ઈન્ડોનેશિયામાં ભૂકંપ પછી સુનામી ત્રાટક્યુંઃ ૪૦૦ના મૃત્યુ, ૫૪૦ને ઈજા
પાલુ (ઇન્ડોનેશિયા), તા.29 સપ્ટેમ્બર,2018, શનિવાર
ઇન્ડાનેશિયામાં આવેલા ૭.૫ની તીવ્રતાના ભૂકંપ પછી હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં ગરબડ સર્જાઈ હતી. શુક્રવારે આવેલા ભૂકંપમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલુથી એંશી કિલોમીટર દૂર હતું. ભૂકંપ પછી ૧.૮૦ કરોડની વસતી ધરાવતા સુલાવેસી પ્રાંતના પાલુ શહેર પર ત્રાટકેલા ભયવાહ્ સુનામીમાં ૪૦૦ લોકોના મૃત્યુ થયા હતા અને ૫૪૦થી પણ વધુ ઘાયલ થયા હતા. સુનામીની સૌથી વધુ અસર સાડા ત્રણ લાખની વસતી ધરાવતા દરિયા કિનારાના પાલુમાં જ નોંધાઈ હતી. સુનામી વખતે પાલુના દરિયામાં ખૂબ ઊંચે સુધી મજબૂત મોજા ઊછળ્યા હતા અને શહેરના રહેણાક વિસ્તારમાં દસ કિલોમીટર અંદર સુધી દરિયાનું પાણી ઘૂસી ગયું હતું.
દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
સુનામીના કારણે પાલુ પછી સૌથી વધારે અસર કુલ સાતેક લાખની વસતી ધરાવતા મામુજુ અને ડોંગાલા શહેરોમાં થઇ હતી. પાણીના સખત પ્રવાહના કારણે અહીંના રસ્તાઓ તૂટી ગયા હતા, જેથી અનેક ટાપુ પર આવેલા રહેણાક વિસ્તારો વિખૂટા પડી ગયા હતા. વીજથાંભલા અને ટેલિફોન ટાવરોને પણ ભારે નુકસાન થયું હતું. આ કારણસર ઘણાં લાંબા સમય સુધી નેશનલ ડિઝાસ્ટર ટીમ લોકો સાથે સંપર્ક કરી શકી ન હતી. પાલુ અને મામુજુ શહેરો પ્રવાસન સ્થળ તરીકે જાણીતા છે. સુનામી ત્રાટક્યું ત્યારે પાલુ શહેરના સ્થાપના દિવસની ઉજવણી ચાલી રહી. વળી, શુક્રવારની રાત્રિ હોવાથી હજારો લોકો પાલુના દરિયા કિનારે ભેગા થયા હતા. ભૂકંપમાં અનેક લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા અને બાદમાં પાણીના પ્રવાહમાં હજારો લોકોનો સામાન વહી ગયો. સુનામી આવતા પહેલાં મોજા ઊછળ્યા ત્યારે પણ અનેક લોકો ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ તેમાંના મોટા ભાગના બચી શક્યા ન હતા.
અનેક લોકો મોજા જોઇને ભાગ્યા
આશ્ચર્યની વાત એ છે કે, ઈન્ડોનેશિયાની મીટિઓરોલોજિકલ એન્ડ જિયોફિઝિક્સ એજન્સીએ ભૂકંપ પછી સુનામીની એલર્ટ આપી હતી અને ૩૪ મિનિટ પછી પાછી ખેંચી લીધી હતી. આ ઘટના પછી એજન્સીની વ્યાપક ટીકા થઇ રહી છે. ઇન્ડોનેશિયાના ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા સુતુપો પુર્વો નુગુ્રહો કહ્યું હતું કે, અમે સુનામી એલર્ટ આપી હતી. આમ છતાં, અનેક લોકોએ દરિયા કિનારે જઇને તેમના કામકાજ ચાલુ રાખ્યા હતા અને હવે તેઓ પીડિત છે. આ ખૂબ જ દુઃખની વાત છે. દરિયામાં દસ ફૂટ ઊંચા મોજા જોઈને અનેક લોકો વૃક્ષો પર ચઢી ગયા હતા, જેમાંના અનેક લોકો બચી ગયા છે. શુક્રવારે સવારે જ ઇન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ પછી તુરંત જ ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ સદ્નસીબે મોટી જાનહાનિ થઇ ન હતી.
ભૂકંપ પછીનું સુનામી ભયાવહ્
આ દરમિયાન ઇન્ડોનેશિયન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેનાએ તાત્કાલિક બચાવકાર્ય શરૃ કરી દીધું હતું. ભૂકંપ પછી સુનામીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોના કારણે હોસ્પિટલો ઊભરાઈ ગઈ હતી. આ કારણસર રસ્તાઓ પર બેડ મૂકીને લોકોની સારવાર શરૃ કરાઈ હતી. આ દરમિયાન અનેક લોકો પોતાના સ્વજનોને શોધતા હોય એવા દર્દનાક દૃશ્યો પણ સર્જાયા હતા. અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યાનુસાર, પાલુના સુલાવાસીમાં સુનામી ત્રાટક્યા પછી દસ કિલોમીટર સુધી દરિયાના પાણી ઘૂસી ગયા હતા. દરિયા કિનારાના શહેરોમાં આ પ્રકારના સામાન્ય ભૂકંપ પણ સુનામી લાવતા હોવાથી ભારે તબાહી સર્જનારા સાબિત થાય છે.
નોંધનીય છે કે, ઈન્ડોનેશિયામાં ડિસેમ્બર ૨૦૦૪માં પણ સુમાત્રા સહિતના દરિયા કિનારે ૯.૧ના ભૂકંપ પછી ભયાવહ્ સુનામી ત્રાટક્યું હતું. એ દુર્ઘટનાને કારણે ઈન્ડોનેશિયાના ૧.૬૮ લાખ સહિત કુલ ૨.૨૦ લાખ લોકોના મૃત્યુ થયા હતા. એ પછી ૨૦૧૦માં પણ સુમાત્રાએ સુનામીનો સામનો કર્યો હતો, જેમાં ૪૩૦ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે જાવામાં ભૂકંપ અને સુનામી આવતા ૬૦૦ લોકો માર્યા ગયા હતા.
Comments
Post a Comment