ભારતનું પોલીસતંત્ર 'ટુ ધ પીપલ'ને બદલે 'ટુ ધ પોલિટિક્સ' કેમ છે?

ભારતની પોલીસ કેટલી બર્બર છે, એ વાતનો પુરાવો જોઈતો હોય તો આ આંકડા ઉપર નજર ફેરવવા જેવી છે: દેશમાં દરરોજ પાંચ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં દમ તોડે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના કહે છે, દેશમાં ૧૭ વર્ષમાં ૧૭૦૦ નકલી એન્કાઉન્ટર થયા છે

કોઈ શાણા માણસે કહ્યું છે, 'જો તમારે લોકો પાસેથી રીસ્પેક્ટ જોઈતું હોય તો પહેલાં લોકોને રીસ્પેક્ટ આપવાનું શીખો.' આ વાત કદાચ ભારતની પોલીસે સાંભળી નથી લાગતી! દેશના સુરક્ષાતંત્રના મુખ્ય બે ભાગ છે - સૈન્ય અને પોલીસ ફોર્સ. બોર્ડરની રખેવાળી કરતા સૈનિકોને જેટલું સન્માન મળે છે એટલું સન્માન દેશની આંતરિક સુરક્ષા કરતા પોલીસ જવાનોને મળતું નથી. આ સ્થિતિ પાછળ બીજું કોઈ નહીં, સ્વયં પોલીસતંત્ર જવાબદાર છે.

ભ્રષ્ટાચારથી ખદબદતું પોલીસતંત્ર જે દબંગાઈથી નાગરિકો સામે પેશ આવે છે એ જ તેને તિરસ્કારને પાત્ર બનાવે છે. પોલીસથી નાગરિકો દૂર ભાગે છે. શક્ય ન હોય તો પોલીસને બોલાવવાનું લોકો ટાળે છે. દરેક વાતમાં તોડ કરતી પોલીસ માટે લોકો ખરાબમાં ખરાબ શબ્દો વાપરે છે.

ક્યારેક અકળાયેલા લોકો તો પાલતું પ્રાણીઓ સાથે ય પોલીસની સરખામણી કરી નાખે છે. ન છૂટકે પોલીસની મદદ લેવાની થાય ત્યારે લોકોની આ માન્યતા જાણે સાચી પડતી હોય એમ પોલીસનું વર્તન હંમેશા ધારણા કરતા વધુ આકરું, ધારણા કરતા વધુ ઉદ્ધતાઈભર્યું હોય છે.

પોલીસના આવા વર્તન પાછળ ઘણાં કારણો જવાબદાર છે. આપણી પોલીસની કાર્યપદ્ધતિનું ગઠન જ એવું થયું છે કે સામાન્ય ચોરીની તપાસથી લઈને વીઆઈપી કલ્ચરને પોષવાનું કામ પોલીસને સોંપવામાં આવે છે. બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ કર્મચારીઓ ખોરાક-પાણી-બાથરૂમ-ટોઈલેટ જેવી પાયની સુવિધા વગર ટળવળતા રહે છે. ક્યારેક તો તેમના રહેવાની કે નાહીને ફ્રેશ થવાની વ્યવસ્થા પણ ગોઠવાતી નથી. એ બધાનો જાણે બદલો લેતી હોય એમ પોલીસ તક મળ્યે નાગરિકો કે આરોપીઓ ઉપર બધો જ ગુસ્સો ઉતારી નાખે છે!

વિશ્વના વિકસિત દેશોમાં પોલીસના જે વિભાગને ગુનાશોધનનું કામ સોંપાય છે એને બંદોબસ્તમાં ગોઠવાઈ જવાનો હુકમ નથી થતો. બંદોબસ્તની કુશળતા ધરાવતી પોલીસ ટૂકડીને ગુનાશોધન પાછળ દોડાવાતી નથી, પણ આપણે ત્યાં એક સામાન્ય મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધનાર પોલીસ ચોકીએ નેતાને સલામ પણ ભરવી પડે છે.

એમાં વળી હજુ હમણાં સુધી તો પગારનું ધોરણ પણ નીચું હતું. હવે જોકે પોલીસ કર્મચારીઓને સંતોષકારક પગાર મળતો થયો છે. એક સમયે પોલીસતંત્રમાં સ્ટફની ભારે અછત હતી, પણ હવે એ સ્થિતિમાં ય સુધારો આવ્યો છે એટલે રજાઓથી લઈને કામના કલાકો ઘટયા છે. વળી, આપણે ત્યાં જ વિકસિત દેશોની જેમ ગુનાશોધન વિભાગમાં કામ કરતા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ન ગોઠવવા, એવું વલણ ધીમે ધીમે અમલી બનવા લાગ્યું છે.

પોલીસની અમુક મર્યાદા હતી એટલે એની કામ કરવાની પદ્ધતિ ઉદ્ધત બની હતી એ દલીલ જો સાચી હોય તો સામે એ દલીલ પણ થવી જોઈએ કે હવે દશકાઓ પહેલાં જે સ્થિતિ હતી એ આજે નથી. તો આજેય કામ કરવાની પદ્ધતિમાં કેમ કોઈ ફરક પડતો નથી? કેમ નાગરિકોને ખાખી વર્દી જોતાં જ તિરસ્કાર છૂટે છે? કેમ પોલીસનું વર્તન 'ટુ ધ પીપલ નથી'?

વેલ, એના કારણો તપાસતા પહેલાં ભારતીય પોલીસતંત્રની આક્રમકતા વિશે ય જાણી લઈએ. ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એપલ કંપનીના એરિયા મેનેજરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. કારણમાં પોલીસે કહ્યું હતું કે એ માણસ કોઈ સાથે કઢંગી હાલતમાં હતો.

કઢંગી હાલતમાં હતો તો એને ગોળી ધરબી દેવાનો અધિકાર કોણે આપ્યો? તપાસ, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી પોલીસને ન્યાય તોળવાનો અધિકાર કોણે આપ્યો? બંધારણ પ્રમાણે ન્યાયની જવાબદારી કોર્ટની છે, તો પોલીસ એવો અધિકાર કેમ ભોગવે છે? એવા સવાલોનો વરસાદ થયો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી, પણ મામલો હજુ શાંત પડયો નથી. એમાં ય વાત જો યુપી પોલીસની હોય તો તેના ઉપર માછલા ન ધોવાય તો નવાઈ ગણાવી જોઈએ!

દેશમાં યુપી પોલીસ એન્કાઉન્ટરમાં સૌથી બર્બર અને બદનામ ગણાય છે. યોગીની સરકારે સત્તાના સૂત્રો હાથમાં લીધા એ પછી જ પોલીસે લગભગ ૯૦૦ જેટલાં એન્કાઉન્ટર કર્યાનું કહેવાય છે. એટલે ઉત્તર પ્રદેશ પોલીસનું આ કારસ્તાન ખૂબ જ ટીકાપાત્ર બન્યું છે, પણ આમ જુઓ તો દેશભરની પોલીસ બર્બરતાની બાબતે બહુ ભિન્ન નથી.

હજુ હમણાં જ એક આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે દેશમાં છેલ્લાં ૧૭ વર્ષમાં ૧૭૮૨ નકલી એન્કાઉન્ટર થયા હતા. નકલી એન્કાઉન્ટર એટલે પોલિટિકલ મોટિવેટેડ એન્કાઉન્ટર! પ્રજામાં જે તે સરકારની અમુક પ્રકારની ચોક્કસ છાપ ઊભી કરવા સરકારના દોરીસંચારથી જે એન્કાઉન્ટર થાય તેને ફેક એન્કાઉન્ટર કહે છે. 

નેશનલ હ્મુમન રાઈટ્સ કમિશનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ૧૭ વર્ષમાં ૨૬ નકલી એન્કાઉન્ટર થયા હતા, રાજસ્થાનમાં ૨૫, મધ્યપ્રદેશમાં ૬૦, મહારાષ્ટ્રમાં ૪૬, આંધ્રપ્રદેશમાં ૯૪, તમિલનાડુમાં ૫૩, પશ્વિમ બંગાળમાં ૩૩, બિહારમાં ૭૪, ઉત્તર પ્રદેશમાં ૭૯૪ નકલી એન્કાઉન્ટર થયા હતા. નકલી એન્કાઉન્ટર એટલા માટે કે, આરોપીઓ સામે એટલા મજબૂત પુરાવા પોલીસ પાસે ન હતા.

અચ્છા, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અહિંસાવાદી લગીરેય ન હતા. એમાંના ઘણાં ખરાનો કંઈક ને કંઈક ઉપદ્રવ હતો. કોઈ ગુંદાગર્દી કરતા હતા, તો કોઈક વળી હત્યાના આરોપોમાં નાસતા ફરતા હતા, પણ વાત એટલી જ છે કે પોલીસ ન્યાય તોળવાને બદલે આરોપીને પકડે, પુરાવા એકઠાં કરે, પુરાવા કોર્ટમાં રજૂ કરે અને કોર્ટ તેમના કામ પ્રમાણે ન્યાય તોળે. એને બદલે પોલીસ પોતે જ ઘાતકી રીતે મોત આપે એ ન્યાયિક નથી.

પોલીસની બર્બરતાનો બીજો દાખલો કસ્ટોડિયલ ડેથ છે. એન્કાઉન્ટરની જેમ કસ્ટોડિયલ ડેથ યાને પોલીસ હિરાસતમાં આરોપીના મૃત્યુની બાબતે ય પોલીસનો રેકોર્ડ શરમજનક છે. એશિયન સેન્ટર ફોર હ્મુમન રાઈટ્સે જૂન-૨૦૧૮માં અહેવાલ આપ્યો હતો એ પ્રમાણે ૧લી એપ્રિલ-૨૦૧૭થી ૨૮મી ફેબુ્રઆરી-૨૦૧૮ દરમિયાન ભારતમાં ૧૬૭૪ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. દર મહિને ભારતની જેલોમાં સરેરાશ ૧૬૭ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.

તે હિસાબે દરરોજ પાંચ-છ આરોપીઓ પોલીસની હિરાસતમાં જ મોત પામે છે. કસ્ટોડિયલ ડેથની બાબતે ય ઉત્તર પ્રદેશની પોલીસ જ પહેલા ક્રમે આવે છે! ઉત્તર પ્રદેશની વિવિધ જેલોમાં ૩૭૪ આરોપીઓના મોત થયા હતા. તો ૧૩૭ આરોપીઓનો ભોગ લેનાર મહારાષ્ટ્ર પોલીસ બીજા ક્રમે હતી. ૬૧ આરોપીઓના મોત નોતરનારી ગુજરાત પોલીસ સાતમો ક્રમ શોભાવતી હતી!

૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવ અધિકારનું જે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું એના આ શબ્દો હતા ઃ 'કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ આપવો, દર્દનાક યાતના આપવી, અમાનવીય અને અપમાનજનક વર્તન કરીને તેને ભાવનાત્મક ઠેસ પહોંચાડવી એ ગેરબંધારણીય હોવું જોઈએ.

કોઈ પણ ઈન્સાનને આરોપ ખોટા સાબિત કરવાનો મોકો આપવો એ જ ઈન્સાનીયત છે, જે બધા ધાર્મિક નીતિ નિયમો અને દેશની બંધારણીય જોગવાઈથી ય પર છે. આરોપી ગુનેગાર સાબિત ન થઈ જાય ત્યાં સુધી તેના પર કોઈ પણ પ્રકારનો સિતમ પોતે જ એક ગુનો છે, પછી ભલે એ પગલું ખુદ સત્તાધીશના આદેશને આભારી હોય તો ય એ ધિક્કારને પાત્ર ઠરવું જોઈએ' 

પણ આપણી પોલીસ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રને ઘોળીને પી જાય છે. કેમ? એનો ય તાર્કીક જવાબ મેળવવા જેવો છે, વિચારવા જેવો છે. દુનિયાભરની પોલીસ 'ટુ ધ પીપલ' છે. લોકોના કલ્યાણ માટે કામ કરવું એ તેનો મૂળભૂત સિદ્ધાંત છે, પણ ભારતની પોલીસનો સિદ્ધાંત થોડો અલગ છે.

આપણી પોલીસ 'ટુ ધ પોલિટિક્સ' છે. લોકોના કલ્યાણને બદલે નેતાઓના કલ્યાણમાં તૈનાત રહે છે. નેતાઓના ઈશારે કોઈને કસ્ટડીમાં દામ તોડવા મજબૂર કરે છે, સત્તાધિશોના ઈશારે કોઈને જાહેરમાં ગોળી ધરબી દે છે. નેતાઓના ઈશારે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરતા નાગરિકો ઉપર બેરહેમીથી તૂટી પડે છે. નેતાઓના ઈશારે તપાસ ઢીલી કરી નાખે છે. નેતાઓના ઈશારે કંઈ ન હોય તો ય આરોપી સામે મજબૂત સકંજો કસે છે.

આ બધાના મૂળિયા પોલીસના ટ્રૈનિંગ સેન્ટરમાં છે! અંગ્રેજો ગયા પછી આપણે કેટલીય વ્યવસ્થા જેમની તેમ રાખી. એમાં એક વ્યવસ્થા પોલીસતંત્રની ય છે. એમાં આઝાદી પછી તુરંત એવા ફેરફારની કદાચ જરૂરિયાત નહીં વર્તાઈ હોય, પણ એ પછી તે દિશામાં કામ ન થયું. પરિમાણ એ આવ્યું કે હજુ આજેય પોલીસને વ્યવસ્થાપન શીખવાડાય છે, ગુનાશોધન શીખવાડાય છે, પરંતુ લોકોને સહકાર આપવાના કે લોકાભિમુખ બનવતા માનવ અધિકારના મૂળ સિદ્ધાંતો તાલીમ કેન્દ્રોમાં ઘૂંટાવાતા નથી.

અંગ્રેજો તેની પોલીસફોર્સને કે મિલિટરીને શીખવતા કે લોકોને કાબુમાં કેમ રાખવા? ભારતે આઝાદી પછી ય તાલીમનો એ સિલેબસ ન બદલ્યો. મૂળ સમસ્યા આ છે. ભારતીય પોલીસની બર્બરતાના મૂળિયા તાલીમ કેન્દ્રોના સિલેબસમાં છે. ત્યાં પઢાવાતા પાઠમાં છે.

તમે જોયું હશે, શહેર-ગામની વચ્ચેથી સૈનિકોની ટૂકડી નીકળે તો એક ડગલું વાંકાચૂંકું ન પડતું હોય. એકદમ શિસ્તબદ્ધ રીતે ચાલતા સૈનિકો ઉપર ન થતું હોય તો ય માન થાય, પણ તમે એ ય જોયું હશે કે બંદોબસ્તમાં ગોઠવાયેલા કે એકથી બીજી જગ્યાએ જઈ રહેલા પોલીસના જવાનોમાં એ શિસ્ત ભાગ્યે જ જોવા મળશે!

નાગરિકોની જેમ શિસ્ત વગર ચાલ્યા જતા અને ટોળામાં ગપ્પા મારતા પોલીસજવાનો ઉપર કદાચ માન ન થવાનું એક કારણ તેમના આ લખણ પણ જવાબદાર હશે! તાલીમ કેન્દ્રોમાં શિસ્તબદ્ધ દેખાતા પોલીસ કર્મચારીઓ પછી એ શિસ્ત કદાચ ત્યાં જ મૂકીને આવી જાય છે! અને નાગરિકોને રીસ્પેક્ટ આપવાનું તો કદાચ તાલીમના મૂળ સિદ્ધાંતમાં જ નથી આવતું.

ઈનશોર્ટ, રીસ્પેક્ટ મેળવવું હોય તો રીસ્પેક્ટ જાળવવું પડે - એ વાત સમજી જશે ત્યારે દેશનો આમ નાગરિક સૈનિકોની જેમ પોલીસને જ માનભેર જોતો થઈ જશે. શું કહો છો?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે