રાજસ્થાનમાં ભજનલાલનું 'વજન પડયું' : મુખ્યમંત્રીપદે તાજપોશી
- બગાસુ ખાતાં પતાસુ : પહેલી જ વખત ધારાસભ્ય બન્યા અને સીધા સીએમ
- શર્મા સરકારમાં દિયા કુમારી, પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી, વાસુદેવ દેવનાની સ્પીકરપદે નિયુક્ત
જયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત બધાને ચોંકાવી દીધા છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ અને રાજસ્થાનમાં વસુંધરાના રાજનો અંત આવ્યો છે અને અપેક્ષા મુજબ જ ભાજપે હિન્દી પટ્ટાના ત્રણેય રાજ્યોમાં એકદમ નવા જ ચહેરાઓની મુખ્યમંત્રીપદે વરણી કરી છે. રાજસ્થાનમાં પહેલી જ વખત ધારાસભ્ય બનનારા ભજનલાલ શર્માની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સિવાય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે.
દેશમાં આગામી છ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સેમિફાઈનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે માત્ર ત્રણ રાજ્યમાં ભવ્ય વિજય જ નથી મેળવ્યો, પરંતુ મુખ્યમંત્રીપદે નવા ચહેરાઓની નિમણૂક કરીને જાતીગત સમીકરણ પણ સાધ્યું છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેએ કથિત રીતે શક્તિપ્રદર્શન કરીને અનેક ધમપછાડા કર્યા છતાં હાઈકમાન્ડ આગળ તેમનું કશું ચાલ્યું નહીં અને તેમણે મુખ્યમંત્રીપદ માટે નવા ચહેરા માટે માર્ગ મોકળો કરવો પડયો છે.
છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ હાઈકમાન્ડે છેક સુધી મુખ્યમંત્રીના ચહેરા અંગેનું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. સાંગાનેરથી પહેલી વખત ધારાસભ્ય બનનારા ભજનલાલ શર્માના નામની જાહેરાત ના થઈ ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે મુખ્યમંત્રી કોણ બનવાનું છે.
રાજસ્થાનમાં નિરીક્ષકો તરીકે નિયુક્ત ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અન્ય નેતાઓ વિનોદ તાવડે અને સરોજ પાંડે સાથે બપોરે જયુપુર પહોંચ્યા હતા. જયપુરમાં રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. આ સિવાય રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજે પણ વસુંધરા રાજે સમર્થિત કેટલાક ધારાસભ્યો રાજનાથને મળ્યા હતા અને મુખ્યમંત્રીપદે વસુંધરાની પસંદગી અંગે વાત કરી હતી. પરંતુ હાઈકમાન્ડે ભાવિ રણનીતિના ભાગરૂપે અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે કોઈ નવા ચહેરાને તક આપવાની છે.
રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા પછી ભાજપ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની પસંદગીનો જ હતો. મુખ્યમંત્રીપદની રેસમાં વસુંધરા રાજે, બાબા બાલકનાથ, દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી સહિત અનેક નામો ચર્ચામાં હતા. પરંતુ હાઈકમાન્ડે સાંગાનેર બેઠક પરથી ચૂંટણી જીતનારા ભજનલાલ શર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ભજનલાલ શર્મા આરએસએસની નજીક છે.
ભરતપુર નિવાસી ભજનલાલ શર્મા સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત છે. તેઓ ચાર વખત પ્રદેશ મહામંત્રી તરીકે કામ કરતા રહ્યા છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીના બદલે સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પર પહેલી વખત ચૂંટણી લડાવી હતી અને તેઓ પહેલી વખત ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા ત્યારે હાઈકમાન્ડે તેમને સીધા જ મુખ્યમંત્રી બનાવી દીધા છે. આ સાથે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરાઈ છે.
નવા મુખ્યમંત્રીની જાહેરાત સાથે જ રાજસ્થાનમાં શર્મા સરકારમાં દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. આ સિવાય અજમેર ઉત્તરથી ધારાસભ્ય બનેલા વાસુદેવ દેવનાનીને સ્પીકર બનાવાયા છે. પ્રેમચંદ બૈરવા જયપુરની દૂદૂ વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. ૪૪ વર્ષીય પ્રેમચંદ બૈરવાએ કોંગ્રેસના નેતા બાબુલાલ નાગરને ૩૫,૭૪૩ મતોથી હરાવ્યા હતા.
રાજઘરાનાથી આવતાં દિયાકુમારીએ વિદ્યાનગર વિધાનસભા બેઠક પરથી ૧.૫૮ લાખ મતોથી વિજય મેળવ્યો હતો. જયપુરનાં રાજકુમારી દિયા કુમારી સ્વ. બ્રિગેડિયર ભવાની સિંહ અને મહારાણી પદ્મિની દેવીનાં પુત્રી છે. તેમણે ૧૦ વર્ષ પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. દિયા કુમારી રાજમાતા ગાયત્રી દેવીનાં પૌત્રી છે. આ સિવાય અજમેર ઉત્તરથી જીતનારા વાસુદેવ દેવનાની વર્ષ ૨૦૦૩થી સતત પાંચમી વખત ધારાસભ્ય બન્યા છે. તેમને સંઘની પસંદ પણ માનવામાં આવે છે.
Comments
Post a Comment