ઓપરેશન કાવેરી : સુદાનમાંથી 278 ભારતીયોનો પહેલો જથ્થો સાઉદી પહોંચ્યો


- ગૃહયુદ્ધમાં સપડાયેલા સુદાનમાં 3,000થી વધુ ભારતીય

- સુદાનમાં જીવલેણ વાયરસથી ભરેલી લેબોરેટરી પર એક જૂથનો કબજો, બીમારી ફેલાશે તો વિનાશ સર્જાશે : ડબલ્યુએચઓ

નવી દિલ્હી : ગૃહયુદ્ધમાં સપડાયેલા સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવાના અભિયાન ઓપરેશન કાવેરી હેઠળ ૨૭૮ ભારતીયોનો પહેલો જથ્થો ભારતીય નેવીના યુદ્ધ જહાજ સુમેધા પર સવાર થઈને સાઉદી અરબ પહોંચી ગયો છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું. ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સોમવારે અભિયાન શરૂ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સુદાનના બંદર પરથી ભારતીય નૌકાદળના જહાજ સુમેધામાં સવાર થતા ભારતીયોની તસવીરો ટ્વિટર પર શૅર કરી હતી. આ સમયે લોકોએ સુદાનમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. સુદાનથી આવી રહેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આઈએનએસ સુમેધામાં ૨૭૮ ભારતીયો સુદાનના બંદરેથી જેદ્દા બંદરે પહોંચ્યા હતા. જેદ્દાથી ભારતીય એરફોર્સના ગૂડ્સ વિમાન સી-૧૩૦માં તેમને ભારત લાવવામાં આવશે. આખા સુદાનમાં અંદાજે ૩,૦૦૦ જેટલા ભારતીયો વસવાટ કરે છે. સુદાનમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે છેલ્લા ૧૦ દિવસથી લડાઈ ચાલી રહી છે, જેમાં ૪૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. જોકે, હાલ બંને જૂથોએ યુદ્ધવિરામની ઘોષણા કરી છે. જેને પગલે ભારત સહિત અન્ય દેશોએ તેમના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા અભિયાન હાથ ધર્યું છે.

દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ મંગળવારે જીનિવા ખાતેથી જણાવ્યું હતું કે, સુદાનનું ગૃહયુદ્ધમાં જીવલેણ વાયરસથી ભરેલી રાષ્ટ્રીય હેલ્થ લેબ જોખમમાં મુકાઈ ગઈ છે. તેના પર એક જૂથે કબજો કરી લીધો છે. જોકે, કયા જૂથે કબજો કર્યો છે તે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું નહોતું. સુદાનમાં બંને પ્રતિસ્પર્ધી જૂથોએ યુદ્ધ વિરામની જાહેરાત કરી હોવા છતાં વિદેશી નાગરિકો સાથે સ્થાનિક લોકો પણ દેશ છોડી રહ્યા છે. આ ગૃહ યુદ્ધે આંતરરાષ્ટ્રીય મદદ પર નિર્ભર આફ્રિકન દેશને વધુ મુશ્કેલીમાં મુકી દીધો છે. આ લડાઈ પહેલાં ૧.૬ કરોડની વસતી ધરાવતા સુદાનની ત્રીજા ભાગની વસતીને સંયુક્ત રાષ્ટ્રની મદદની જરૂર હતી. આંતરિક લડાઈના કારણે આ મદદ હવે ખોરવાઈ ગઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો