સબરીમાલા વિવાદઃ સ્ત્રીપુરુષ સમાનતાના મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ ઉપરના પ્રતિબંધને ફગાવતા સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ લોકો બે ભાગમાં વહેંચાઇ ગયાં છે અને આ મામલાએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે કે અદાલતે ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓના મામલે દખલ કરવી જોઇએ કે નહીં?

સુપ્રીમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને પડકારતી યાચિકાઓ ઉપર પોતાનો ચુકાદો આપતા તમામ ઉંમરની મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશ આપવનો નિર્ણય કર્યો છે.

સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું કે સબરીમાલા મંદિરના નિયમ બંધારણના અનુચ્છેત ૧૫ અને ૨૫નું ઉલ્લઘંન કરે છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચે આઠ દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ પહેલી ઓગસ્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. 

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બનેલી બેન્ચે ચાર વિરુદ્ધ એક મતે આપેલા ચુકાદામાં કહ્યું છે કે ભગવાન અયપ્પા હિંદુ હતાં અને તેમના ભક્તોનો અલગ ધર્મ ન બનાવો. કોર્ટે કહ્યું કે ભગવાન સાથેનો સંબંધ દૈહિક નિયમો દ્વારા નક્કી ન થઇ શકે. તમામ શ્રદ્ધાળુઓને મંદિરમાં આવવાનો અને પૂજા કરવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓને મંદિરમાં પૂજા કરતા રોકવી એ તેમની ગરિમાનું અપમાન છે. હકીકતમાં પાંચ મહિલા વકીલોના એક સમૂહે કેરલા હિન્દુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શીપ (ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રુલ્સ, ૧૯૬૫ના રુલ ૩બીને કોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ કેરળ હાઇકોર્ટે સદીઓથી ચાલી આવતી પરંપરાને ચાલુ રાખવાનો ચુકાદો સંભળાવ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર પુજારી જ પરંપરાઓ ઉપર નિર્ણય લેવા માટે અધિકૃત છે. યાચિકાકર્તાઓની દલીલ હતી કે મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ ઉપર રોક લગાવતો નિયમ ભેદભાવ કરનારો છે અને મહિલાઓને પણ પોતાની પસંદગીના સ્થાન ઉપર પૂજા કરવાની આઝાદી મળવી જોઇએ. 

માસિક ધર્મમાં આવતી હોય એવી મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશ ઉપર રોક લગાવતા આ વિવાદાસ્પદ મામલામાં કેરળ સરકાર પોતાનું વલણ બદલતી રહી છે. ૧૮ જુલાઇના રોજ કેરળ સરકારે કોર્ટમાં કહ્યું હતું કે તે મંદિરમાં મહિલાઓના પ્રવેશના પક્ષમાં છે. સુપ્રીમ કોર્ટે પણ મહિલાઓનો પક્ષ લીધો હતો.

આમ તો ભારતમાં એવા કેટલાયે ધાર્મિક સ્થળો છે જ્યાં પોશાકથી લઇને ધાર્મિક માન્યતાઓના કારણે લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. એવા જ એક ધાર્મિક સ્થળોમાં સબરીમાલા મંદિરનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં યંગ લૉયર્સ એસોસિએશન તરફથી મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે કેસ લડવામાં આવ્યો છે. આ મામલામાં એવી દલીલ છે કે મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પ્રતિબંધ પાછળનું કારણ એ છે કે આ ઉંમરની મહિલાઓ માસિક ધર્મમાં આવતી હોય છે. 

જોકે આ પ્રથાનું સમર્થન કરતા લોકોનું માનવું છે કે મંદિરમાં આ ઉંમરની મહિલાઓના પ્રવેશ પાછળ માસિક ધર્મ જવાબદાર નથી. મંદિરના આખ્યાનમાં આ અંગે બીજી જ કથા છે. પ્રાચીન કથાઓ અનુસાર મંદિરમાં સ્થાપિત દેવતા અયપ્પા અવિવાહિત છે અને તેઓ પોતાના ભક્તોની પ્રાર્થનાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવા ઇચ્છે છે.

એ સાથે જ તેમણે ત્યાં સુધી અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો છે જ્યાં સુધી તેમની પાસે કન્ની સ્વામી એટલે કે પહેલી વખત દર્શને આવતા ભક્તો આવવાનુું બંધ ન કરી દે. એવી પણ માન્યતા છે કે અયપ્પા કોઇ કાલ્પનિક નહીં પરંતુ ઐતિહાસિક વ્યક્તિ છે. 

કથા અનુસાર તેઓ કેરળના પથાનામથિટ્ટા ખાતે આવેલા પંથાલમના નામના એક નાનકડા રાજ્યના રાજકુમાર હતાં. આ સ્થળે અયપ્પાનો મહેલ છે જ્યાં આજે પણ લોકો જઇ શકે છે. અયપ્પાના વફાદાર લોકોમાં વાવર નામના એક આરબ સેનાપતિ પણ હતાં જેમને અયપ્પાએ યુધ્ધમાં હરાવ્યાં હતાં.

લોકોની આસ્થા કહે છે કે સબરીમાલા મંદિર સુધી જતા ૪૦ કિલોમીટર લાંબાં કઠિન માર્ગ ઉપર શ્રદ્ધાળુંઓની રક્ષા માર્ગમાં આવેલી ઇરુમેલી મસ્જિદમાં વસતો વાવરનો આત્મા કરે છે. સબરીમાલા મંદિર સુધી પહોંચતો માર્ગ અત્યંત કઠિન છે જે જંગલમાં થઇને પસાર કરવો પડે છે. એ સાથે જ પહાડો પણ ચડવા પડે છે કારણ કે સબરીમાલા મંદિર એક પર્વત ઉપર બનેલું છે. 

સબરીમાલા ભારતના એવા મંદિરોમાંનું છે જ્યાં તમામ જાતિના પુરુષો અને ૧૦થી ૫૦ વર્ષની ઉંમર સિવાયની મહિલાઓ દર્શન કરી શકે છે. અહીંયા આવતા લોકો કાળા કપડાં પહેરે છે કારણ કે આ રંગ દુનિયાની તમામ ખુશીઓનો ત્યાગ દર્શાવે છે. આનો અર્થ એવો પણ થાય છે કે ગમે તે જાતિના હોવા છતાં અયપ્પા સમક્ષ બધાં એકસમાન છે.


એ સાથે જ ઊંચનીચ જાતિ કરતા મંદિરમાં વધારે વખત દર્શને આવતા શ્રદ્ધાળુઓનું અનોખું મહત્ત્વ ગણાય છે. અયપ્પાને પુરાણ કથાઓમાં આવતા વર્ણિત પુરુષ સાથે પણ જોડવામાં આવે છે. જે અનુસાર અયપ્પા વિષ્ણુ અને શિવના પુત્ર છે. મતલબ કે તેમનામાં બંને દેવોની શક્તિઓ સંમ્મિલિત છે. 

મંદિર સાથે જોડાયેલી અન્ય માન્યતા અનુસાર તેનો સંબંધ છેક ભગવાન શ્રીરામ સાથે છે. એવું માનવામાં આવે છે કે મંદિરનું નામ રામભક્ત શબરી ઉપરથી રાખવામાં આવ્યું છે. અયપ્પનને મહાભારતના અષ્ટમ સ્કંધ અને સ્કંધપુરાણમાં જે શિશુ શાસ્તાનો ઉલ્લેખ છે એના અવતાર માનવામાં આવે છે.


પૂણાકવન નામથી જાણીતા ૧૮ પર્વતો વચ્ચે આવેલા અયપ્પનના મંદિરની સ્થાપના ભગવાન પરશુરામે કરી હોવાની માન્યતા પણ છે. મંદિર સુધી પહોંચવા માટે ૧૮ સીડી ચડવી પડે છે. મંદિર સુધી આવતી આ સીડીઓનું પણ ધાર્મિક મહત્ત્વ છે. આમાંની પાંચ સીડી પાંચ ઇન્દ્રીયો ઉપર કાબુ મેળવવાનું પ્રતીક ગણાય છે, તો ત્રણ સીડીઓ કામ. ક્રોધ અને લોભ ઉપર વિજય મેળવ્યાનું પ્રતીક ગણાય છે. 

મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓએ ૪૦ દિવસ પૂર્વેથી આસ્તિક અને પવિત્ર જીવન જીવવું પડે છે, માંસમચ્છી અને તામસી પ્રકૃત્તિના ખોરાકનો ત્યાગ કરવો પડે છે. એવી પણ માન્યતા છે કે જે ભક્ત રુદ્રાક્ષ અથવા તુલસીની માળા પહેરીને વ્રત રાખીને દર્શને આવે તો તેની ઇચ્છા પૂરી થઇ જાય છે. સબરીમાલા મંદિરમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ભગવાન અયપ્પાના દર્શન થઇ શકે છે. એમાં પણ મકરસંક્રાંતિના દિવસે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. વર્ષનો બાકીનો સમય મંદિરના દરવાજા સામાન્ય ભક્તો માટે બંધ રહે છે. 

મંદિર પ્રશાસન મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા નિયમ સાથે સંમત હતું. મંદિર પ્રશાસનનું કહેવું હતું કે આ પરંપરા ભેદભાવ કરનારી નથી પરંતુ આસ્થા ઉપર આધારિત છે. તેમના મતે આસ્થા અનુસાર મંદિરમાં બિરાજતા ભગવાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી છે એટલા માટે મહિલાઓનો મંદિરમાં પ્રવેશ વર્જિત છે.

ઘણી શ્રદ્ધાળુ મહિલાઓ પણ મંદિરની આ માન્યતાના સમર્થનમાં હતી. સોશિયલ મીડિયા ઉપર પણ આ મામલે લોકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. મંદિરના નિયમનું સમર્થન કરતા લોકોનું કહેવું છે કે તમામ મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશ વર્જિત નથી, શ્રદ્ધાળુ મહિલાઓ મંદિરમાં પ્રવેશ માટે પચાસ વર્ષની ઉંમર સુધી રાહ પણ જોઇ શકે છે. 

ખાસ બાબત એ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બનેલી બેધારણીય બેન્ચમાંથી એક માત્ર મહિલા જજ ઇન્દુ મલ્હોત્રાએ મામલામાં જુદો જ અભિપ્રાય આપ્યો છે. જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાના મતે કોર્ટે ધાર્મિક માન્યતાઓમાં દખલ ન કરવી જોઇએ કારણ કે એની બીજા ધાર્મિક સ્થળો ઉપર પણ અસર પડશે.

જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે દેશના જે ગહન ધાર્મિક મુદ્દા છે તેમને કોર્ટે છેડવા ન જોઇએ કે જેથી કરીને દેશમાં ધર્મનિરપેક્ષ માહોલ બનેલો રહે. તેમણે કહ્યું કે મામલો સતીપ્રથા જેવા કુરિવાજોનો હોય તો કોર્ટે દરમિયાનગીરી કરવી જોઇએ પરંતુ એ સિવાય ધાર્મિક પરંપરાઓ કેવી રીતે નિભાવવી એમાં કોર્ટે દખલ ન કરવી જોઇએ. એ સાથે જ તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ મામલો માત્ર સબરીમાલા મંદિર સુધી જ સીમિત નહીં રહે પરંતુ અન્ય પૂજાસ્થાનો ઉપર પણ તેની દુરોગામી અસરો જોવા મળશે. 

જોકે સુપ્રીમ કોર્ટના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશના ચુકાદાને મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓએ ઉમળકાભેર આવકાર્યો છે. તેમનું કહેવું છે કે માસિક ધર્મ દરમિયાન મંદિર પરિસરમાં મહિલાઓને પ્રવેશ આપવાનો કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે.

તેમના મતે સુપ્રીમ કોર્ટે માસિક ધર્મને કલંક ગણવાનો ઇન્કાર કરી દીધો છે. એ સાથે જ મહિલા અધિકાર માટે લડતા લોકોનું કહેવું છે કે કોર્ટે પોતાના ચુકાદામાં સમાનતાને ધર્મથી ઉપર ગણાવી છે અને આ સ્ત્રીપુુરુષ સમાનતાની એક મોટી લડાઇની શરૂઆત છે. 

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને સમાજ બે ભાગોમાં વહેંચાઇ ગયો છે. મંદિરની પ્રથાનું સમર્થન કરતી મહિલાઓનું કહેવું છે કે કોર્ટનો ચુકાદો ભલે મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને નકારતો આવ્યો હોય તેમ છતાં તેઓ પોતાની આસ્થાને અનુસરીને મંદિરમાં પ્રવેશ નહીં કરે.

જોકે એટલું તો નક્કી છે કે મહિલાઓના સન્માનને ધ્યાનમાં રાખીને કોર્ટે જે વાતો કરી છે એ મહિલા સશક્તિકરણના અભિયાનને બળ પ્રદાન કરશે. ઘણાં લોકો કોર્ટના આદેશની આલોચના કરવામાં લાગી ગયાં છે પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતાના ભાવને જોતાં આ એક મોટો અને ઐતિહાસિક ચુકાદો છે જેનો તમામે સ્વીકાર કરીને સુપ્રીમ કોર્ટનું સન્માન કરવું જોઇએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો