બધી સમસ્યાનું સમાધાન હોય તેવી એક વ્યક્તિ એટલે પૂ.ગાંધીજી: મોદી

રાજકોટ,તા.30 સપ્ટેમ્બર 2018, રવિવાર

રાજકોટમા મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે સવા વર્ષમાં બીજી વાર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં આગવા અંદાજમાં કહ્યું કે તા.૨ ઓક્ટોબરના દિવસે એક વ્યક્તિનો નહીં પણ એક યુગનો જન્મ થયો હતો.

સમગ્ર વિશ્વમાં જો કોઈ એકવ્યક્તિ પાસે તમામ સમસ્યાનું સમાધાન હોય તો તે વ્યક્તિ પૂ.બાપુ મહાત્મા ગાંધી છે.એ ગૌરવની વાત છે કે કાઠીયાવાડની આ ધરતી પર એક સુદર્શનચક્રધારી મોહન (ભગવાન શ્રીકૃષ્ણ)ની છે અને અહીં જ 'ચરખાધારી મોહન' (ગાંધીજી) જન્મ્યા.

મોદી મોદીના નારા વચ્ચે ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું આજનો પ્રસંગ રાજકોટ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે મહત્વનો છે. ગાંધીજીએ અહીંની માટી ખુંદતા, અહીંનું પાાણી પીને જીવનની શરુઆત કરી. કોઈ પણ મહાપુરુષને જાણવા હોય તો તેમનું બચપણ જાણવું પડે અને એ માટે રાજકોટ આવવું પડશે એ સ્થિતિ અમે પેદા કરી છે કહી રાજકોટ,રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારની પ્રશસ્તિ કરી હતી. આ સાથે તેમણે એ તત્વોએ ગાંધી અને રાજકોટને આટલા વર્ષો જુદા કરી નાંખ્યા હતા તેમ કહીને તથા ગાંધીજીને 'એ લોકો'એ પ્રાસંગિક બનાવીને માત્ર પૂષ્પાંજલિ અર્પવા પુરતા સીમિત કરી દીધા હોવાનું કહીને વિપક્ષ પર પરોક્ષ પ્રહાર કર્યા હતા.

મહાપુરુષોના ભવ્ય સ્મારકોની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે કહ્યું દેેશના ઈતિહાસનીસ્વર્ણિમ ઘટનાને ભુલી જાય તેનામાં ઈતિહાસ રચવાનું સામર્થ્ય ખતમ થઈ જાય, દેશના યુવાનો,લોકોમાં આજે પણ ઈતિહાસ રચવાનું સામર્થ્ય છે અને તેમને પ્રેરણા જોઈએ. આ સાથે તેમણે શ્યામજી કૃષ્ણવર્મા, બાબાસાહેબ આંબેડકર, ડો.અબ્દુલ કલામના પ્રેરક સ્થાન બનાવ્યાનો ઉલ્લેખ કર્યો અને અમે એક પરિવાર માટે કામ કરતા નથી તેમ મમરો પણ મુક્યો હતો.

વડાપ્રધાને કહ્યું આગામી ૩૧ ઓક્ટોબરે ગુજરાતમાં સરદાર પટેલના વિશ્વનું સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ કરવા હું આવવાનો છું. પ્રતિમા માટે છ લાખ ગામોમાંથી લોખંડ,પાણી,માટી ભેગા કર્યા હતા. મહાપુરુષના મહાનકાર્યોની નોંધ લેવા પ્રતિમા બનાવવી જ છે તો નાની શુ કામ? કહી તેમણે આ અંગે કોંગ્રેસની ટીકાનો કોંગ્રેસનું નામ લીધા વગર જવાબ આપતા કહ્યું કે એમને સરદારના સ્મારકમાં પણ ચૂંટણી જ દેખાય છે. તેમણે સરદાર પટેલને એક જાતિના કહીને આ વિશ્વમાનવને નાના નહીં કરવા અપીલકરી હતી.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થવાની છે તે પ્રસંગે પોતે યુ.એન.દ્વારા 'ચેમ્પીયન ઓફ અર્થ' તરીકે પસંદ થયા તેના હક્કદાર ગાંધીજી છે કહીને તેમણે આ સુભગ જોગાનુજોગ ગણાવી ઉમેર્યું કે આપણા દેશમાં પર્યાવરણના સંસ્કાર બાળપણથી મળે છે, સૂરજને દાદા, ચંદ્રના મામા કહીએ, ધરતી પર પગ મુકતા (સમદ્ર વસને દેવિ.. કહી) ક્ષમાપના માંગીએ.

ગાંધીજીના વિચારોને પોતાની સરકાર ચરિતાર્થ કરી રહ્યાનું જણાવીને ઉમેર્યું કે ગાંધીજી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેના પર ભાર દેતા, અમે ગરીબોને ઘરના ઘર આપ્યા, ગરીબો માટે અનેક યોજના અમલીકરી. આ પહેલા તેમણે રાજકોટના મવડીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું.

ગાંધીજી આઝાદીથી વધુ સ્વચ્છતાને મહત્વ દેતા, અમે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું. જો કે આ બધા પૂણ્ય કાર્યોનો જશ તેમણે ઈમાનદાર કરદાતાઓને આપ્યો હતો. કહ્યું કે તેઓએ ટેક્સ ભર્યો અને અમે તો અગાઉની જેમ તે સગેવગે થતા તેને બદલે લોક કલ્યાણમાં વાપર્યા.

સીત્તેર વર્ષમાં દેશને સ્વચ્છ ન બનાવી શક્યા તે હવે બનાવી રહ્યા છીએ તેમ કહીને વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે સ્વચ્છતા માટે દરેકે આગળ આવવું પડશે. દેશમાં રાજકોટને સૌથી વધુ સ્વચ્છ બનાવવા તેમણે ઉપસ્થિતોને હાકલ કરીને કહ્યું ઈ.સ.૨૦૧૪ પહેલા દેશમાં સેનીટેશન કવરેજ ૩૫ ટકા હતું તે ૪ વર્ષમાં વધીને ૯૫ ટકા થઈ ગયું છે. સ્વચ્છતા પર ભાર મુકીને ૩ લાખ બાળકોને મોતના મુખમાં ધકેલાતા બચાવાયા છે.

સભા બાદ તેઓએ જ્યુબિલી ચોકમાં રૂ।.૨૬ કરોડના ખર્ચે ઐતહાસિક જુની આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસગાંધી વિદ્યાલય)ની જગ્યાએ બનાવાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈને ત્યાં ખાસ્સો સમય વિતાવ્યો હતો અને ગાંધીજીના જીવન-કવનની અદ્યતન રજૂઆતની પ્રશંસા કરી હતી. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા વગેરે હાજર રહ્યા હતા. બાદમાં તેઓ એરપોર્ટ ગયા ત્યારે રૂટ પર કરાયેલી ભવ્ય રોશની નિહાળી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો