રાજકીય વગ વાપરી વધુ એક મહાઠગે કરોડોનું ફૂલેકું ફેરવ્યું
- કિરણ પટેલની છેતરપિંડી તાજી છે ત્યાં સંજય રાયે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને 350 કરોડમાં નવડાવી
- વર્ષ 2012માં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઠગ સંજય રાયને ગુજરાત સરકારે રતન ટાટાના હસ્તે એવોર્ડ આપી નવાજ્યો હતો
- ભાગવત, નડ્ડા, ભાજપના દિગ્ગજો સાથેના સંપર્ક થકી સંજયે ગુજરાતમાં નેટવર્ક ઉભું કર્યું, SBIએ ડિફોલ્ટર જાહેર કર્યો
- ઉત્તર પ્રદેશ સ્પે. ટાસ્ક ફોર્સે પોલીસે ઝડપી પાડયો
અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી ફાઇવ સ્ટાર હોટેલમાં જલસા કરનારાં મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગ સંજય પ્રકાશ રાય (શેરપુરિયા )ને ઉત્તર પ્રદેશ સ્પે. ટાસ્ક ફોર્સે પોલીસે ઝડપી પાડયો છે. મહાઠગ સંજય પ્રસાદ રાયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ સુપ્રિમો મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટાનો બખુબી ઉપયોગ કરીને કરોડોની ઠગાઇ કરી છે. એટલુ જ નહીં, સંજય રાયે ગુજરાતમાં મોટુ નેટવર્ક ઉભુ કર્યુ હતું. સંજય રાયે કંડલા એનર્જી એન્ડ કેમિક્લ કંપનીના નામે રૃા.૩૪૯ કરોડો ચાંઉ કર્યા છે. આ કારણોસર અમદાવાદ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સંજ્ય રાયને ડિફોલ્ટર ઘોષિત કર્યો છે. ચોકાવનારી બાબત તો એછેકે, કરોડો રૂપિયા ચાંઉ કરનારાં મહાઠગ સંજય રાયને ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રતન ટાટાના હસ્તે એવોર્ડથી નવાજ્યો હતો. આ પ્રકરણમાં વધુ તપાસ માટે યુપી પોલીસ ગુજરાત પોલીસના સંપર્કમાં છે.
ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા ઠગ સંજય પ્રસાદ રાયે ગાંધીધામથી નોકરી કરી કેરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેણે એવા ગોરખધંધા આચર્યા કે, થોડાક વખતમાં જ તેની ઉદ્યોગપતિ અને વગદાર વ્યક્તિ તરીકે ગણના થવા લાગી હતી. તેણે ગુજરાતમાં કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની શરૂ કરી હતી જેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં મિઠાખળી ખાતે કૃષ્ણા કોમ્પ્લેકસમાં હતી. રૃા.૨૪૯ કરોડની બેંક લોન બાકી હોવાથી આ ઓફિસ હાલ સીલ કરી દેવાઇ છે. એટલુ જ નહીં, સ્ટેટ બેંકે સંજય રાયને ડિફોલ્ટર ઘોષિત કર્યો છે. આ કંપનીમાં સંજય રાય અને પત્નિ કંચન રાય ડાયરેક્ટર છે.
ઇન્કમટેક્સની તપાસમાં ગોૅઠવણ પાડીને કેસ રફેદફે કરવા એક ઉદ્યોગપતિ પાસે સંજય રાયે રૃા.૧૧ કરોડની ડીલ કરી હતી જે પૈકી રૃા.૬ કરોડ લીધા હતા. આ મામલે આઇબીને ઇનપુટ મળતાં યુપી એસટીએફે સંજય રાયને કાનપુર રેલ્વે સ્ટેશનથી પકડી લીધો છે. લખનૌના વિભૂતિખંડ પોલીસ સ્ટેશને સંજય રાય વિરુધ્ધ ગુનો નોધાયો છે અને પોલીેસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવુ માલુમ પડયુ છેકે, મૂળ ગાજીપુર જીલ્લાના શેરપુરનો રહેવાસી સંજય પ્રસાદ રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ભાગવત, નડ્ડા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કૈશવ પ્રસાદ મૌર્ય સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે સંપર્ક હોવાનુ કહીને લોકો સાથે ઠગાઇ કરતો હતો. સંજય શેરપુરિયાના નામે તે દિલ્હીના મોટા ગજાના ભાજપના નેતાઓની હાઇપ્રોફાઇલ બેઠકોમાં પણ ભાગ લેતો હતો.
આંખે ઉડીને વળગે તેવી વાત એછેકે, કરોડો રુપિયા ચાંઉ કરનારા મહાઠગ સંજય રાયને વર્ષ ૨૦૧૨માં ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગ અંતર્ગત રતન તાતા એવોર્ડ આપીને નવાજ્યો હતો. ગુજરાત સરકારની નજરે પણ સંજય રાય એક આલા દરજ્જાની વ્યક્તિ ઉપરાંત ઉદ્યોગપતિ હતો. ગુજરાતમાં ય સંજય રાય કયા ભાજપના નેતા અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.પોલીસને એવી પણ માહિતી પ્રાપ્ત થઇ છેકે, ટ્વિટર, ઇન્સ્ટ્રાગ્રામ પર સંજય રાયે ભાજપના બધા નેતાઓની સાથેની તસ્વીર પણ શેર કરી છે. આ આધારે તેણે ગુજરાતમાં મોટુ નેટવર્ક ઉભુ કર્યુ હતું.
આ પ્રકરણમાં યુપી પોલીસ સંજય રાયની પૂછતાછ કરી રહી છે. વધુ તપાસ માટે ગુજરાત આવશે. પોલીસ તપાસમાં ઘણાં ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
સંજય રાય- મંત્રી રુપાલાએ સાથે બેસી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો
મહાઠગ સંજય રાયે ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે તસ્વીરો શેર કરીને ઠગાઇ કરી છે.તેણે એવા ફોટા ય ટ્વિટર પર મૂકયા છે જેમાં, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલા અને ઠગ સંજય રાય સાથે બેસીને પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ નિહાળી રહ્યા છે.
અમદાવાદ ખાતે ઇશરોના કાર્યક્રમ વખતે વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તે વખતે પણ આ ઠગની ખાસ હાજરી હતી. સંજયના પિતાનુ અવસાન થયુ ત્યારે ભાજપના કેટલાંય નેતાઓ શ્રધ્ધાજંલિ આપવા ઠગના નિવાસસ્થાને ગયા હતા.
સંજય ફોર યુથ નામની સંસ્થા શરૂ કરીને લાખો કરોડો ઉઘરાવ્યા
સંજય રાયે રોજગાર મેળા, હરિત અભિયાન ઉપરાત સ્વતંત્ર સેનાનીને લગતા કાર્યક્રમો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. સંજય રાયે અમદાવાદ ઉપરાંત વડોદરામાં ય સ્વેચ્છિક સંસ્થાઓ ઉભી કરી હતી જે માત્ર કાગળ પર કાર્યરત હતી. તેણે સંજય ફોર યુથ નામની સંસ્થા શરૂ કરીને લાખો કરોડો ઉઘરાવ્યા હોવાનુ પણ બહાર આવ્યુ છે. સંજય રાયે શૈલ કંપનીઓ બનાવીને કાળા ધનને વ્હાઇટ મની બનાવા માટે પણ કામો કર્યા હતા.
Comments
Post a Comment