ગરીબ દેશોને કુદરતી આપત્તિઓ સામે લડવા ભંડોળ આપવા કોપ-28માં સંમતિ


- પ્રદૂષણ અત્યાર સુધીમાં થયેલા યુદ્ધો કરતાં 15 ગણુ વધુ ખતરનાક !

- પીએમ મોદીએ વર્ષ 2028માં ભારતમાં કોપ-33નું આયોજન કરવા અને ગ્રીન ક્રેડિટ ઈનિશિયેટિવનો પ્રસ્તાવ મૂક્યો

દુબઈ : સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સની વાર્ષિક બેઠક દુબઈમાં શરૂ થઈ ગઈ છે. અહીં જળવાયુ પરિવર્તન પર માત્ર વાતો કરવાના બદલે આ વખતે મોટા નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે. બે સપ્તાહની કોપ-૨૮ ચર્ચામાં પહેલા દિવસે જ મોટી સફળતા મળી છે. ખર્ચાળ કુદરતી આપત્તીઓનો સામનો કરવા માટે ગરીબ દેશોને મદદ કરવા માટે નવું ભંડોળ બનાવવા દેશો તૈયાર થઈ ગયા છે. એટલું જ નહીં યુએઈ, બ્રિટન, અમેરિકા, યુરોપ જેવા દેશોએ આ ભંડોળ માટે મદદની રકમની પણ જાહેરાત કરી છે. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટના ઉદ્ધાટન સત્રમાં જાહેરાત કરી કે ભારત જળવાયુ પરિવર્તન માટે યોજાનારી સમિટનું આયોજન કરવા તૈયાર છે. વધુમાં તેમણે ગ્રીન ક્રેડિટ પહેલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ગ્લોબલ અલાયન્સ ઓન હેલ્થ એન્ડ પોલ્યુશનના જણાવ્યા મુજબ પ્રદૂષણ દુનિયામાં અત્યાર સુધીમાં થયેલા બધા યુદ્ધો કરતાં ૧૫ ગણા વધુ અને એઈડ્સ, ટીબી, મેલેરિયા જેવી બીમારીઓ કરતાં ૩ ગણા વધુ ખતરનાક છે. પ્રદૂષિત દેશોમાં થઈ રહેલા પ્રત્યેક ૪માંથી ૧ મોતનું કારણ પ્રદૂષણ જ છે. તેથી આ મુદ્દે ચર્ચા અને નિર્ણયો લેવા જરૂરી છે.

દુબઈમાં આયોજિત કોપ-૨૮માં પહેલા દિવસે ગુરુવારે લોસ એન્ડ ડેમેજ ફંડની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ફંડમાંથી એવા ગરીબ દેશોને મદદ કરાશે, જ્યાં ક્લાઈમેટ ચેન્જના કારણે કુદરતી આપત્તિઓ આવે છે. કોપ-૨૮ના પ્રમુખ સુલ્તાન અહેમદ અલ-જબેરે જણાવ્યું હતું કે, લોસ એન્ડ ડેમેજ ફંડની રચના વિશ્વ માટે એક સકારાત્મક સંકેત છે. આ સાથે બે સપ્તાહની આ પરિષદના પહેલા દિવસે સરકારો માટે ભંડોળમાં યોગદાનની જાહેરાત કરવા માટેના દરવાજા ખોલી નાંખ્યા છે.

આ ફંડની રચના સાથે કેટલાક દેશોએ તેમના યોગદાનની જાહેરાત પણ કરી હતી. કોપ-૨૮ના આયોજક યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)એ ૧૦૦ મિલિયન ડોલર, બ્રિટને ૫૧ મિલિયન ડોલર, અમેરિકાએ ૧૭.૫ મિલિયન ડોલર અને યુરોપે જર્મનીના ૧૦૦ મિલિયન ડોલર સહિત ૨૪૫.૩૯ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે કુદરતી આપત્તીનો સામનો કરનારા ગરીબ દેશો વર્ષોથી આ સહાયની માગણી કરતા આવ્યા છે. આ ફંડની મંજૂરીનો અર્થ એ છે કે ગરીબ દેશોને સહાય મુદ્દે કોઈ રમત નહીં રમાય અને અન્ય મુદ્દાઓના સોદામાં આ ભંડોળ આપવાની વાટાઘાટો નહીં થાય. હવે આ બેઠકમાં વિશ્વનું તાપમાન બે ડિગ્રી સે.થી નીચે રાખવાના પેરીસ કરારના લક્ષ્યના અમલમાં દુનિયાના દેશોએ કેટલી પ્રગતિ કરી છે તેના મૂલ્યાંકન પર ફોકસ કરાશે. પેરીસ કરાર મુજબ વિકાસશીલ દેશોને ૨૦૩૦ પહેલાંના સમયમાં પ્રદૂષણ ઘટાડવાના તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા ૫.૮થી ૫.૯ લાખ કરોડ ડોલરની જરૂર પડશે.

જોકે, આ ભંડોળને મંજૂરી અપાવાના મુદ્દે કેટલાક જૂથોએ આ બાબતની વહેલી તકે ઊજવણી કરવા મુદ્દે સાવચેતી રાખવા કહ્યું છે. આ જૂથોનું કહેવું છે કે ભવિષ્યમાં આ ભંડોળના નાણાંનો કેવી રીતે ઉપયોગ કરાશે તેના સહિત કેટલાક મુદ્દાઓ હજુ પણ વણઉકલ્યા છે. આ ભંડોળમાં પુન: નાણાં નાંખવાની કોઈ નિશ્ચિત વ્યાખ્યા કરાઈ નથી, જે લાંબા સમય સુધી આ ભંડોળના ટકી રહેવા સામે સવાલ ઉઠાવે છે તેમ ક્લાઈમેટ એક્શન નેટવર્ક ઈન્ટરનેશનલના વૈશ્વિક રાજકીય રણનીતિકાર હરજીત સિંહે જણાવ્યું હતું.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસે છે, જેઓ કોપ-૨૮માં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે શુક્રવારે બેઠકના ઉદ્ધાટન સમારંભમાં જાહેરાત કરી હતી કે ભારત જળવાયુ પરિવર્તન માટે યોજાનારી આ બેઠકના યજમાન બનવા તૈયાર છે. તેમણે વર્ષ ૨૦૨૮માં સીઓપી-૩૩નું યજમાનપદ ભારતને આપવામાં આવે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, ભારતમાં દુનિયાની ૧૭ ટકા વસતી હોવા છતાં વિશ્વના કાર્બન ઉત્સર્જનમાં ભારતનું યોગદાન ચાર ટકાથી પણ ઓછું છે. ભારતના અધ્યક્ષપદે યોજાયેલી જી-૨૦માં આમારો નારો 'એક પૃથ્વી એક પરિવાર' હતો. ધરતી માતા તેના ભવિષ્યના રક્ષણ માટે અમારા તરફ જોઈ રહી છે. આપણે સફળ થવું પડશે. આપણે નિર્ણાયક બનવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, પાછલી સદીમાં કરેલી ભૂલોને આપણે વહેલી તકે સુધારવી પડશે, કારણ કે સમય ખૂબ જ ઓછો છે. વધુમાં પીએમ મોદીએ કાર્બન ક્રેડિટના વ્યાવસાયીકરણને ખતમ કરવા માટે ગ્રીન ક્રેડિટ પહેલનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ એક એવી પહેલ છે, જે બજાર આધારિત તંત્રના માધ્મયથી પર્યાવરણીય સકારાત્મક કાર્યોને પ્રોત્સાહિત કરશે અને ગ્રીન ક્રેડિટ ઉત્પન્ન કરશે, જેને વેપાર યોગ્ય બનાવાશે અને ઘરેલુ બજારમાં વેપાર માટે ઉપલબ્ધ કરાવાશે. ગ્રીન ક્રેડિટનો અર્થ એવો પ્રોગ્રામ છે, જેમાં પર્યાવરણ સુધાર સંબંધિત પ્રવૃત્તિઓમાં લાગેલા લોકો, સંસ્થાઓ અને સંગઠનોને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરાશે. આ કાર્યક્રમમાં વૃક્ષો લગાવવા, વોટર મેનેજમેન્ટ, વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા જેવા કામનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો