રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો, 2 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
Image : pixabay |
રાજ્યમાં 2 કલાકમાં 36 તાલુકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે.
અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ
રાજ્યમાં આજે વહેલી સવારે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આજે પડેલા કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જીને ધોધમાર 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ, ગીરમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ
રાજ્યામાં હવામાન વિભાગની આગાહી મુજબ ઠેર ઠેર માવઠુ થયું છે. ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સોરઠ પંથકમાં વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગે હજુ આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઇડર 08 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી, તલોદ 04 મિમી, પ્રાંતિજ 05 મિમી, પોશીના 00 મિમી, વડાલી 07 મિમી, વિજયનગર 06 મિમી, હિંમતનગર 08 મિમી જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હતો.
Comments
Post a Comment