વિપક્ષ મુક્ત સંસદ : વધુ 49 સાંસદો સાથે કુલ 141 સસ્પેન્ડ, માત્ર 87 બચ્યા


- સંસદના નવા નિયમોનો ભંગ કર્યો, સાંસદોને સસ્પેન્ડ કરવા જરૂરી હતા : કેન્દ્ર

- મોદી સરકાર 'ડેમોક્રેસી'નો નાશ કરીને 'નમોક્રેસી' લાવવા માગે છે, વિપક્ષની ગેરહાજરીમાં ચર્ચા વગર જ પ્રજા વિરોધી બિલોને પસાર કરાશે : કોંગ્રેસ

- લોકસભામાં રાહુલ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના માત્ર નવ જ સાંસદો બચ્યા, સંસદ બહાર ઉગ્ર વિરોધની ચીમકી

નવી દિલ્હી : સંસદમાં શીયાળુ સત્ર ચાલી રહ્યું છે, વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરુપે ઉઠાવ્યો છે. મંગળવારે પણ આ મુદ્દે સંસદના બન્ને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. પરિણામે લોકસભામાંથી વધુ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદોની કુલ સંખ્યા ૧૪૧એ પહોંચી ગઇ છે. ભારતની સંસદના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. ૧૪૧ સાંસદો સસ્પેન્ડ થતા હવે સંસદના બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોની સંખ્યા સાવ ઘટી ગઇ છે. લોકસભામાં કોંગ્રેસના હવે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત માત્ર નવ જ સાંસદો બચ્યા છે. 

લોકસભામાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના કુલ ૧૩૮ સાંસદો છે, જેમાંથી હવે માત્ર ૪૩ સાંસદો જ સંસદમાં બચ્યા છે, બાકીના તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. માત્ર લોકસભામાંથી જ ૯૫ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે રાજ્યસભામાં વિપક્ષના કુલ ૯૫ સાંસદો છે તેમાંથી ૪૬ને સસ્પેન્ડ કરી દેવાયા છે. બન્ને ગૃહોમાં વિપક્ષના ૨૨૮ સાંસદો છે તેમાંથી ૧૪૧ને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેથી બન્ને ગૃહમાં  બચી ગયેલા કુલ સાંસદોની સંખ્યા ૮૭ પર આવી ગઇ છે.  સસ્પેન્ડ કરવાનો સિલસિલો ૧૪મી તારીખે શરૂ થયો હતો, સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાંથી કુલ ૧૪ સાંસદ સસ્પેન્ડ કરાયા હતા, જે બાદ સોમવારે પણ ૭૮ સાંસદો પર કાતર ફેરવાઇ હતી અને હવે ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરી દેવાતા  કુલ સંખ્યા ૧૪૦ને પાર જતી રહી છે. 

વિપક્ષની માગણી છે કે સંસદમાં થોડા દિવસ પહેલા ઘૂસણખોરી થઇ હતી, સ્મોક એટેક થયો હતો. સંસદની સુરક્ષામાં ખામી મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બન્ને ગૃહોમાં આવીને નિવેદન આપે અને વિપક્ષને ચર્ચાની તક આપવામાં આવે. આ માગણીઓને લઇને મંગળવારે પણ સંસદના બન્ને ગૃહમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. પરિણામે કોંગ્રેસના મનીષ તિવારી, કાર્તિ ચિદંબરમ, શશિ થરૂર, બસપાએ સસ્પેન્ડ કરેલા દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપાના ડિંપલ યાદવ અને એસટી હસન, ટીએમસીના માલા રોય, આપના સુશીલ કુમાર રિંકૂ તેમજ ફારુક અબ્દુલ્લા સહિત કુલ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મંગળવારે લોકસભામાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જોકે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભવિષ્યવાણી કરી હતી કે મને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. થરૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ૧૫ વર્ષની સંસદીય કારકિર્દીમાં હું મંગળવારે પહેલી વખત સંસદમાં પોસ્ટર સાથે પ્રવેશ્યો અને વેલ સુધી મારા સાથી સાંસદો સાથે ગયો, મને પુરી ખાતરી છે કે મને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. થરૂરની આ ભવિષ્યવાણીના થોડા સમય બાદ સસ્પેન્ડ કરાયેલા સાંસદોની યાદી જાહેર કરાઇ હતી જેમાં તેમનું પણ નામ સામેલ હતું. 

૧૩મી તારીખે લોકસભામાં બે યુવકો પ્રવેશ્યા હતા, તેમણે વિઝિટર્સ ગેલરીથી છલાંગ લગાવી, બાદમાં હંગામા વચ્ચે તેમણે પોતાની પાસે રહેલો કલરનો ધુમાડો છોડયો હતો. જેનાથી સંસદની અંદર પિળા રંગનો ધુમાડો ફેલાઇ ગયો હતો. સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે વિપક્ષ પાંચ દિવસથી હોબાળો મચાવી રહ્યો છે જ્યારે સંસદના નવા નિયમો જેમાં પોસ્ટરો લઇ જવા, સુત્રોચ્ચાર વગેરે પર પ્રતિબંધ હોવાથી બન્ને ગૃહોના અધ્યક્ષોએ વિપક્ષના કુલ ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ તમામ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે સાંસદો બન્ને ગૃહોના અધ્યક્ષોનું અપમાન કરી રહ્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય છે.     સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર લોકશાહીનો નાશ કરવા માગે છે, એક સાથે મોટી સંખ્યામાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરીને પ્રજા વિરોધી કડક કાયદાના બિલોને પસાર કરવા માગે છે. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ડેમોક્રેસીને ખતમ કરીને નમોક્રેસી લાવવા માગે છે. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો