ઈન્ફિબિમે એક જ દિવસમાં શેરધારકોના રૂ.9194 કરોડ ડૂબાડયા

- શેરનો ભાવ ગુરૂવારે રૂ.197.55 હતો, તે શુક્રવારે એક દિવસમાં જ રૂ.138.75 એટલે કે 70.24 ટકા તૂટીને રૂ.58.80ના તળિયે ઉતર્યો

અમદાવાદ, મુંબઈ તા.28 સપ્ટેમ્બર 2018, શુક્રવાર

ઈન્ટરનેટ સોફટવેર-સર્વિસિઝ અને ઈ-કોમર્સ ક્ષેત્રની કંપની ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડના શેરમાં કંપનીની આવતીકાલે શનિવારે-૨૯,સપ્ટેમ્બર ૨૦૧૮ના યોજાનારી એજીએમ-વાર્ષિક સામાન્ય સભા પૂર્વે જ ૭૦ ટકાનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોએ નાહી નાખવું પડયું છે.

શેરનો ભાવ આજે એક દિવસમાં જ એકાએક મોટાપાયે હેમરીંગ થતાં શેર ૭૦.૨૪ ટકા એટલે કે રૂ.૧૩૮.૭૫ તૂટીને રૂ.૫૮.૮૦ના તળીયે આવી ગયો હતો. જેના પગલે આ કંપનીના શેરધારકોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ. ૯૦૦૦ કરોડથી વધુનું ધોવાણ થઇ જવા પામ્યું હતું.

કંપનીએ તેની સબસીડિયરી એનએસઆઈ ઈન્ફિબિમ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડને વ્યાજ મુક્ત જંગી લોન આપ્યાના અને કંપનીની નેટવર્થ નેગેટીવ હોવાના અહેવાલ સાથે ઈન્ફિબિમની એજીએમ પૂર્વે જ શેરમાં કડાકો બોલાઈ ગયો હતો. શેરનો ભાવ જે ગઈકાલે ગુરૂવારે રૂ.૧૯૭.૫૫ હતો, તે આજે એક દિવસમાં જ નીચામાં રૂ.૫૩.૮૦ સુધી ગબડીને અંતે રૂ.૧૩૮.૭૫ એટલે કે ૭૦.૨૪ ટકા તૂટીને રૂ.૫૮.૮૦ રહ્યો હતો.

આમ  ૭૦ ટકા કડાકાના પગલે ઇન્ફિબિમના શેરમાં આજે એક દિવસમાં જ રૂ.૯૧૯૪.૧૮ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ગઈકાલે શેરના રૂ.૧૯૭.૫૫ ભાવ પ્રમાણે રૂ.૧૩,૦૯૦.૫૨ કરોડનું હતું, તે આજે એક દિવસમાં રૂ.૯૧૯૪.૧૮ કરોડ ધોવાઈ જઈને રૂ.૩૮૯૬.૩૪ કરોડ રહી ગયું હતું.  

ઈન્ફિબિમની આવતીકાલે એજીએમ યોજાતા પૂર્વે જ આજે શેરના ભાવમાં કડાકો બોલાઈ જતાં અનેક અફવાઓ વહેતી થવા લાગી હતી. કંપનીનો ટેલીફોનિક સંપર્ક સાધવાના પ્રયાસો પણ વિફળ ગયા હતા. જેથી અફવાનું બજાર વધુ ગરમ થયું હતું. કંપની મેનેજમેન્ટના સંપર્કના અભાવે રોકાણકારો, શેર ધારકોમાં ગભરાટ વધવા લાગ્યો હતો.

પરંતુ સાંજે કંપની દ્વારા શેર બજારો બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો એક અખબારી અહેવાલ મામલે સ્પષ્ટતાં કરી હતી.પરંતુ આ અહેવાલ મામલે સ્પષ્ટતા કરતા પૂર્વે શેરધારકોની સંપતિનું મોટા પાયે ધોવાણ થઇ ચુક્યું હતું. 

ઈન્ફિબિમ એવન્યુ દ્વારા આ અહેવાલ મામલે આજે સાંજે કરાયેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, કંપનીની એનએસઆઈ ઈન્ફિનિયમ ગ્લોબલને ૩૧,એપ્રિલ ૨૦૧૪ના રૂ.૮૩.૩૦ કરોડ, ૩૧,માર્ચ ૨૦૧૫ના રૂ.૧૭૧.૨૬ કરોડ, ૩૧,માર્ચ ૨૦૧૬ના રૂ.૧૧૧.૮૯ કરોડ, ૩૧,માર્ચ ૨૦૧૭ના રૂ.૧૪૫.૬૨ કરોડ અને ૩૧,માર્ચ ૨૦૧૮ના રૂ.૧૩૫.૦૨ કરોડની આઉટ સ્ટેન્ડિંગ લોન છે.

આ સબસીડિયરી એનએસઆઈ તેના વેબ પોર્ટલ થકી ઓનલાઈન મલ્ટિ બ્રાન્ડ રીટેલ ટ્રેડીંગ બિઝનેસમાં હોવાથી અને બિઝનેસનો પ્રકાર એવો હોવાથી સબસીડિયરીની નેટવર્થ નેગેટીવ રહી છે. જો કે એનએસઆઈની નેટવર્થ છેલ્લા બે નાણાકીય વર્ષમાં સુધરી રહી છે અને કંપનીને તેની નેટવર્થમાં આગામી વર્ષોમાં સુધારાની અપેક્ષા છે. 

કંપનીના આઇપીઓ ઓફર ડોક્યુમેન્ટમાં જાહેર કરાયેલા પ્રમોટરની યાદીમાંથી પ્રમોટરમાં કોઈ ફેરફાર થયા નથી. પ્રમોટર તેમજ પ્રમોટર ગુ્રપનું શેર હોલ્ડિંગ ૩૧ માર્ચ, ૨૦૧૮ના ૪૫.૬૩ ટકા રહ્યું છે.

મે ૨૦૧૮માં મર્જરના આદેશ બાદ ટ્રાન્સફર કંપનીના શેરધારકોને ૧૧,૯૮,૬૦,૩૦ શેરો ઇસ્યુ કરાયા હતા જેથી પ્રમોટરને અને પ્રમોટર ગુ્રપનું શેર હોલ્ડિંગ ૪૫.૬૩ ટકાથી ઘટી ૩૭.૩૮ ટકા રહ્યું હતું. જે ૩૦ જૂન ૩૦ જૂન ૨૦૧૮ના ૩૮.૯૦ ટકા રહ્યું છે.

ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડે ૩૦,જૂન ૨૦૧૮ના પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ.૯૧.૩૪ કરોડની આવક પર રૂ.૧૩.૮૮ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૩૦૫.૮૬ કરોડની આવક પર રૂ.૧૩.૪૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના કુટુંબીજનોનું રોકાણ
ઇન્ફિબીમના શેર્સમાં સટ્ટો ચલાવવામાં રાજકીય નેતાઓની સંડોવણીની ચર્ચા

સમગ્ર શેરબજારને હચમચાવનાર ઇન્ફિબીમની વધઘટ પાછળ રાજકીય ભેજાઓ કામ કરી રહ્યા છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીના કુટુંબીજનોનું પણ મોટી સંડોવણી આ કંપનીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી જ કંપનીના શેર્સમાં મોટો સટ્ટો કરાવીને ભાવ ઊંચી લઈ જવાયા હતા. પૂર્વ મુખ્યમંત્રીના સ્વજને નીચા ભાવે આ સ્ક્રિપમાં મોટું ફંડ ઇન્વેસ્ટ કર્યું હોવાનું કહેવાય છે.

ત્યારબાદ તેના ભાવમાં મોટો ઊછાળો લાવવામાં આવ્યો હતો. આ રીતે બિનહિસાબી ફંડનું રોકાણ કરીને શેર્સના ભાવમાં ઊછાળો લાવીને સત્તાવાર આવકમાં એટલે કે કેપિટલ ગેઈનમાં રૂપાંતરિત કર્યું હોવાનું કહેવાય છે. રૂા. ૧૦ના મૂલ્યના શેરનો ભાવ ઊંચે ગયા પછી તે શેર્સ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટયૂટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સન પધરાવી દેવામાં આવ્યા હતા.

આ હકીકતથી સેબીના અધિકારીઓ માહિતગાર હોવા છતાંય ઇન્વેસ્ટર્સની રાજકીય નિકટતાને કારણે સમગ્ર પ્રકરણ પરત્વે આંખ આડા કાન કરીને સામાન્યા રોકાણકારોના હિતને જોખમાવી રહ્યા છે.  આ કંપની સાથેની ટીવી ચેનલમાં પણ એ રાજકીય નેતાઓની સંડોવણી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે.

ઇન્ફિબિમમાં ઇન્ટ્રાડે ઐતિહાસિક બીજો કડાકો
નાની કંપનીઓના શેરોમાં પ્રિતિકૂળતાના કારણે પ્રચંડ કરાતા બોલી જતા હોય છે. પરંતુ આજે જાણીતી એવી ઇન્ફિબિમ કંપનીના શેરમાં આજે ઇન્ટ્રાડે ૭૦ ટકાનો કડાકો નોંધાતા તેની બજારમાં ઐતિહાસિક બીજા કડાકા તરીકે નોંધ લેવાઇ છે.આ અગાઉ સત્યમ કોમ્પ્યુટરના શેરમાં ઇન્ટ્રાડે ૯૫ ટકાનો કડાકો બોલાયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો