વિદેશ મંત્રી સુષમા સ્વરાજે યૂ.એન.ના મંચ ઉપરથી પાકિસ્તાનને જોરદાર લપડાક આપી

યૂ.એન. જનરલ એસેમ્બલી દરમિયાન સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં સુષમા સ્વરાજે પહેલા તો આતંકવાદના મામલે પાકિસ્તાનને બરાબરનું ધમકાવ્યું અને પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમુદ કુરેશીનું ભાષણ સાંભળ્યા વિના જ બેઠકમાંથી બહાર નીકળી ગયાં

ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ૭૩મી બેઠકમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનનો બરાબરનો ક્લાસ લીધો છે. પોતાના સંબોધનમાં સુષમા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન એવો દેશ છે જે આતંકવાદ ફેલાવવાની સાથે સાથે પોતાના નાપાક કૃત્યોને નકારવામાં પણ કાબેલ છે.

એ સાથે જ સુષમા સ્વરાજે આતંકવાદના મામલે બેવડા વલણને ઉજાગર કરતાં કહ્યું કે અમેરિકા ઉપરના હુમલાના માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવામાં આવ્યો પરંતુ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે, સભાઓ યોજે છે, ચૂંટણી લડે છે અને ભારતને ધમકી પણ આપે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના હુમલાથી છોભીલા પડેલા પાકિસ્તાને ફરી વખત કાશ્મીરનો રાગ આલાપ્યો છે. 

યૂ.એન. જનરલ એસેમ્બલી દરમિયાન સાર્ક વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પહેલાં તો પાકિસ્તાનને આતંકવાદને મુદ્દે બરાબરનું લતાડયું અને પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમુદ કુરેશીનું ભાષણ સાંભળ્યા વિના જ બેઠકમાંથી બહાર નીકળી ગયાં.

સુષમા સ્વરાજના આવા વર્તનથી પાકિસ્તાનના વિદેશ મંત્રી સમસમી ઉઠયાં પરંતુ કશું કરી ન શક્યાં. અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંમેલન દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજવાની વિનંતી કરી હતી. 

ભારતે તેમની વિનંતીનો સ્વીકાર કરીને બેઠક માટે સંમતિ પણ દર્શાવી હતી. એ વખતે એવું લાગ્યું પણ કર્યું કે આ વખતે તો બંને દેશો વચ્ચેના વાર્તાલાપ ઉપર જે અલ્પવિરામ લાગેલો છે એ દૂર થશે પરંતુ પાકિસ્તાને હંમેશની મુજબ અવળચંડાઇ કરી અને સરહદે બીએસએફના જવાન સાથે બર્બરતા આચરી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલા પણ ચાલું રહ્યાં.

પરિણામે મોદી સરકારે લાંબા સમયે લંબાવેલો સમાધાનનો હાથ પાછો ખેંચી લીધો અને બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની બેેઠક રદ્ કરી દીધી.  આમ પણ સરહદે જ્યારે દેશના જવાનના મૃતદેહ સાથે બર્બરતા આચરવામાં આવી હોય ત્યારે વિદેશ મંત્રી પાકિસ્તાનના વિદેશ મંત્રીને હસીને મળી શકે એવી પાકિસ્તાન અપેક્ષા જ કેવી રીતે રાખી શકે? સુષમા સ્વરાજે જે રીતે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો તિરસ્કાર કર્યો એ એને જ લાયક હતાં.

આમ તો ઇમરાન ખાને ચૂંટણીમાં વિજય મેળવીને વડાપ્રધાનપદ મેળવ્યું છે પરંતુ એ વાત જગજાહેર છે કે તેમની લગામ પાકિસ્તાની સેના અને આતંકવાદીઓના હાથમાં છે. ઇમરાન ખાન પાકિસ્તાની સેનાના પ્યાદા તરીકે જ વડાપ્રધાનપદે બેઠા છે. એ સંજોગોમાં જો ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળ્યાં હોત તો પણ એ બેઠકનું કોઇ નિષ્કર્ષ આવવાની શક્યતા નહોતી. 

બેઠકમાં સુષમા સ્વરાજે દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદને સૌથી મોટો ખતરો જણાવ્યો ત્યારે તેમનો સીધો ઇશારો પાકિસ્તાન તરફ જ હતો. યૂ.એન. જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન પણ સુષમા સ્વરાજે આતંકવાદનો મુદ્દો ઉઠાવીને ફરી એક વખત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ઉઘાડું પાડયું.

આઝાદીના સિત્તેર વર્ષ બાદ ભારતે જ્યારે તમામ મોરચે વિકસિત દેશોને પણ સ્પર્ધા આપે એવી પ્રગતિ કરી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન હજુ આજે પણ સેના અને આતંકવાદના પ્રભાવ હેઠળથી બહાર આવી શક્યું નથી.

આજે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ખસ્તાહાલ છે. વર્ષો સુધી પાકિસ્તાનને પોષનાર અમેરિકાએ પણ આજે તેનાથી મોઢું ફેરવી લીધું છે. અને ત્યાંના વડાપ્રધાન આવાસની કારો અને ભેંસો વેચીને નાણાં એકઠાં કરવામાં આવી રહ્યાં છે. અર્થવ્યવસ્થા ભેંસો વેચીને તો ન ચાલી શકે એ દેખીતી વાત છે. પાકિસ્તાની સરકારના આ પગલાં ઉપર આખી દુનિયા હસી રહી છે. 

આજે પાકિસ્તાનમાં ભૂખમરો, ગરીબી, બેરોજગારી અને લાચારી સિવાય કશું નથી. લોકોનું ધ્યાન ભટકાવવા માટે ક્યારેક ઇસ્લામ ખતરામાં છે, તો ક્યારેક કાશ્મીર ખતરામાં છે જેવા અવાજો ઉઠાવીને આતંકવાદને યોગ્ય ઠરાવવાના પ્રયાસો થાય છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ આપણી સંસદ ઉપર હુમલો કર્યો છે, મુંબઇ હુમલાને અંજામ આપ્યો છે અને આપણા આર્મી બેઝ ઉપર તો કેટલીયે વખત હુમલા કર્યાં છે.

એટલું ઓછું હોય એમ પાકિસ્તાની સેનાના કાયર સૈનિકો આપણા જવાનોના મૃતદેહ સાથે બર્બરતા આચરે છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને ધરપત આપી છે કે આપણી સેનાએ શહીદ નરેન્દ્ર સિંહના મૃતદેહ સાથે આચરવામાં આવેલી બર્બરતાનો બદલો લઇ લીધો છે અને સરહદપાર મોટી કાર્યવાહી કરી છે. 

આમ તો આર્મી ચીફ જનરલ બીપીન રાવતે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી આચરવામાં આવેલી નિર્દયતાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમે બર્બરતા અને પાશવીપણાનો જવાબ આપીશું પરંતુ અમારું સ્તર એવું નહીં હોય જે પાકિસ્તાનનું છે.

ખરેખર તો ભારતની જ આ શક્તિ છે કે આપણે હેવાનોના ચહેરા ઉપરનો નકાબ હટાવીને તેમનો પાશવી ચહેરો લોકો સમક્ષ લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. દુનિયાની કોઇ સેના આવી નાપાક હરકત નહીં કરતી હોય જે ભારતીય સેનાના શહીદો સાથે પાકિસ્તાની સૈનિકો આચરે છે. 

વળી ચોરી ઉપરથી શિનાજોરીનું વલણ દર્શાવીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારત દ્વારા ન્યૂયોર્કમાં યૂ.એન. જનરલ એસેમ્બલી વખતે બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક રદ્ કરવાના નિર્ણયને ભારતનું અભિમાની વલણ કહીને પોતાની હતાશા પ્રગટ કરે છે.

પાકિસ્તાનની બેટના ટૂંકા નામે ઓળખાતી બોર્ડર એકશન ટીમ આપણા જવાનો સાથે બર્બરતા આચરે છે અને પાકિસ્તાની જમીન ઉપર પોષણ અને રક્ષણ મેળવતા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં હિચકારા હુમલા કરે છે એનાથી એક બાબત તો જગજાહેર થઇ ચૂકી છે કે પાકિસ્તાન આતંકવાદને પોતાની રાજનીતિનું અભિન્ન અંગ માને છે. અને આવા ટેરરિસ્તાનની ઉપમા પામી ચૂકેલા દેશના વિદેશ મંત્રી સાથે આપણા વિદેશ મંત્રીની બેઠક યોજવાનો તો કોઇ અર્થ જ નથી રહેતો. 

હકીકતમાં ભારત સાથે શાંતિમંત્રણા માટે કોઇ બેઠક યોજવા માટે જરૂરી છે કે પાકિસ્તાન પહેલા એ જાહેરાત કરે કે તે પોતાની જમીન ઉપરથી ભારતમાં આતંકવાદ ફેલાવતા સંગઠનોને શરણ નહીં આપે કે ન તો ભારતવિરોધી ગતિવિધિઓને સમર્થન નહીં આપે. જોકે આતંકવાદને લતાડવાની વાત તો દૂર, પાકિસ્તાન ભારતે ખાત્મો બોલાવેલા આતંકવાદીઓને શહીદ ગણાવીને તેમના માનમાં ટપાલ ટીકીટ બહાર પાડે છે.

એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર થયેલો હાફીઝ સઇદ પાકિસ્તાનમાં સમાજસેવાના નામે સંગઠન ચલાવે છે અને રાજકીય પાર્ટી પણ ઊભી કરે છે. પાકિસ્તાની સરકાર અને તેની સેના હાફિઝ સઇદની કામગીરીને બિરદાવે પણ છે. મસૂદ અઝહર જેવા વૈશ્વિક આતંકવાદી પાકિસ્તાનમાં જાહેરમાં ફરે છે અને બીજી બાજુ પાકિસ્તાન ભારત સાથે બેઠક યોજવાના સપના જુએ છે. 

ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દાખવ્યું છે પરંતુ દર વખતે પાકિસ્તાન જ આડું ફાટે છે. કાશ્મીર સમસ્યા અને સરહદપારના આતંકવાદના મામલે ભારત સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે જેના પરિણામે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાની દિશામાં પ્રગતિ થઇ શકી નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ સરહદપારથી ચાલતા આતંકવાદી કરતૂતો છે. એ તો જગજાહેર છે કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં અશાંતિ  ફેલાવવાના પ્રયાસોમાં રત રહે છે. જોકે જે કટ્ટરપંથીઓ અને સેનાના સમર્થનથી ઇમરાન ખાન સત્તામાં આવ્યાં હોય એમની વિરુદ્ધ જવાનું સાહસ દાખવવાની તો તેમનામાં હિંમત જ ન હોય એ સ્વાભાવિક છે. 

જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરી છે ત્યારે ત્યારે પાકિસ્તાને તેનો જવાબ ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર જેવા મોટા આતંકવાદી હુમલાના સ્વરૂપમાં આપ્યો છે. એ હકીકત છે કે ભારતે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો કદી ઇન્કાર કર્યો નથી અને દર વખતે જૂના બનાવો ભૂલીને વાતચીત માટે હાથ લંબાવ્યો છે. પરંતુ દર વખતે કોઇ મોટી આતંકવાદી ઘટના બને છે અને વાર્તાલાપ તૂટી જાય છે.

એ જ કારણે પાછલા લાંબા સમયથી ભારતનું વલણ રહ્યું છે કે બંને દેશો વચ્ચે મંત્રણા ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરશે અને સરહદપારથી ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરશે. આ વખતે પણ પાકિસ્તાનની આડોડાઇ ચાલુ રહેવાનું પ્રમાણ મળ્યું છે. એક તરફ ઇમરાન ખાન ભારતને શાંતિમંત્રણા ચાલુ કરવાની અપીલ કરે છે અને બીજી તરફ પાકિસ્તાની સેના ભારતના જવાનની બર્બરતાપૂર્ણ હત્યા કરે છે. 

યૂ.એન.માં ભારતના આક્રમક વલણથી ભોંઢા પડેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બળાપો ઠાલવે છે કે ભારત  ઘરેલુ રાજકારણના લીધે શાંતિ વાર્તામાં આગળ નથી વધતું. પરંતુ પાકિસ્તાને એ સમજી લેવાની જરૂર છે કે પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને ભારતના આંતરિક રાજકારણમાં હંમેશા એકમત રહ્યો છે. 

કેન્દ્રમાં સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની, બંને પક્ષો પાકિસ્તાન મામલે એકબીજાનું સમર્થન કરતા આવ્યાં છે. ભૂતકાળમાં વાજપેયી સરકાર વખતે લોકસભામાં વિપક્ષના નેતા સોનિયા ગાંધીએ તેમને પાક નીતિ ઉપર સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તો મનમોહન સિંહ સરકાર વખતે ભાજપના નેતાઓએ પણ તેમની પાક નીતિનું સમર્થન કર્યું હતું. હાલ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભલે ગમે તેટલા મતભેદ હોય પરંતુ પાકિસ્તાન અને આતંકવાદ મામલે તેઓ એક સાથે ઊભા છે. 

પાકિસ્તાન સાથે ત્યાં સુધી વાતચીત શક્ય નથી જ્યાં સુધી તે આતંકવાદને શરણ આપવાનું બંધ નહીં કરે અથવા તો આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જડમૂળમાંથી ખાત્મો ન બોલાવી દઇએ. પાકિસ્તાનની નવી ઇમરાન ખાન સરકાર વાસ્તવમાં તો પાકિસ્તાની સેનાની કઠપૂતળી જ છે.

અને કાયમ ભારત વિરોધી ઝેરને પોષતી આવેલી પાકિસ્તાની સેના તેની ધરતી ઉપર ફલતાફૂલતા આતંકવાદને ખત્મ નહીં થવા દે કે ન તો કાશ્મીરમાં શાંતિ સ્થપાવા દે. એટલા માટે ભારતે જ આંતરરાષ્ટ્રીય મંચો ઉપરથી પાકિસ્તાનના નકારની સાથે સાથે વખતોવખત સર્જીકલ સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપતા જ રહેવું પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો