માલદીવમાં નવી લહેરો .
માલદીવના જનજીવનમાં આજકાલ નવી આશાઓનો સંચાર થયો છે. હિન્દ મહાસાગરમાં નાના-નાના ટાપુઓથી રચાયેલો દેશ માલદીવ દુનિયાના ટોચના પૃથક-વેરવિખેર દેશોમાં આવે છે.
ત્યાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મોહમ્મદ સોલિહ વિજયી નીવડયા છે અને જેનાથી પ્રજા તંગ થઈ ગઈ હતી એ ચીની કઠપૂતળી સરીખા અબ્દુલ્લા યામીન પરાજિત થયા છે.
એક દુષ્ટ શાસકના સકંજામાંથી મુક્તિ મળ્યાનો અહીંની પ્રજા નિત્ય ઉત્સવ ઉજવી રહી છે. મોહમ્મદ સોલિહ વિપક્ષીદળોના ગઠબંધનના નેતા છે અને એમની રાજકીય વિચારધારાઓ ભારત તરફી છે. સમગ્ર એશિયામાં આ ઘટનાને ભારતની વ્યૂહાત્મક સફળતા તરીકે માનવામાં આવે છે.
અબ્દુલ્લા યામીને ભારત વિરુદ્ધ બકવાસ કરવાનો એક પણ મોકો જવા દીધો ન હતો. તેઓ માલદીવમાં પોતે જીવે ત્યાં સુધી સત્તામાં રહેવા માટે બંધારણમાં ફેરફાર કરવા ચાહતા હતા.
અબ્દુલ્લા યામીન એવા પણ વ્યાખ્યાનો કરી ચૂક્યા છે જેનો અર્થ કાશ્મીરના આતંકવાદીઓને સમર્થન આપવા જેવો થાય. માલદીવના અનેક નેતાઓને તેમણે જેલમાં પૂર્યા હતા. છેલ્લા એક વરસથી તો ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં પ્રજા ફસાયેલી હતી. નવોદિત રાષ્ટ્રપ્રમુખ સોલિહ આજથી શરૂ થતાં નવેમ્બરમાં સત્તાના સૂત્રો સંભાળી લેશે.
અબ્દુલ્લા યામીને એવી કોઈક રહસ્યમય ટેકનિકલ ચેષ્ટાઓ કરી છે કે ચૂંટણીમાં તેમને જ બહુમત મળે એવી અફવાઓ વહેતી હતી. અથવા તો તેમણે ગોઠવેલું ગુપ્ત વ્યવસ્થાતંત્ર કોઈક કારણસર કારગત ન નીવડયું. સોલિહનો વિજય ચીન માટે મોટો આઘાત છે. અબ્દુલ્લા યામીન સાથે ચીને લાંબા ગાળાના અનેક કરારો કર્યા છે.
માલદીવમાં ચીને કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. નવા રાષ્ટ્રપ્રમુખ સૌ પ્રથમ એ કરારોનું પુનઃ મૂલ્યાંકન કરશે. જો એ પ્રક્રિયા કરવામાં નવા રાષ્ટ્રપ્રમુખ થાપ ખાઈ જશે તો ચીનના દેવાની જાળમાં એનો દેશ ફસાઈ જશે. જાગ્યા ત્યારથી સવાર માનીને શ્રીલંકાએ ચીનના પંજામાંથી છટકવા જે તરફડિયા માર્યા એમાં ભારતે મદદ કરી તોય દેવાની જાળમાં તો લંકા ફસાઈ જ ગયું છે.
અઢાર અંગે વાંકા ઊંટને હરખથી લંકા લઈ તો આવ્યું પરંતુ હવે હાંકી કાઢવાનું કામ સિંહાલી નેતાઓને અઘરું લાગે છે. માલદીવને એ જ રીતે ચીને ફસાવેલું છે. લંકાએ તો નાછૂટકે પોતાનું હંબનટોટા બંદર ૯૯ વરસના ભાડાપટ્ટે ચીનને આપી દેવું પડયું છે.
ભારતના લક્ષદ્વીપથી માલદીવનું અંતર ૧૨૦૦ કિલોમીટર જેટલું છે. એટલે ભારત તો કદી ન ચાહે કે માલદીવમાં ચીનનો પડાવ રહે. ઈતિહાસમાં અનેકવાર ભારતે માલદીવને મદદ કરી છે, પરંતુ અબ્દુલ્લા યામીને ચીનના ખોળે બેસીને એ સંબંધો પર પાણી ફેરવી દીધું હતું.
હવે ભારત માલદીવની નવી સરકાર સાથે કઈ રીતે કામ પાડે છે અને નવા રાષ્ટ્રપ્રમુખ ચીનના ફંદામાંથી છટકી શકે છે કે નહિ તે પણ જોવાનું રહે છે. આમ તો આ નેવુ હજાર ચોરસ કિલોમીટરનો દેશ છે. કુલ ૧૧૯૨ ટાપુઓ છે જેમાં માત્ર ૨૦૦ ટાપુઓ ઉપર જનજીવનનો વસવાટ છે. એના પાટનગર માલેની વસ્તી માત્ર એક લાખ છે.
માલદીવનું જનજીવન છેલ્લા થોડા વરસોથી વિછિન્ન થયું છે તે હવે પાટે ચડવાની આશા છે. ઈ.સ. ૨૦૦૪માં ત્સુનામીમાં હેરાન થયેલા દેશને ફરીથી અબ્દુલા યામીનની રાજનીતિએ એવો જ પરેશાન કર્યો. દરિયાઇ માર્ગે આવતા નશીલા દ્રવ્યોએ યુવાપેઢીને જકડી લીધી છે. રોજગારીના પણ ગંભીર પ્રશ્નો છે. ચીનને માલદીવના ખરા વિકાસમાં કોઇ રસ નથી. એ તો નેપાળ, પછી શ્રીલંકા અને માલદીવ પર અંકુશ જમાવીને ભારતને ઘેરી લેવા ચાહે છે.
આમ તો યુપીએ સરકારના એક દાયકાના શાસનમાં જ આ ત્રણેય દેશોની ભારતે ઘોર ઉપેક્ષા કરેલી છે. વિદેશનીતિ અને પાડોશીઓ સાથેની નીતિમાં જે તફાવત હોવો જોઇએ તે યુપીએ સરકારે જાળવ્યો ન હતો. દુનિયાના અન્ય દેશોની તુલનાએ પાડોશી મિત્રરાષ્ટ્રો તરફ અને એય નાના દેશો તરફ ભારતે જે અભિગમ રાખવો જોઇએ તે ન દાખવ્યો અને છેલ્લા ત્રણ-ચાર વરસમાં સ્થિતિ વિપરીત થઇ ગઇ.
વડાપ્રધાન મોદી અને વિદેશ પ્રધાન શ્રીમતી સ્વરાજના પ્રયત્નોથી હાલ સંબંધોમાં સાવ ડૂબમાં ગયેલું શ્રીલંકા ફરી ઉપર આવ્યું છે અને અત્યારે તે ચીન વિમુખ અને ભારત સન્મુખ થવાની મથામણમાં છે, પરંતુ માલદીવમાં એવો યુટર્ન આવતા વાર લાગશે. છેલ્લા ત્રણ-ચાર દાયકાનો ઈતિહાસ જોઇએ તો ખ્યાલ આવે કે ચીન અને પાકિસ્તાન સિવાયના આપણા બધા જ પડોશી દેશો ભારતના ખોળે જ રમતા હતા અને ઉછરતા હતા. ચીન સામ્રાજ્યવાદી દેશ છે અને એના ડ્રેગનનો ખોરાક નવા નવા પ્રદેશો જ છે.
ચીનની શિકારી મનોવૃત્તિ છે, એ પહેલા દાણા નાંખે છે પછી પંખીઓ ઉતરાણ કરે અને છેલ્લે ખ્યાલ આવે કે પગ તો જાળમાં ફસાઇ ગયા છે. માર્ગદર્શક એટલે કે રાષ્ટ્રના વડાને તો ચીન ખરીદી જ લે છે. હિન્દ મહાસાગરમાં ચીનનો હસ્તક્ષેપ જે વધતો ગયો છે તેમાં શ્રીલંકા અને માલદીવે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. શ્રીલંકાનો પસ્તાવો ચાલુ છે અને માલદીવે હવે પસ્તાવાનો સમય આવશે. આમ પણ આંખ ન ઊઘડે ત્યાં સુધી પોતાની ભૂલો કોઇને દેખાતી નથી અને ભૂલ સ્વીકાર્યા પછી જ તો નવા યુગનો પ્રારંભ થાય છે,
Comments
Post a Comment