ગાઝીપુરમાં પથ્થરમારાની ઘટના એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છેઃ અખિલેશ
(પીટીઆઇ) લખનઉ,તા. 30 ડિસેમ્બર 2018, રવિવાર
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક પોલીસની હત્યાના કેસમાં ૧૯ લોકોની ધરપકડ કરાઇ હતી તેમજ નિશાદ પક્ષના એક નેતાની શોધ શરૂ કરી હતી,એમ પોલીસે કહ્યું હતું. ડીજીપીએ ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો કે મરનાર સુરેશ પ્રતાપ સિંહ વત્સ હેડ કોન્સટેબલ હતો. શનિવારે વડા પ્રધાન મોદીની સભામાંથી પાછા ફરી રહેલા લોકો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ પથ્થરમારો કરતાં ૪૮ વર્ષના વત્સને માથામાં ઇજા થતાં અવસાન પામ્યો હતો.
દરમિયાન ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે ગાઝીપુરમાં પોલીસની હત્યા સરકારની ચૂક અને વહીવટી તંત્રની નિષ્ફળતા છે. રાજ્યમાં ગુડારાજ પ્રવર્તે છે.
'ગાઝીપુરની પથ્થરમારાની ઘટના વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે.વહીવટી તંત્ર અને રાજ્યનો ગુપ્તચર વિભાગ જાણતા હતા કે કોણ ક્યાં વિરોધ કરી રહ્યા છે.આમ છતાં આ કમનસીબ ઘટના બની હતી'એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આરોપીઓને પકડવાને બદલે પોલીસ નિર્દોષ લોકોને હેરાન કરે છે.
સમાજવાદી પક્ષના આક્ષેપોને ફગાવી ભાજપના ઉત્તર પ્રદેશના માધ્યમો પ્રભારી રાકેશ ત્રિપાઠીએ કહ્યું હતું'પ્રાથમિક દ્રષ્ટીએ તોફાનીઓ નિશાદ પક્ષના કાર્યકરો હતા'. રાજ્ય સરકાર પર આક્ષેપો કરવાને બદલે અખિલેશે આત્મ નિરિક્ષણ કરવાની જરૂર છે કારણ કે સપા અને નિશાદ પક્ષ એકબીજાના સાથી છે.ગાઝીપુરના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે નિશાદ પક્ષના કાર્યકરોને મોદીની સભામાં જતા રોકતા તેમણે બંદોબસ્તમાં રહેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક પોલીસનું મોત થયેલું.
મુખ્ય મંત્રી યોગીએ વત્સના પરિવારને રૂપિયા ૪૦ લાખ અને વત્સના માતા પિતાને રૂપિયા દસ લાખ આપવાની જાહેરાત કરી હતી, એમ રાજ્ય સરકારે કહ્યું હતું. યોગીએ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને તોફાનીઓ સામે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો હતો.
Comments
Post a Comment