અમદાવાદથી કોલ કરીને અમેરિકાના નાગરિકો સાથે ૧૫૭ કરોડની છેતરપિંડી
અમદાવાદ,બુધવાર
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા ૧૫૭ કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના ૧૩ જેટલા સંચાલકો સામે સીબીઆઇએ બુધવારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં છેતરપિંડીનો આંક વધવાની સાથે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા સીબીઆઇના અધિકારીઓએ વ્યક્ત કરી છે. સીબીઆઇમાં નોંધવામાં આવેલી ફરિયાદની વિગતો એવી છે કે અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્સ-૩માં આવેલી કંપની સંપર્ક સોફટેક પ્રાઇવેટ લીમીટેડના ડાયરેક્ટર ગૌરવ ગુપ્તા, પ્રવિણ કુમાર અને અન્ય લોકો દ્વારા અમેરિકામાં વીઓઆઇપીની મદદ કોલ કરીને ઓનલાઇન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં એમેરિકાના સરકારી વિભાગના અધિકારીના નામે કોલ કરીને ડરાવીને સમગ્ર કૌભાંડ ચાલે છે. જે અંગે સીબીઆઇને અમેરિકાથી પણ ઇન્પુટ મળ્યા હતા. કુલ ૧૫૭ કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. જે અંગે વધુ તપાસ કરતા વિગતો બહાર આવી હતી કે આ કૌભાંડમાં નવી દિલ્હી ઉત્તમનગરમાં આવેલી બીપીઓ સોલ્યુશન પ્રાઇવેટ લીમીટેડ, મકરબા કોર્પોરેટ રોડ પર આવેલા પેલાડીયમ સ્થિત શિવાય કોમ્યુનિકેશન, આશ્રમ રોડ જુની આરબીઆઇ પાસે આવેલા આત્મા હાઉસમાં આવેલા ટેકનોમાઇન સોલ્યુશન લીમીટેડ અને એસજી હાઇવે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા મોન્ડીયલ સ્કેવર સ્થિત ટેકનોમાઇન્ડ સોલ્યુશનથી પણ અમેરિકામાં કોલ કરવામાં આવતા હતા. જે અંગે સીબીઆઇએ વધુ તપાસ શરૂ કરી છે.
Comments
Post a Comment