એપલ કંપનીના મેનેજરનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત, યુપી પોલીસ પર ઉઠ્યા સવાલો
લખનૌ, તા. 29. સપ્ટેમ્બર 2018 શનિવાર
ઉત્તરપ્રદેશની રાજધાન લખનૌના પોશ વિસ્તાર ગણાતા ગોમતી નગરમાં યુપી પોલીસના એક જવાને એપલ કંપનીના મેનેજરનુ એન્કાઉન્ટર કરી દેતા પોલીસ તંત્ર પર સવાલો ઉભા થયા છે.
મરનાર વિવેક તિવારી એપલ કંપનીમાં સેલ્સ મેનેજર હતા. વિવેક ગઈકાલે રાતે પોતાના સાથી કર્મચારી સાથે પાછા ફરી રહ્યા હતા ત્યારે બે પોલીસ કર્મચારીઓએ ગોમતીનગર પાસે તેમને ગાડી રોકવા ઈશારો કર્યો હતો. વિવેકે ગાડી નહી રોકતા પોલીસે સીધુ ફાયરિંગ કર્યુ હતુ. ગોળી વિવેકના માથામાં વાગી હતી અને તેમનુ મોત થઈ ગયુ હતુ.
ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીની ધરપકડ કરાઈ છે. વિવેકની સાથે ગાડીમાં હાજર સાથી કર્મચારી સનાખાને કહ્યુ હતુ કે હું વિવેકની સાથે તેના ઘરે જઈ રહી હતી ત્યારે ગોમતી નગર પાસે અણારી ગાડી ઉભી હતી. બે પોલીસ જવાનો અમારી સામે આવ્યા હતા. અમે તેમનાથી બચીને નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી અચાનક ફાયરિંગ થયુ હતુ.
સનાએ આગળ કહ્યુ હતુ કે અણે ત્યાંથી ગાડી આગળ વધારી હતી ત્યારે અમારી ગાડી અંડરપાસમાં દિવાલ સાથે ટકરાઈ હતી. વિવેકના માથામાંથી લોહી નીકળી રહ્યુ હતુ. મેં ઘણા લોકો પાસ મદદ માંગી હતી. એ પછી પોલીસ આવી હતી. પોલીસે અમને હોસ્પિટલ મોકલ્યા હતા. બાદમાં ખબર પડી કે વિવેકનુ મોત થયુ છે.
વિવેકની પત્નીએ યુપી સરકાર પર સવાલ ઉઠાવીને કહ્યુ છે કે સીએમ જાતે નહી આવે ત્યાં સુધી મારા પતિના અગ્નિ સંસ્કાર નહી કરવામાં આવે. જો મારા પતિ શંકાસ્પદ હાલતમાં હતા તો પોલીસ ગાડીનો નંબર નોંધીને આરટીઓમાંથી સરનામુ મેળવી આગળ તપાસ કરી શકી હોત. મારા પતિ સાથે ગાડીમાં હાજર મહિલાને હું જાણું છું. મને પોલીસની જગ્યાએ અન્ય એક કર્મચારીએ જાણકારી આપી હતી તો પોલીસે કેમ મને જાણ ના કરી..
દરમિયાન પોલીસે કોન્સ્ટેબલ પ્રશાંત સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જેનુ કહેવુ છે કે વિવેક તિવારીએ બેથી ત્રણ વખત કાર રિવર્સમાં લઈને મારા પર કાર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. મેં સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હતુ.
Comments
Post a Comment