વાહન નિર્માતા કંપનીના વાહનોને ગુજરાતથી મુંબઈ લઈ જઈ રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી ગઈ છે. આગના કારણે કન્ટેનર અને અંદર રખાયેલી 8 કારો બળીને ખાક થઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ પાલઘર જિલ્લાના મુંબઈ-અમદાવાદ હાઈવેના મેઢવાણ નજીક સોમતા ગામ પાસે ગુજરાતથી મુંબઈ આવી રહેલા કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. કન્ટેનરમાં 8 કાર હતી. ભીષણ આગના કારણે તમામ કાર બળીને રાખ થઈ ગઈ હતી.
કન્ટેનર અને અંદર રાખેલા તમામ વાહનો આગમાં ખાખ
આજે બપોરે લગભગ 1.30 કલાકે કન્ટેનર ગુજરાતથી મુંબઈ જઈ રહ્યું હતું. કન્ટેનર નંબર RJ47 GA4025માં ટેકનીકલ ખામીને કારણે આગ લાગી હતી. ડ્રાઈવર શિવરાજ મીણાએ સાવચેતીના ભાગરૂપે વાહન રોડની બાજુમાં મુકી દીધું હતું. પરંતુ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કન્ટેનર અને અંદર રાખેલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા.
આગને કાબુમાં લેવાઈ
દરમિયાન ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બોઈસર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (MIDC)ના ફાયર બ્રિગેડને બોલાવીને વાહનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા કન્ટેનર અને તેમાં રહેતા તમામ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
Comments
Post a Comment