રાજકોટમાં આજે વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ, સાંજે જાહેરસભા

રાજકોટ, તા. 29 સપ્ટેમ્બર 2018, શનિવાર

રાજકોટમાં આજી-૧ ડેમ ખાતે સૌની યોજનાના લોકાર્પણ બાદ સવા વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે ૫ વાગ્યે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રીના મતક્ષેત્ર રાજકોટ-૨(પશ્ચિમ)માંથી તેઓ ૧૭ વર્ષ પહેલા પોતાની જિંદગીની પ્રથમ ચૂંટણી લડીને, જીતીને સીધા મુખ્યમંત્રી બનીને રાજકીય કારકીર્દિ શરુ કરી હતી અને શહેરનું આ ઋણ તેઓ કદિ ભૂલ્યા નથી.

ભાજપ અને વહીવટીતંત્રે વડાપ્રધાનના જાજરમાન સ્વાગતની તૈયારીઓને આજે આખરી ઓપ આપ્યો હતો.

વડાપ્રધાન આવતીકાલે ગુજરાતમાં સવારે આણંદ, બપોરે કચ્છ જવાના છે અને ત્યાંથી સાંજે રાજકોટ આવશે. અહીં જ્યુબિલી ચોક પાસે મોહનદાસ ગાંધી વિદ્યાલય (ઐતહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ)માં સ્કૂલ બંધ કરીને રૂ।.૨૬ કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવાયું છે તેનું તેઓ લોકાર્પણ કરશે.

સંભવતઃ તેઓ અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી મોડી સાંજે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં અર્ધા કરોડથી વધુ ખર્ચે ઉભા કરાયેલા ફાયર-વોટરપ્રૂફ જર્મનડોમમાં સભાને સંબોધન કરશે. આ સભામાં આશરે ૧૫ હજારથી વધુ શ્રોતાઓ ઉમટે તેવો અંદાજ છે.

એ રસપ્રદ છે કે જ્યાં આજે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ છે ત્યાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ અગાઉ ઈ.સ.૨૦૦૩માં શિલાન્યાસ અને ઈ.૨૦૦૪માં આ બિલ્ડીંગનું રિનોવેશન બાદ લોકાર્પણ કર્યું હતું. તેમની તક્તી આજે પણ છે. હવે તેઓ વડાપ્રધાન તરીકે ત્યાં લોકાર્પણ કરીને રાષ્ટ્રપિતાને અંજલિ અર્પશે.

શહેરના એરપોર્ટ, રેસકોર્સ રીંગરોડ, બહુમાળી ભવન, હોસ્પિટલ ચોક, જવાહર રોડ જ્યુબિલી પાસે ગાંધી મ્યુઝિયમ સુધીના રૂટ પર તેમજ મહિલા કોલેજ ચોક, જિ.પં.ચોક, કિસાનપરા ચોક સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ ભવ્ય રોશની કરાઈ છે, સરકારી કચેરીઓને શણગારાઈ છે.

થાંબલે અને ડિવાઈડરો પર ઠેરઠેર ભાજપની ઝંડી લગાડાઈ છે જેની સામે કોંગ્રેસે વાંધો લઈને તિરંગા લગાડવા જોઈએ તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનના વિશાળ કટઆઉટ અને રેંટિયા,ગાંધી ચશ્મા સહિતની વિવિધ કૃતિઓ સર્કલો પર આકર્ષણનું કેન્દ્ર બની છે. તો ગાંધી મ્યુઝિયમના ઐતહાસિક ભવ્ય બિલ્ડીંગ પર રૂ।.૨૨ લાખના ખર્ચે વિશેષ રોશની કરાઈ છે.

આ રૂટ પર રોડની બન્ને બાજુ બેરીકેટ ઉભી કરી દેવાઈ છે જ્યાં હાજર રહીને ભાજપના કાર્યકર્તાઓ, લોકો વડાપ્રધાનના હર્ષોલ્લાસથી વધામણાં કરશે અને પોલીસે એન.એસ.જી.ના સંપર્કમાં રહીને આ સમગ્ર રૂટ, એરપોર્ટ, ચૌધરી હાઈસ્કૂલ મેદાન, ગાંધી મ્યુઝિયમ સહિતના સ્થળે આઈ.પી.એસ.થી પી.એસ.આઈ. સહિતના અધિકારીઓ સહિત ૩૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.

આજે સાંજે કોન્વોયના રૂટનું રિહર્સલ પણ કરાયું હતું. ત્રણેય સ્થળોએ ડોગ સ્ક્વોડ, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડનું સતત ચેકીંગ જારી કરી દેવાયું છે અને અજાણ્યા વ્યક્તિ કે વાહનો પર વોચ રખાઈ રહી છે. આ માટે ખાસ કેમેરાઓ પણ ગોઠવી દેવાયા છે. કંટ્રોલરૂમ શરુ કરાયા છે. તો વડાપ્રધાન માટેની ઓ.ટી.વાન, ફૂડ ચેકીંગ સહિતની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે