I.N.D.I.A. ગઠબંધનમાં સામે આવ્યો ખટરાગ... મમતાના પ્રસ્તાવથી લાલુ-નીતીશ નારાજ
નવી દિલ્હી, તા.19 નવેમ્બર-2023, મંગળવાર
I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક આજે દિલ્હીના અશોક હોટલમાં યોજાઈ હતી, જેમાં વિપક્ષી દળો વચ્ચે ઘણા મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગઠબંધન વચ્ચે રાજ્ય સ્તરે સીટ શેરિંગ થશે. જો આ રીત ઉપયોગી નહીં બને તો અમે આ મામલે પણ નિર્ણય લઈશું. જોકે હાલ એવા અહેવાલો સામે આવ્યા છે કે, મમતા બેનર્જીની પાર્ટી સીટ શેરિંગ મુદ્દે નારાજ થઈ છે. અહેવાલો મુજબ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણી મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ ન કરતા ટીએમસીની નારાજ થઈ છે. ત્યારબાદ ટીએમસી સહિત ગઠબંધનના ઘણા પક્ષોએ સીટ શેરિંગને અંતિમરૂપ આપવા માટે 31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.
કોંગ્રેસ 300 બેઠકો પર ચૂંટણી લડે, ટીએમસીનો પ્રસ્તાવ
બેઠકમાં ટીએમસીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, જ્યાં ભાજપ સાથે સીધી ટક્કર છે, ત્યાં કોંગ્રેસે લગભગ 300 બેઠકો પર લડવું જોઈએ. બાકી બેઠકો પર કોંગ્રેસે પ્રાદેશિક પાર્ટીઓને સમર્થન આપવું જોઈએ. ટીએમસી, જેડીયુ સહિત ઘણા પક્ષોએ પ્રસ્તાવ મુક્યો છે કે, બેઠક વહેંચણી મુદ્દે 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ.
મમતાના પ્રસ્તાવ પર નીતીશ-લાલુ નારાજ
બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, જેને દિલ્હીના મુખ્યમંત્રીએ પણ સમર્થન આપ્યું છે. જોકે આ પ્રસ્તાવ બાબતે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ નારાજ થવા હોવાના અહેવાલો છે. મમતાના પ્રસ્તાવ બાદ નારાજ લાલુ અને નીતીશ ગઠબંધનની બેઠકમાંથી તુરંત નિકળી ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ સામેલ થયા નથી. લાલુ પ્રસાદ યાદવે તાજેતરમાં નીતીશ કુમારનું સમર્થન કરી કહ્યું હતું કે, નીતીશ કુમાર સામે કોઈપણ પડકારો નથી.
બેઠકમાં શું ચર્ચા થઈ ?
બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થઈ છે. બેઠકમાં નીતીશ કુમારે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો ઈન્કાર કરી દીધો છે, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે, જોકે આ પ્રસ્તાવ અંગે ખડગેએ કહ્યું કે, પહેલા ચૂંટણી જીતવા પર ધ્યાન આપવું જોઈએ.
દિલ્હી-પંજાબમાં પણ થશે ગઠબંધન : ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બેઠકમાં સીટ શેરિંગનો પ્રસ્તાવ મુકાયો છે. તેમણે કહ્યું કે, તમામ લોકો મળીને કામ કરશે અને સીટ શેરિંગ મામલે જે રાજ્યોમાં અમારા લોકો છે, તેઓ એકબીજા સાથે સમજુતી કરશે. તેમણે કહ્યું કે, જો સમજુતી નહીં સધાય તો ત્યાં ઈન્ડિયા ગઠબંધનના લોકો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, બેઠક વહેંચણી મામલે રાજ્યસ્તરે ચર્ચા કરાશે. વિવાદની સ્થિતિમાં ગઠબંધનના મોટા નેતા તેનો નિવેડો લાવશે. તેમણે કહ્યું કે, દિલ્હી, પંજાબમાં પણ ગઠબંધન કરાશે અને સમસ્યાનું સમાધાન લવાશે. ખડગેએ જણાવ્યું કે, બેઠકમાં અમે 2થી 3 કલાક સુધી વિચાર-વિમર્શ કર્યો અને રણનીતિ પર સહમત થયા છીએ. ઉપરાંત 149 સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે, જેની અમે નિંદા કરી છે. અમે એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે, જે અલોકતાંત્રિક છે.
દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો : ખડગેની જાહેરાત
ખડગેએ કહ્યું કે, ગઠબંધનની ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. દેશમાં 8થી 10 બેઠકો યોજવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, અમે પ્રસ્તાવ પાસ કર્યો છે કે, લોકતંત્રને બચાવવું હોય તો તમામે સાથે મળીને લડવું પડશે. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો કરાશે.
સિટ શેરિંગનીની કામગીરી 31 ડિસેમ્બરમાં પુરી કરાશે : TMC
બેઠકમાં ટીએમસીએ ગઠબંધનની ઘણા પક્ષો સાથે મળીને તમામ સિટ શેરિંગની પર વાતચીત પૂરી કરી લીધી છે. સિટ શેરિંગનીની કામગીરી 31 ડિસેમ્બર સુધીમાં પુરી કરવાનો પણ સમય નક્કી કરાયો છે. તો બેઠક બાદ સમાજવાદી પાર્ટીના અધ્ક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલ યાદવે બેઠક વહેંચણી મુદ્દે કહ્યું કે, તમામ પક્ષો વહેલીતકે સિટ શેરિંગ કરી મેદાનમાં જવા તૈયાર છે. ટુંક સમયમાં બેઠકની વહેંચણી કરી દેવાશે.
Comments
Post a Comment