ઈઝરાયેલમાં મૃતકોના અંગો શોધવા ભારે પડ્યા, સેંકડો વાહનોને કબ્રસ્તાનમાં દફનાવવાની તૈયારી, ચર્ચા-વિચારણા શરૂ

જેરુસલેમ, તા.22 નવેમ્બર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)નો આજે 47મો દિવસ છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘુસી નરસંહાર કર્યો, ત્યારબાદ બંને દેશો વચ્ચે ભારે ખુંવારી સર્જાઈ.. જોકે હવે ઈઝરાયેલના માથે નવી મુસાબત આવી ગઈ છે. હુમલામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીરના અંગો ગાયબ છે અથવા કેટલાક અંગો જ બચ્યા છે, ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા જકા તેલ અવીવ (Zaka Tel Aviv) સંગઠને મૃતક લોકોની કારોને દફનાવવાની ભલામણ કરી છે.

જકા તેલ અવીવ સંગઠન ઈઝરાયેલની એકમાત્ર સત્તાવાર ઈમરજન્સી યુનિટ

ઉલ્લેખનિય છે કે, જકા તેલ અવીવ મધ્ય ઈઝરાયેલની ઈમરજન્સી રિસ્પોન્સ યુનિટ છે. આ સંગઠન હજારો સ્વયંસેવકો સાથે દેશના 21થી વધુ શહેરોમાં ફરજ બજાવી રહી છે. આ સંગઠનને ‘ઈઝરાયેલની એકમાત્ર સત્તાવાર ઈમરજન્સી પ્રતિક્રિયા યુનિટ’ તરીકે માન્યતા મળેલી છે. સંગઠનની એક યુનિટ મૃતકોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે કામ કરે છે, ખાસ કરીને અચાનક કે અણધાર્યા મામલાઓમાં...

કારો પર લોહીના ડાઘા, વાહનોમાં શરીરના અંગો વેરવિખેર, એકત્ર કરવા મુશ્કેલ

અહેવાલો મુજબ સંગઠને મૃતકોના અંગો મેળવવા ઘણા પ્રયાસો કર્યા, જોકે તેઓ નિષ્ફળ ગયા છે. ઉપરાંત તેઓ જે વાહનોમાં હત્યાઓ થઈ છે, તે વાહનોને પણ સાફ કરવામાં નિષ્ફળ ગયા છે. કેટલીક કારો પર લોહીના ડાઘા છે, તો કેટલાક વાહનોમાં સળગી ગયેલા શરીરના અંગો વેરવિખેર પડ્યા છે, જેને ટેકનિકલ કારણોસર એકત્ર કરવા મુશ્કેલ છે.

‘વાહનમાં જ જીવતા સળગાવાયા, ગોળી મરાઈ, ગળુ દબાવી હત્યાઓ કરાઈ’

રિપોર્ટમાં જણાવાયું છે કે, જે વાહનોમાં હત્યાઓ કરવામાં આવી છે, તેમાંથી કેટલાકને ગોળી મારી દેવામાં આવી છે, તો કેટલાકને કાર સહિત જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, તો હમાસના આતંકવાદીઓ દ્વારા કેટલાક લોકોની કારની અંદર જ ગળુ દબાવીને હત્યા કરી દેવાઈ છે.

વાહનોને દફનાવવા પર ચર્ચા-વિચારણા શરૂ

ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલની સ્થાપના બાદ આવું પહેલીવાર બન્યું છે કે, મૃતકોની પવિત્રતા જાળવવા માટે વાહનોને દફનાવવાની ચર્ચા-વિચારણા થઈ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ મામલે મિલિટ્રી રેબીનેટ અને ચીફ રેબીનેટ સાથે ચર્ચા-વિચારણા થઈ રહી છે. ત્યારબાદ આવનારા કેટલાક દિવસોમાં આખા ઈઝરાયેલમાં યહૂદી કબ્રસ્તાનોમાં સેંકડો વાહનોને દફનાવવામાં આવશે. જોકે આ મામલે ધાર્મિક સેવા મંત્રાલય દ્વારા સત્તાવાર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે સોશિયલ મીડિયા પર આ મામલે ખુબ ચર્ચાઓ થઈ રહી છે અને લોકો જુદા જુદા મંતવ્યો શેર કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો