સબરીમાલા મંદિરની આવક જપ્ત કરી તેને સ્ત્રી કેળવણી માટે ફાળવો

૫૬'ની છાતી ક્યારે કહેવાય કે જ્યારે કેરળના સબરીમાલા મંદિરની આ વર્ષની તગડી આવક રૂ. ૨૫૫ કરોડને જપ્ત કરીને તેનો કન્યા કેળવણીમાં ઉપયોગ કરવા આદેશ આપવો જોઇએ.

સબરીમાલા મંદિરના વહિવટકારો કોઇનેય ગાંઠતાં નહોતા; જો કોઈ પ્રતિકાર કે દલીલ કરે તો મંદિરના સેવક જેવા લાગતા બોડીગાર્ડો ઝાપટ-ઝૂપટ કરતાં પણ અચકાતા નહોતા.

જે નિર્ણયો સરકારે લેવાના હતા તે સુપ્રીમ કોર્ટ લઇ રહી છે. સબરીમાલા મંદિર અંગેના સુપ્રીમના ચુકાદાથી સૌ ખુશ છે, સ્ત્રી-સમાજને પણ ગૌરવ છે. આ કામ સરકારે કર્યું હતું તો લોકોને 'ફીલગુડ' જેવો અનુભવ થાત.

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પાસે તગડો દંડ વસૂલ કરવો જોઇતો હતો. અત્યાર સુધી મહિલાઓને થયેલા દેખીતા અન્યાયનું શું ? સબરીમાલા પાસે દંડ લેવો કે નહીં તે મુદ્દો સરકાર પર છોડીને સુપ્રીમે રાજકારણીઓને નિર્ણય નહીં લેવાની શક્તિને ખુલ્લી પાડવા જેવી હતી.

મહિલાઓ જે સંતોને પગે લાગીને આશિર્વાદ મેળવે છે તેમનો કલર ક્યારે બદલાશે તે સમજી શકાય એમ નથી. મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવનારાઓએ મહિલાના હાથે બનાવેલું જમવાનું પણ ના ખાવું જોઇએ.

દલીલ એવી કરાતી હતી કે રજસ્વલા મહિલાઓએ મંદિરમાં પ્રવેશવું ના જોઇએ. આ બાબતનું એક પાટીયું લગાડીને વહિવટકારોએ ચૂપ થઇ જવું જોઇએ તેના બદલે શબરીમાલાના વહિવટકારો તો એવું સેન્સર મશીન લાવ્યા હતા કે તેના પર મહિલાઓને પસાર કરવામાં આવતી. જે મહિલા રજસ્વલા હોય તેનો સંકેત મશીનના સેન્સરમાં આવવા લાગતા હતા. બિચ્ચારી મહિલા નીચું જોઇને બહાર જતી રહેતી હતી.

સબરીમાલાનું મંદિર તગડી આવક કરે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે તેની આવકમાં ૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષની તેની આવક રૂ. ૨૫૫ કરોડની થઇ છે.આ આવકનો વરસાદ આકાશમાંથી નથી થયો પણ શ્રધ્ધાળુઓએ કરેલું દાન છે. મનગઢંત નિર્ણયો લેતા વહિવટકારોને એ ખબર નથી કે તેમની આવક શ્રધ્ધાળુઓના જોરે થાય છે.

મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. આ બહુમતીનો ઉપયોગ તે કરી શક્યા નથી. લોકોને સ્પર્શતી નાની-નાની વાતોનું નિરાકરણ આ બહુમતીના જોરે ચપટી વગાડીને આવી શકે છે.

ધાર્મિક બાબતોએ રાજકારણીઓ બિન્દાસ્ત બનીને એટલા માટે નથી બોલતા કે તેમને વોટ ખોવા પોષાય એમ નથી. રાજકારણીઓ ભલે દેખાવે ભારાડી હોય પણ ધર્મ અંગેના કોઈપણ વિવાદમાં તે પડતા નથી. જે લોકો સતત પોતાની મતપેટીની ચિંતા કરતા હોય છે એવા લોકો કોઈ કડક નિર્ણય ન લઇ શકે.

સબરીમાલા મંદિર બહુ વગદાર છે. રાજકારણીઓ પર તેની પકડ છે. આમ પણ, આપણે ત્યાં ધાર્મિક બાબતોમાં રાજકારણીઓ મૌન રહેવાનું વધુ પસંદ કરે છે. સબરીમાલા મંદિરના વહિવટકારો ૮૦૦ વર્ષ જુની પ્રણાલી છોડવા તૈયાર નહોતા. આ એક પ્રકારની પરંપરા છે. ભગવાને ડાયરેક્ટ કોઈ સૂચના નથી આપી પણ વચેટીયાઓએ પોતાની જાતે લાલ રંગના વિવિધ અર્થતારવ્યા હતા.

સબરીમાલા મંદિરમાં ગયેલી એક યુવતીને રોકાઈ ત્યારે તેણે ફેસબુક અને ટ્વીટર પર બળાપો કાઢ્યો હતો. જો કે સોશ્યલ કોમ્યુનીટી ત્યારે થોડી નબળી પડી હતી.

અહીં પ્રશ્ન મોદી સરકાર સામે ઉઠે છે કે સુપ્રીમ કોર્ટે વચ્ચે એટલા માટે પડવું પડે છે કે સરકાર નિર્ણયો લટકાવી રાખે છે.૫૬ની છાતી નહીં પણ તે પ્રકારના બોલ્ડ નિર્ણયો જોઇએ. હજુ મોદી સરકાર પાસે ૮ મહિના બાકી છે. ભાજપ શાસિત રાજ્યો પાસેથી પ્રજાને સ્પર્શતી સબરીમાલા સ્ટાઇલ સમસ્યાઓની યાદી મંગાવીને દરેકનો ફટોફટ નિકાલ કરવો જોઇએ.

ભાજપને રાહત એ વાતની છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષો પાસે નથી સંગઠન કે નથી દેશ ચલાવવાના કોઈ આઈડયા આ સ્થિતિમાં મોદીએ રાજકીય લાભ ઉઠાવવાની કળા શીખી લેવાની જરૂર છે.

- પ્રસંગપટ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો