જમ્મુ-કાશ્મીરમાં જી-20 બેઠક પર આતંકી હુમલાનું જોખમ
- પૂંચમાં હુમલો કરનારા પાંચ આતંકીમાંથી ત્રણ વિદેશી, બે સ્થાનિક
- આતંકીઓને શોધવા ડ્રોન, સ્નિફર ડોગ્સ, એમઆઈ ચોપર તૈનાત, એનઆઈએની ટીમે હુમલાની તપાસ શરૂ કરી, જમ્મુમાં લોકોએ પાકિસ્તાન વિરોધી દેખાવો કર્યા
- લેહમાં 26-28 એપ્રિલ, મેમાં શ્રીનગરમાં યોજાનારી જી-20ની બેઠકો રોકવા આઈએસઆઈ સક્રિય
પૂંચ : જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો, તેમાંથી ત્રણ આતંકી વિદેશી અને બે સ્થાનિક હતા. આ હુમલાનો આશય શ્રીનગરમાં યોજાનારી જી-૨૦ બેઠક પહેલા લોકો અને સરકારમાં ભય પેદા કરવાનો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આતંકીઓના હુમલામાં રાષ્ટ્રીય રાઈફલના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. આર્મીએ હવે સરહદ નજીક છુપાયેલા આતંકીઓને ઝડપી લેવા માટે ડ્રોન, સ્નિફર ડોગ્સ અને હેલિકોપ્ટર કામે લગાવ્યા છે.
સુરક્ષાદળોની સંયુક્ત ટીમ આતંકીઓને શોધવા માટે કામે લાગી ગઈ છે. પૂંચમાં જવાનો પર હુમલો કરનારા પાંચ આતંકીઓમાંથી ત્રણ વિદેશી આતંકી હતા જ્યારે બે સ્થાનિક હતા. સુરક્ષા દળોએ આ હુમલાના સંદર્ભમાં અનેક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. આ સિવાય સૈન્યને ઈનપુટ મળ્યા છે કે આર્મીના વાહન પર હુમલો કરનારા આતંકીઓ સરહદ નજીકના વિસ્તારમાં છુપાયેલા છે. તેમને શોધવા માટે સૈન્યે ડ્રોન અને હેલિકોપ્ટરને કામે લગાડયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હકીકતમાં ભારત આ વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી સંગઠન જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તેના હેઠળ દેશના અલગ અલગ ભાગોમાં બેઠકો યોજાઈ રહી છે, તેમાંથી બે બેઠકો શ્રીનગર અને લદ્દાખના લેહમાં યોજાવાની છે. લેહમાં ૨૬થી ૨૮ એપ્રિલ તથા શ્રીનગરમાં ૨૨થી ૨૪ મેના રોજ યોજાવાની છે.
જી-૨૦ની આ બેઠકો પહેલા આતંકીઓ કેન્દ્ર સરકાર અને વિદેશના શાસકોને સંદેશ આપવા માગે છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. આ બંને બેઠકો સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના વાંધાને એમ કહેતાં ફગાવી દીધો છે કે જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને આ વિસ્તારોમાં તે કોઈપણ પ્રકારના આયોજનો કરી શકે છે.
ગુપ્તચર એજન્સીઓએ પણ આશંકા વ્યક્ત કરી છે આતંકીઓ કાશ્મીરમાં જી-૨૦ની બેઠક પહેલાં વધુ આતંકી હુમલા કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સરહદ પારથી પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ તેના હેન્ડલરો અને ઓજીડબલ્યુને એક્ટિવેટ કરી દીધા છે અને તેમને જી-૨૦ બેઠકને નિષ્ફળ બનાવવા માટે આતંકી હુમલા વધારવા કહ્યું છે. તેના માટે તેણે તેના તાલિમબદ્ધ આતંકીઓ અને અત્યાર સુધી શાંત રહીને છુપાયેલા વર્કર્સને પણ એક્ટિવેટ કરી દીધા છે. આઈએસઆઈએ તેના આતંકીઓને ભારતીય સુરક્ષા દળોને વધુમાં વધુ નિશાન બનાવવા કહ્યું છે.
આ હુમલાઓના ભાગરૂપે જ આતંકીઓએ ગુરુવારે પૂંચમાં આર્મી વાહનને નિશાન બનાવી હુમલો કર્યો હતો. પાંચ આતંકીઓએ ગુરુવારે પૂંચમાં જે ટ્રક પર સૈન્યના જવાન તૈનાત હતા તેના પર પહેલા ગ્રેનેડ ફેંક્યા, પછી ત્રણ બાજુથી ગોળીબાર કર્યો. તેના કારણે ટ્રકની ઈંધણ ટેન્કમાં આગ લાગી હતી. આ હુમલો રાષ્ટ્રીય રાઈફલના જવાનોને નિશાન બનાવીને કરાયો હતો. આ એ યુનિટ છે, જે કાશ્મીરમાં આતંકીઓને નુકસાન પહોંચાડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય રાઈફલ્સ સહિત સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે.
દરમિયાન આતંકીઓના હુમલા પછી ટૂંક સમયમાં જ એનઆઈએની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને તેણે હુમલાની તપાસની કામગીરી હાથ ધરી હતી. પ્રારંભિક તપાસ મુજબ એક જવાનના મૃતદેહ અને વાહન પર ગોળી વાગવાના નિશાન હતા. જવાનો આર્મીના વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે ગ્રેનેડથી તેમના પર હુમલો કરાયો હતો. આર્મી અને પોલીસના ટોચના અધિકારીઓએ શહીદ જવાનોને શુક્રવારે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બીજીબાજુ જમ્મુમાં લોકોએ આતંકી હુમલાની ટીકા કરતાં દેખાવો કર્યા હતા અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.
નકલી મેજર પાસેથી મહિલાઓ-જવાનોના નંબર મળ્યા
- સૈન્યના પ્રતિબંધિત વિસ્તારનો ફોટો લીક, મેરઠમાંથી નકલી મેજર ઝબ્બે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે તેવા સમયમાં જ આર્મી ઈન્ટેલિજન્સે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક નકલી મેજરની ધરપકડ કરી હતી. પૂછપરછ અને તેના મોબાઈલમાંથી પ્રાપ્ત માહિતી ચોંકાવનારી છે. આર્મી ઈન્ટેલિજન્સ પકડાયેલા નકલી મેજર ગણેશની પૂછપરછ કરી રહી છે.સૈન્યના સૂત્રોના જણાવ્યા મુજબ નકલી મેજર ગણેશ પહેલાં પણ હરિયાણાના પંચુલા ક્ષેત્રમાં જેલ જઈ આવ્યો છે. તેનો મોબાઈલ તપાસતા ઈન્ટેલિજન્સને મોબાઈલમાંથી મહિલાઓ અને સૈન્ય સાથે સંકલાયેલા જવાનોના નંબર મળ્યા. સાથે જ તેમાં આર્મીના પ્રતિબંધિત વિસ્તારોના ફોટો પણ હતા. આર્મી ઈન્ટેલિજન્સ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે જે મહિલાઓના નંબર મળ્યા છે તે કોણ છે અને આરોપીના સંપર્કમાં કેવી રીતે આવી છે. સૂત્રો મુજબ નકલી મેજર ગણેશ જવાનોને કોઈ હની ટ્રેપમાં ફસાવીને સ્લીપર સેલ માટે કામ કરતો હતો કે કેમ, આર્મીના પ્રતિબંધિત ક્ષેત્રની તસવીરો તેણે અન્યોને શૅર કરી હતી કે કેમ તેની પણ આર્મી ઈન્ટેલિજન્સે તપાસ હાથ ધરી છે. નકલી મેજર ગણેશ સપ્ટેમ્બર ૨૦૨૧માં પણ છેતરપિંડીના એક કેસમાં પંચકુલા ક્ષેત્રમાં જેલમાં જઈ ચૂક્યો છે.
Comments
Post a Comment