પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઇદ ખુલ્લો ફરી રહ્યો છે ચૂંટણી લડી રહ્યો છે: સુષ્મા સ્વરાજ
નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2018, શનિવાર
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી ફરીવાર આતંકવાદની સાથે-સાથે વૈશ્વિક સમરસતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદ ફેલાવવામાં કુશળ છે, જ્યારે પોતાના કામનો ઇનકાર કરવામાં પણ વિશેષજ્ઞતા મેળવી છે. તેનું મોટું ઉદાહરણ તે છે કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી મળ્યો હતો.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે ભારત તમને ક્યારેય નિષ્ફળ થવા દેશે નહી. જે ઝડપથી વડાપ્રધાન મોદીએ 2030 માટે નિર્ધારિત લક્ષ્યોને પુરા કરવા માટે કામ શરૂ કર્યું છે, તે દર્શાવે છે કે, અમે સમય પહેલાં લક્ષ્યોને પ્રાપ્ત કરીશું. અમે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખુબ સારી રીતે તૈયાર છીએ.
તેમણે પોતાના સંબોધનમાં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને સુનામીને લઇને ઇન્ડોનેશિયા સરકાર અને લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ઇન્ડોનેશિયા ભૂકંપ અને સુનામીથી પ્રભાવિત થયો છે. હું ભારત તરફથી, આ સ્થિતી માટે ઇન્ડોનેશિયાની સરકાર અને લોકો પ્રત્યે શોક વ્યક્ત કરું છું. આ મુશ્કેલીનો સામનો કરવા માટે હું ઇન્ડોનેશિયાને ભારત તરફથી પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપુ છું.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ન્યૂયોર્કમાં 9/11ની ઘટના અને મુંબઇમાં 26/11ની ઘટનાએ શાંતિની આશાઓને બર્બાદ કરી દીધી છે. ભારત તેનો શિકાર રહ્યો છે અને ભારતમાં આતંકવાદનો પડકાર અમારા પાડોશી દેશ સિવાય કોઇ અન્ય પાસેથી નથી આવી રહ્યો. આ મંચ અમે, અમારા અને આપણાં સૌ માટે બન્યો હતો. ભારત નથી ઇચ્છતું કે, આ મંચ પરથી કેટલાક દેશોના હિત સાધવાનો નિર્ણય લેવામાં આવે. આપણે દરેકનો સહયોગ લઇને સૌના વિકાસ હિત લેવા પડશે. ગાંધીજીએ કહ્યું હતું કે, જે વ્યક્તિ અન્યોની પીડાને પોતાની પીડા સમજે છે તે જ સારો માણસ છે. પીડિતોના કલ્યાણની ભાવના સાથે આપણે આ મંચ ચલાવવુ પડશે.
Comments
Post a Comment