દિલ્હીની વાત- ઉજવણીમાં સેનાનાયકો નારાજ?
નવી દિલ્હી, તા. ૨૮ સપ્ટેમ્બર 2018, શુક્રવાર
સરકારે સર્જીકલ સ્ટ્રાઈકની બીજી વાર્ષિકી ઉજવવાનો નિર્ણય કરીને તેને 'પરાક્રમ પર્વ' તરીકે દેશભરમાં ત્રણ દિવસની ઉજવણી ચાલુ કરી તેના ભાગરૂપે વડાપ્રધાને જોધપુરમાં એક પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું, પણ સેનામાં ઘણાં અધિકારીઓ આ બાબતે નારાજગી અનુભવે છે. તેમના મતે આ સર્જીકલ સ્ટ્રાઈકનું 'રાજકીયકરણ' કરી દેવાયું છે. તેમાંના ઘણાં યાદ અપાવે છે કે ગત વર્ષે પરાક્રમ પર્વની ઉજવણી કરાઈ ન હતી. જ્યારે ચાલુ વર્ષે સંરક્ષણ મંત્રાલયે અચાનક સશસ્ત્ર દળોને નિર્દેશ આપીને દેશના ૫૧ શહેરોમાં સર્જીકલ સ્ટ્રાઈકને એક મહત્ત્વના ઉત્સવ રૂપે ઉજવવા જણાવ્યું.
વિડિયો ક્લિપ લીક થઈ
તેઓ એ બાબત પણ કહેતા જણાયા કે સર્જીકલ સ્ટ્રાઈકની વિડિયો ક્લિપ લીક થઈ હતી. જેમાં ટીમના કેટલાક સભ્યો, ભલે તેમના ચહેરા ઢાંકી દેવાયા હોય પણ તેમને ટી.વી. ચેનલમાં દર્શાવાયા. તેને અનુચીત ગણાવાઈ રહ્યું છે.
તેમની પ્રાપ્તિ શું?
અન્ય કેટલાકનું કહેવું છે કે 'સર્જીકલ સ્ટ્રાઈક ભલે સૈન્ય પ્રણાલીની દ્રષ્ટિએ સફળ રહી હોય, પણ વાસ્તવિક રીતે તેનાથી પ્રાપ્ત શું થયું? શું તેઓ સરહદ પાર ચાલતી ત્રાસવાદી પ્રવૃત્તિને અટકાવવામાં સફળ રહ્યા? તેવો સવાલ તેઓ પુછી રહ્યા છે.
રાહુલનું 'મેઈડ ઈન ચાઈના' રાજકારણ
વડા પ્રધાન ૩૧મી ઓક્ટોબરે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણની વીધી માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી-વાંચ્છુ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં કોંગ્રેસ વડા રાહુલ ગાંધીએ પ્રતિમા પ્રકરણને નવો જ વળાંક આપ્યો છે. આ પ્રતિમા અમેરિકાની સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતા બે ગણી ઉંચી છે. રાહુલનું કહેવું છે કે ભાજપ સરકાર પટેલની મહત્તાનો રાજકીય ઉપયોગ કરે છે. તેનાથી સરદાર પટેલની મહત્તા ઝંખવાય છે. જ્યારે અમિત શાહે વળતા પ્રહારમાં કહ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠાણા ફેલાવે છે. ભાજપનો દાવો છે કે તેઓએ 'પટેલ જયંતિની ઉજવણીમાં માત્ર ૮.૬ કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે યુ.પી.એ. સરકારે 'રાજીવ ગાંધી' જયંતિમાં ૨૫.૨ કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપ નેતાઓનું કહેવું છે કે નહેરૂ-ગાંધી પરિવારના નામે હાલ દેશમાં ૪૫૦ યોજનાઓ ચાલે છે.
તારિક અન્વરની ભાવિ યોજના શું છે?
એન.સી.પી.ના સ્થાપક સભ્ય અને તેના રાષ્ટ્રીય મહામંત્રી, તારીક અન્વરે શરદ પવાર અને સ્વ. પી.એ. સંગ્માએ સાથે મળીને ૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો વિરોધ વ્યક્ત કરતા, એન.સી.પી.ની (નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટી) સ્થાપના કરી હતી. પણ પવારે રાફેલ સોદા સંદર્ભે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા, તારીક અન્વરે પક્ષ છોડી દીધો છે. શું તેઓ કોંગ્રેસમાં પરત ફરશે? ગત મહિને તેમણે એમ કહ્યું હતું કે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસની સંડોવણી ન હતી. જ્યારે શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે અન્વર ઈન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ હતા.
એમ.એસ.પી. યોજના : નિષ્ણાંતોની ચિંતા : ભારતમાં હાલ ૧૧૮૦ લાખ ખેડૂત પરિવારો છે. તેમ ૨૦૧૧ના વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે. વડાપ્રધાને ૧૨મી સપ્ટેમ્બરે ખેડુતોને તેમના ઉત્પાદનના બદલામાં લઘુત્તમ ટેકાના ભાવો મળી રહે તે માટે ત્રણ યોજનાઓ ખુલ્લી મુકી છે. પણ તેના અમલ સામે કેટલાક નાણાંકીય અને વહિવટી પડકારો છે. તેમના મતે, આ ત્રણે યોજનાઓ મોટાભાગના ખેડૂતો અને ૨૪ મહત્વના ખેત ઉત્પાદનોને આવરી લઈ શકશે? કે પછી 'જય જવાન, જય કિસાન'નો કિસાન 'બિચારો જ' બની રહેશે? તેઓ પુછી રહ્યા છે.
- ઈન્દર સાહની
Comments
Post a Comment