નેપાળમાં 6.4ના ભૂકંપથી ભયાનક વિનાશ, 157નાં મોત


- વર્ષ 2015 પછી સૌથી ખતરનાક ભૂકંપ, ખરાબ બાંધકામના કારણે નુકસાન વધુ થયું

- જાજરકોટમાં અડધી રાતે ધરતી ઘ્રુજી, ભૂકંપ પછી 150 જેટલા આફ્ટરશોક્સ નોંધાયા, લોકોએ આખી રાત રસ્તા પર વિતાવી

- વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે મેડિકલ ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી, નેપાળ આર્મીએ બચાવ કાર્ય શરૂ કર્યું

- ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો, પીએમ મોદીએ નેપાળને તમામ મદદની ખાતરી આપી

કાઠમંડુ : નેપાળમાં શુક્રવારે અડધી રાતે આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. આ ભૂકંપ આઠ વર્ષમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૫૭ લોકોનાં મત થઈ ગયા છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર મુજબ રાતે ૧૧.૪૭ કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાજરકોટ જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૬.૪ નોંધાઈ હતી. ભૂકંપના આંચકા ભારતમાં છેક દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ અનુભવાયા હતા, જ્યાં લોકો ગભરાઈને ઈમારતો પરથી નીચે દોડી આવ્યા હતા અને આખી રાત ઊંચા જીવે પસાર કરી હતી.

નેપાળના અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા ગંભીર નહોતી, પરંતુ આ ક્ષેત્રમાં બાંધકામની નબળી ગુણવત્તાના કારણે મકાનોને ભારે નુકસાન થયું હતું અને મૃતકોની સંખ્યા વધી હતી. વધુમાં રાતના સમયે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો સુઈ ગયા હતા. તેથી રાહત કાર્ય શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.

નેપાળમાં આ પહેલાં વર્ષ ૨૦૧૫માં આવેલા બે ભૂકંપમાં અંદાજે ૯,૦૦૦ લોકો માર્યા ગયા હતા. અનેક વિસ્તારોમાં આખા કસ્બા, સદીઓ જૂના મંદિર અને અન્ય ઐતિહાસિક સ્થળો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા હતા. સાથે જ ૧૦ લાખથી વધુ ઘરોને નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે અડધી રાતે આવેલા ભૂકંપમાં જાજરકોટમાં અંદાજ ૯૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૫૫ લોકોને ઈજા પહોંચી છે. બીજીબાજુ રુકુમ પશ્ચિમ જિલ્લામાં ૩૮ લોકો માર્યા ગયા છે જ્યારે ૮૫ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપના કારણે જાજરકોટ જિલ્લાના ત્રણ કસ્બા અને ત્રણ ગામમાં સૌથી વધુ અસર થઈ છે, જ્યાંની વસતી અંદાજે ૯૦,૦૦૦ જેટલી છે.

નેપાળ આર્મીના પ્રવક્તા ક્રિષ્ના પ્રસાદ ભંડારીએ કહ્યું કે, સૈન્યે તાના જવાનોને એકત્ર કર્યા છે અને ઘટના સ્થળ પર બચાવ કાર્ય શરૂ કર્યું છે. નેશનલ અર્થક્વેક મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવાર રાતના ભૂકંપ પછી અંદાજે ૧૫૯ આફ્ટરશોક્સ નોંધાયા છે. અનેક લોકોએ આખી રાત ખુલ્લા મેદાનોમાં વિતાવી હતી, કારણ કે ભૂકંપના આંચકાઓથી તેમના મકાનોને વધુ નુકસાન થવાનો તેમને ભય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોકોએ તૂટી પડેલી ઈમારતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રાતથી જ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે શનિવારે મેડિકલ ટીમ સાથે ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ ઘટના સ્થળની મુલાકાત કરીને જાજરકોટથી સાત ઈજાગ્રસ્તો અને તેમના પરિવારના સભ્યો સાથે સુરખેત પાછા ફર્યા હતા. તેઓ જે લશ્કરી હેલિકોપ્ટરમાં જાજરકોટ આવ્યા હતા તેને ત્યાં જ બચાવ કાર્ય માટે રહેવા દીધું હતું.

આ ભૂકંપના આંચકા ૬૦૦ કિ.મી. દૂર દિલ્હી અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં પણ અનુભવાયા હતા, જેનાથી ઈમારતો હચમચી ઊઠી હતી અને લોકો ગભરાટના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. જોકે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખડંમાં ભૂકંપના આંચકાઓથી નુકસાનના કોઈ સમાચાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ નેપાળમાં ભૂકંપથી થયેલી જાનહાનિ અને નુકસાનથી ઘણા દુ:ખી થયા છે. ભારત નેપાળના લોકો સાથે એકતા દર્શાવી શક્ય તમામ મદદ માટે તૈયાર છે. અમારી સંવેદનાઓ શોકાતુર પરિવારો સાથે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો