લોકશાહી ઝિંદાબાદ: યામીન ગયા, પરંતુ માલદીવને ચીનનું દેવાદાર બનાવીને
શ્રીલંકામાં જેમ સિરિસેના ચાઈના સામે નિસહાય બની ગયા, તેવી જ હાલત ભારતના તરફદાર સાલેહની થઈ શકે
વિશ્વના વિવિધ દેશોમાં જેમ અત્યારે ઉદાર મતવાદ અને બિનસાંપ્રદાયિકતા માટે સંઘર્ષના દિવસો છે તેમ લોકશાહી માટેય છે.
શક્તિશાળી નેતાઓ કોઈને કોઈ રીતે લોકતંત્રને કેપ્ચર કરવાના પ્રયત્નો કરે છે. મહદંશે સફળ પણ થઈ રહ્યા છે, કિન્તુ તાજી બનેલી એક ઘટનાએ આપણા ડગુમગુ થઈ રહેલા વિશ્વાસને નવેસરથી મજબૂતી બક્ષવાનું કામ કર્યું છે.
માલદીવમાં યોજાયેલી પ્રમુખીય ચૂંટણીમાં જેની જીતની સંભાવના પ્રબળ મનાતી હતી તેવા ચીન સમર્થક અબ્દુલ્લા યામીનની હાર થઈ છે અને ભારત સમર્થક ઇબ્રાહીમ મોહમ્મદ સાલેહ વિજેતા બન્યા છે. પોતાના માનીતા નેતાને જ રાજગાદી પર બેસાડવાના એકાધિકારની જનતાએ રક્ષા કરી છે. એટલે ખરું પૂછો તો માલદીવની પ્રજાની પણ જીત છે. જનતંત્રની જીત છે અને તેમાં માનનારાઓની પણ ફતેહ થઈ છે.
માલદીવ શબ્દ સંસ્કૃતના માલાદ્વિપા પરથી ઊતરી આવ્યો છે. દ્વિપોની હારમાળા. કમભાગ્યે અહીં જેટલું કુદરતી સૌંદર્ય છે એટલું રાજકીય સૌંદર્ય નથી. વર્તમાન સંદર્ભો અને તેના સૂચિતાર્થોને સમજવા માટે ભૂતકાળને જરા ફાસ્ટ ફોરવર્ડ કરવો જોઈએ.
૧૯૬૮માં આઝાદ થયેલા આ રાષ્ટ્રમાં ત્રણ દાયકા સુધી સરમુખત્યારશાહી હતી. ૧૯૭૮થી ૨૦૦૮. તાનાશાહ મોમુન અબ્દુલ ગયૂમ. ૨૦૦૮માં પુનઃ ચૂંટણી થઈ અને મોહમ્મદ નશીદ પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૧૩માં ફરી ચૂંટણી યોજાઈ. તેમાં નશીદની આશ્ચર્યજનક હાર થઈ. યામીન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.
ગયૂમ અને નશીદ બેય સાથે ભારતના સંબંધો સારા હતા, પણ આ બંને નેતાઓ પરસ્પર વિરોધી હતા. ગયૂમ સરમુખત્યાર અને નશીદ લોકતાંત્રિક. નશીદને હાંકી કાઢવા ગયૂમે પોતાના ઓરમાન ભાઈ યામીનને તેની સામે ચૂંટણી લડાવી. યામીને સાપ જેવા ભાઈનો ઉપયોગ સીડી તરીકે કરી લીધો.
જીત્યા પછી ભઈલું ગયૂમને જેલમાં નાખી દીધા અને ચીન સાથે હાથ મીલાવી લીધા. તેણે નશીદ સહિત વિપક્ષના ઢગલાબંધ નેતાઓને જેલમાં પૂરી દીધેલા. માલદીવની બાળવયની લોકશાહી પર સંકટ છવાયું. ગયા વર્ષે કટોકટી જાહેર કરી દીધી. ભારતે વિરોધ નોંધાવતા માલદીવમાં કામ કરતા ભારતીય કામદારોના વિઝાર રદ કરી નાખ્યા.
માલદીવમાં જે કંઈ થઈ રહ્યું હતું તેનો અમેરિકા અને ભારત અવિરત વિરોધ કરી રહ્યા હતા. તેમણે જોયું કે વિશ્વમાંથી ઊઠી રહેલા અવાજો વચ્ચે લાંબા સમય સુધી નાટક ચલાવી શકાશે નહીં. દરમિયાન બીમારીનું બહાનું કાઢી નશીદ જેલમાંથી લંડન છટકી ગયા. ખોટા આરોપસર જેલમાં પૂરવામાં આવેલા વિપક્ષી નેતાઓ પણ એક પછી એક છૂટયા અને સંગઠિત થયા. આ વખતે યામીન અને વિપક્ષી નેતાઓ તરફથી સાલેહ સામસામા હતા.
માલદીવની વસ્તી સવા ચાર લાખ છે. ચૂંટણી પહેલા પણ બહુ જ નાટક થયા હતા. વિપક્ષી નેતાઓની ઘરે દરોડા પડી રહ્યા હતા. નશીદને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવાયા હતા. એ માલદીવની આંતરિક બાબત છે. એમાં કોઈ માથું મારતા નહીં-નું ગાણું ગાઈને ચીન પોતાની મરજી પ્રમાણેનું બધું થાય એવી મોકળાશ સુનિશ્ચિત કરી રહ્યું હતું.
ભારતના પત્રકારોને રીપોર્ટીંગ માટે વિઝા આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. એમ લાગતું હતું કે તટસ્થ ચૂંટણીઓ નહીં યોજાય, પરંતુ લોકશાહી જીતી ગઈ. ઈશ્વર પાસે અબોલ લાઠી હોય છે, તો મતાદારો પાસે અબોલ આંગળી હોય છે. ૯૦ ટકા લોકો મત આપવા નીકળ્યા અને દેશને બચાવી લીધો. ૧૭મી નવેમ્બરથી ઇબ્રાહિમ મોહમ્મદ સાલેહ પદભાર સંભાળી લેશે.
ભારતના જાગૃત મતદાતાઓએ કટોકટી લાદનારા ઇંદિરાને જાકારો આપ્યો હતો. માલદીવની જનતાની તાસીર ભારતીયો સાથે મળતી આવે છે. એવું માનવામાં આવતું હતું કે યામીન હારી જવા છતાં ખુરશી ખાલી કરશે નહીં, આનાકાની કરશે, પરંતુ તેવું બન્યું નથી. તેમણે જનાદેશનો સહજ સ્વીકાર કરીને સાલેહને અભિનંદન આપ્યા. તો શું ચીનનો પ્રભાવ ખતમ થઈ જશે? એટલું સરળ હોત તો આ વિષય ઉપર લેખ થોડો લખવો પડત!
માલદીવનું વ્યૂહાત્મક વહત્ત્વ ઘણું વધારે છે. ખાસ કરીને આપણા શત્રુઓ માટે. ત્યાં તમે આર્મી બેઇઝ બનાવી લો તો ભારત પર હુમલો કરવાનું સાવ સહેલું બની જાય. અહીં કોઈનો ડોળો ન ડબકે તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે.
કમનસીબે ડ્રેગને ત્યાં પગપેસારો કરી લીધો અને આપણા કૂટનીતિજ્ઞાો ઝોલા મારતા ઝડપાઈ ગયા. આપણા રાજદ્વારીઓ જાગૃત હોય, પણ પક્ષાપક્ષીના રાજકારણમાં વ્યસ્ત નેતાગીરીએ તેમની વાત કાને ન ધરી હોય એવુંય બની શકે.
૨૦૧૧ સુધી અહીં ચીનનો દૂતાવાસ પણ નહોતો. ને ૨૦૧૩માં તો એણે રોકાણનો ધોધ વહાવી દીધો. ચીનની એક પદ્ધતિ છે. કોઈપણ દેશને તેની હેસિયત કરતા ઝાઝા પૈસા આપો અને ઊંચા વ્યાજે આપો. ભવિષ્યમાં તે દેશ ક્લચમાં આવવો જોઈએ, બસ.
નશીદ અને ગયૂમ વખતે માલદીવની પોલીસી ઇંડિયા ફર્સ્ટ હતી, પરંતુ યામીને દ્વિપસમૂહનું સ્ટીયરિંગ ફેરવી નાખ્યું. ભારતને નજરઅંદાજ કરવા લાગ્યું. માલદીવમાં ચીનને જમીનની માલિકી મળે તે માટે બંધારણમાં ફેરફાર કર્યા. દેશના સાર્વભૌમત્વને ખતરામાં મૂકી દીધું. ૨૦૧૭માં ચીન જોડે ગુપચુપ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ કરી લીધા. યામીન ભલે ગયા, પણ તેઓ ચાઈનાની અતુલનીય સેવા કરીને ગયા છે. માલદીવ પર ચીનનું એટલું દેવુ ચડી ગયું છે કે રાતોરાત કોઈ દેવી શક્તિ પણ ચમત્કાર કરી શકે તેમ નથી.
ચીન ત્યાં પણ હંબનટોટા મોડલ અપનાવી રહ્યું છે. હંબનટોટા મોડલ એટલે? દક્ષિણ શ્રીલંકામાં આ નામથી એક બંદરગાહ છે. તેનો વિકાસ શ્રીલંકાએ ચીન પાસેથી પૈસા લઈને કર્યો છે. બંદરગાહનું નિર્માણકાર્ય પણ ચાઈનીઝ કંપનીએ કર્યું. તેના પૈસા ચૂકવવામાં શ્રીલંકા પહોંચી ન વળતા ચીને તેની પાસેથી આ બંદર ૯૯ વર્ષની લીઝ ઉપર લઈ લીધું. એ પછી પણ શ્રીલંકા કરજમાંથી ઉગરી શક્યું નથી. (અંગ્રેજો યાદ નથી આવતા?)
બીજા દેશોને પણ આવા અનુભવો છે જ. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં અરબ સાગરના કિનારે ગ્વાદર બંદર બનેલું છે. વન બેલ્ટ વન રોડ ઇનિશિએટીવનો તે મહત્ત્વનો પડાવ છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર (સી-પેક) આ બંદરગાહને શિનજિયાંગ પ્રાન્ત સાથે જોડી દેશે. તેમાં પાકિસ્તાન કરતા વધારે ફાયદો ચીનનો છે. તેને મીડલ ઇસ્ટ અને આફ્રિકા લગી પહોંચવામાં મદદ મળશે. ચીન દ્વારા વેરવામાં આવી રહેલા લખલૂંટ યુઆન વિરુદ્ધ પાકિસ્તાનમાં પણ અવાજ ઊઠવા લાગ્યો છે. તેથી જ ઇમરાન ખાને સી-પેકની પુનઃસમીક્ષા કરવાનું કહ્યું છે.
જીબૂતી શ્રીલંકાથી અઢી હજાર કિલોમીટર દૂર પૂર્વ આફ્રિકાનો દેશ છે. ચીને ત્યાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ અંતર્ગત યુઆનની રેલમછેલ કરી છે. અહીં એક બંદરગાહનો વિકાસ કરી ત્યાં મિલિટરી બેઇઝની સ્થાપના કરી છે. એમ કરવાથી ચીનને આફ્રિકાની મહત્ત્વપૂર્ણ એવી બાબ-અલ-મન્દેબ જળસંધિમાં ઘૂસણખોરી કરવાનો મોકો મળી ગયો છે. દુનિયામાં કુલ જેટલું ક્રૂડ ઓઇલ વેચાય છે તેમાંથી ચારથી પાંચ ટકા માલ અહીંથી પસાર થાય છે.
ખાલી જીબૂતી, ખાલી પાકિસ્તાન, ખાલી શ્રીલંકા કે ખાલી માલદીવ નહીં, પરંતુ કિર્ગિસ્તાન, લાઓસ, મોંગોલિયા, મોન્ટેનેગ્રો અને તાજિકિસ્તાન પણ ડ્રેગનના દેવામાં કણણની જેમ ખૂંપવા લાગ્યા છે.
સાલેહ જીતી ગયા છે, પણ માલદીવે ચીનને જે પૈસા ચૂકવવાના છે એનું શું? સ્વાભાવિક છે કે તે રાતોરાત પીછો છોડાવી શકશે નહીં. વળી, ડ્રેગન પીછો ન છોડવા માટે કુખ્યાત છે. શ્રીલંકાના પ્રમુખ મહેન્દ્ર રાજપક્ષે ૨૦૧૫માં હાર્યા અને તેમના સ્થાને આવ્યા મૈત્રીપાલા સિરિસેના, પણ મહેન્દ્ર રાજપક્ષે જે રીતે નીતિઓ ઊલટ-સૂલટ કરીને ગયા હતા, તેમાં સિરિસેના ત્રણ વર્ષમાં ઝાઝો ફેરફાર કરી શક્યા નથી. કેમ કે શ્રીલંકા ચીનના અહેસાનો તળે દબાયેલું છે. યામીન જે કરીને ગયા છે તે સાલેહ ઘડીકમાં પલટી શકે તેમ નથી. તેઓ લાચાર છે. રહેશે.
યામીનના સમયમાં માલદીવનું વર્તન ભારત સાથે ઉદ્ધતાઈભર્યું હતું. આપણે બે સર્વેલન્સ હેલિકોપ્ટર પણ તેમણે આપણને પાછા પધરાવી દીધા હતા. નશીદ સહિત વિપક્ષી નેતાઓએ ભારત પાસે મદદનો પોકાર કર્યો. વિદેશોમાં રખડીને હોશિયાર હોવાનો છાકો પાડતા વડા પ્રધાન મોદી અહીં શી જિનપિંગ સામે કૂટનીતિ રમી શક્યા નહીં. માલદીવામાં અત્યારે સત્તાપલટો થયો તેમાં ભારતની કોઈ મદદ નથી. જનજાગૃતિના કારણે થયું છે. ભારતની સહાય ન મળવાથી માલદીવના નેતાઓ કેવાક નારાજ છે એ પણ જોવું રહ્યું.
તેમ છતાં ભારતે માલદીવ સાથે સંબંધો પૂર્વવત્ અને બહેતર બનાવવા પ્રયાસો આરંભી દેવા જોઈએ. કોને ખબર ક્યારેક મોડા ઊઠયે પણ લાભ હોય. ભારતે એ પણ જોવું જોઈએ કે માલદીવ ચીન અને ભારત વચ્ચેની લડાઈનો અખાડો ન બની જાય. નહીં તો ત્યાંની આવામને લોકશાહીમાં બેસેલો ભરોસો ફરીથી ઊઠી જશે. ઊભો થઈને દૂર-દૂર-દૂર દરિયામાં ઓઝલ થઈ જશે.
સોશિયલ નેટવર્ક
ધોની કેપ્ટન બન્યા મતલબ હજુ અડવાણી માટે પણ શક્યતાઓ છે
અમિતાભ બચ્ચન અને આમિર ખાન અભિનિત ફિલ્મ ઠગ્સ ઑફ હિંદુસ્તાનનું તાજેતરમાં રિલીઝ થયેલું ટ્રેલર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ઘણાએ તેને હોલીવુડ ફિલ્મ પાયરેટ્સ ઑફ કેરેબિયનની નકલ ગણાવી છે. તેની રિલીઝ ડેટ પણ ટીખળપાત્ર બની છે.
ડિમવિટેડ જોકર નામના ટ્વિટ્ટર હેન્ડલ પરથી વ્યંગ-બુલેટ છૂટી, આઠ નવેમ્બરે ઠગ્સ ઑફ હિંદુસ્તાન રિલીઝ થશે. તેની પ્રીક્વલ બે વર્ષ પહેલા આ જ દિવસે રિલીઝ થઈ હતી.
અતુલ ખત્રીએ લખ્યું છે, ઠગ્સ ઑફ હિંદુસ્તાન ગુજરાતીમાં ડબ કરવામાં આવશે. તેમાં તેનું શીર્ષક હશે સંદેસરા, ચોક્સી અને મોદી. આદિત્ય સિંહે સમીકરણ માંડયું, ક્રાંતિ + પાયરેટ્સ ઑફ કેરેબિયન = ઠગ્સ ઑફ હિંદુસ્તાન.
કેતને મુદ્દાની મજાક કરી, કેટલાક લોકો કહે છે કે ઠગ્સ ઑફ હિંદુસ્તાન જોયા વિના તમે તેને બેકાર ન કહી શકો, પણ અમે તો મોદીજીનેય ક્યાં જોયા છે!?
સુપ્રીમ કોર્ટે પાન કાર્ડ, આઈટી રીટર્ન અને સરકારી યોજના સિવાય શેમાંય આધાર કાર્ડ આવશ્યક ન હોવાનું જણાવ્યું હતું. કેતને વિનોદ કર્યો, બેઝિકલી સુપ્રીમ કોર્ટે આધારને કહ્યું, આઇ લવ યુ બટ ઓન્લી એઝ અ ફ્રેન્ડ.
સુપ્રીમે આધારને કાયદેસરતા બક્ષતા ભાજપ-કોંગ્રેસ બંનેએ જશ લેવાની કોશિશ કરી હતી.
એશિયા કપમાં ભારત-અફઘાનિસ્તાનની મેચમાં ધોનીને કેપ્ટનશિપ અપાતા સોશિયલ મીડિયામાં ગપશપનું વાવાઝોડું ફુકાયું હતું. રાઉડી ટોક્સે ટ્વિટ કરી, ઈશ્વર અનેક રૂપમાં આવે છે. ક્યારેક તેન્ડુલકર બનીને ૨૦૦ રન કરવા તો ક્યારેક ધોની બનીને ૨૦૦મી મેચમાં કેપ્ટનશિપ કરવા.
એક યુઝરે લખ્યું હતું, ધોની કેપ્ટન બન્યા. મતલબ હજુ અડવાણી માટે પણ શક્યતાઓ છે.
બાબુ ભૈયાએ વિશ્લેષણ કર્યું, રોહિત અને કોહલી વચ્ચેની કેપ્ટનશિપની લડાઈમાં ધોની જીતી ગયા છે.
મનુ પંવારે લખ્યું, આજે ધોનીને કેપ્ટનશિપનો મોકો મળી ગયો. લાગે છે માર્ગદર્શક મંડળવાળાઓના પણ અચ્છે દિન આવશે.
આજની નવી જોક
ગણિતનું પેપર હાથમાં આવતા જ લલ્લુ અચાનક ગરબા રમવા માંડયો.
પરીક્ષકઃ આમ કેમ કરે છે?
લલ્લુઃ સર, પેપરમાં લખ્યું છે. દરેક સ્ટેપના માર્ક્સ મળશે.
Comments
Post a Comment