ટ્રમ્પનું નૂતન આત્મજ્ઞાાન


ડોનાલ્ડ ટ્રમ્પને એકાએક નવું આત્મજ્ઞાાન પ્રાપ્ત થયું છે. અમેરિકા પહેલેથી જ પોતાને સર્વોત્કૃષ્ઠ માને ત્યાં સુધી તો કોઈ વાંધો ન હોય, એવો અધિકાર માન્યતા પૂરતો તો દરેક દેશને છે, પરંતુ અમેરિકા પોતાને સર્વસત્તાધીશ માનતું આવ્યું છે અને એને કારણે જગતકાજી બનવાના તેના શંકાસ્પદ ઈરાદાઓને કારણે ખુદ અજંપો ભોગવતું રહ્યું છે અને વિશ્વના અનેક દેશોની નીતિ-રાજનીતિમાં દખલગીરી કરતું રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક નાનકડો યુ ટર્ન લેવા ચાહે છે અને દુનિયાને કહેવા લાગ્યા છે કે આખી પૃથ્વીના યોગક્ષેમનું વહન કરવું એ કંઈ અમારું એકલાનું કામ નથી. ઈરાકમાં તૈનાત અમેરિકી સૈનિકોને અચાનક મળવા ગયેલા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે અમે આખી દુનિયાના રખવાળા બનવા ચાહતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીના પટે પથરાયેલા વિવિધ કારણોસરના અમેરિકન સૈન્યને સંકેલી રહ્યા છે અને તેઓને વતન રાષ્ટ્રમાં પાછા બોલાવી રહ્યા છે. સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકી સૈન્ય કાફલાઓ પાછા ખેંચી લેવાનો નિર્ણય તેઓ અગાઉ જાહેર કરી ચૂક્યા છે.

અમેરિકી સૈન્ય બ્રિટિશરો જેવું સામ્રાજ્યવાદી નથી, એને બીજા દેશોમાં વિશેષ ભૂભાગ લઈ લેવાની કે એની સરકાર ચલાવવાનો બહુ રસ નથી, પરંતુ એક જબરજસ્ત શાંતિસ્થાપક સૈન્ય અમેરિકા પાસે છે તે એટલી હદે કે ક્યારેક આ સૈન્ય અંતિમ હિંસાત્મક ઉપચારો દ્વારા પણ છેવટે તો શાંતિ સ્થાપે છે, એટલે કટાક્ષમાં એમ પણ કહેવાય કે આ જગતમાં શાંતિ સ્થાપવા માટે સૌથી વધુ યુદ્ધખોરી અને હિંસાચાર આચરનાર દેશ અમેરિકા છે.

આ જ વાતને સ્હેજ ત્રાંસી નજરે એમ પણ જોઈ શકાય કે અમેરિકા જ્યાં વિનાશક યુદ્ધ ખેલવા ચાહે છે ત્યાં પહેલા વૈશ્વિક દંભ આચરીને શાંતિ સ્થાપવાનો કુટિલ નીતિયુક્ત રાગ આલાપવાનો શરૂ કરે છે. અમેરિકાની આ નીતિને ટ્રમ્પ હવે સંપૂર્ણ રીતે બદલવા ચાહે છે.

હવે ટ્રમ્પ કહે છે કે હું કંઈ દુનિયાનો થાણેદાર થોડો છું ? એની સામેય સત્ય એ છે કે અમેરિકા ખુદ જ પોતાને દુનિયાના જમાદાર માનીને વર્તન કરવાની પોલિટિકલ ટ્રેડિશન ધરાવે છે. અમેરિકાનો દરેક રાષ્ટ્રપ્રમુખ આજસુધી પોતાને જાણે કે આખી દુનિયાનો રાષ્ટ્રપ્રમુખ ન હોય એમ જ માનતો ને મનાવતો આવ્યો છે. ટ્રમ્પની ઈચ્છા એમાં અપવાદ સર્જવાની છે.

અમેરિકી સૈન્યમાં ટ્રમ્પના ઉતાવળા વિધાનોથી હલચલ મચી ગઈ છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પણ ટ્રમ્પના વિધાનો અને સૈનિકો પાછા બોલાવવાની નીતિ સાથે સહમત નથી. કદાચ એ જ કારણ છે કે અમેરિકી ડિફેન્સ મિનિસ્ટરે હળવેથી રાજીનામુ ધરી દઈને મંત્રાલયમાંથી વિદાય લઈ લીધી છે.

સૈન્ય તરીકે અમેરિકાએ ધાક જમાવેલી છે, પરંતુ હવે સિરિયામાંથી એના સૈનિકો પાછા ફરશે એટલે પશ્ચિમ એશિયાની શાંતિ ડહોળાશે અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય મહત્ અંશે પાછુ ફરશે એટલે દક્ષિણ એશિયાના શાંત જળમાં ફરી તરંગો ઉડવા લાગશે.

અમેરિકાએ ક્યારેક કોઈ દેશમાં લોકશાહીની સ્થાપના કરવાનું બહાનુ બતાવ્યું તો ક્યારેક વિશ્વશાંતિની રક્ષા તો ક્યારેક આતંકવાદ સામેની લડત એમ અનેક પ્રકારના ગળે ઉતરી જાય એવા બહાનાઓ સાથે અમેરિકાએ જ્યાં ને ત્યાં જે મનમાની કરી છે એ કંઈ દુનિયાથી છાની રહી નથી.

એની એ દલીલોને કારણે જ ઈરાક, લીબિયા જેવા કેટલા બધા દેશો તબાહ થઈ ગયા છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચૂંટણી વાયદાઓનું પાલન કરવા માટે ઉતાવળા થયેલા છે. તેમણે અગાઉ એમ પણ કહ્યું હતું કે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટનો સંપૂર્ણ ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે, જ્યારે કે હકીકત એનાથી જુદી છે.

અફઘાનિસ્તાનથી સૈનિકોને પાછા બોલાવવાનો વિચાર ટ્રમ્પે ત્યારે તરતો મૂક્યો છે જ્યારે અફઘાન પ્રજા વચ્ચે તાલિબાનો પુનઃ સ્થાપિત થઈ રહ્યા છે અને ક્રમશઃ વિવિધ વિસ્તારોને પોતાના કબજા તળે લઈને આતંક મચાવી રહ્યા છે. ટ્રમ્પને પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાાનનો જો તેઓ ખરેખર અમલ કરશે તો કમ સે કમ સંયુક્ત રાષ્ટ્રસંઘ પોતાની રીતે કંઈક કામ કરી શકશે.

આજ સુધી અમેરિકાએ રાષ્ટ્રસંઘને કોઈ જ કામ કરવા દીધું નથી અને પોતે જ બધા નિર્ણયો લીધા છે અને રાષ્ટ્રસંઘ પાસે લેવરાવ્યા છે. ટ્રમ્પના વૈરાગ્યભાવે ઉચ્ચારાયેલા વિધાનો એમ બતાવે છે કે પારકી પંચાતથી અમેરિકા હવે થાક્યું છે અને એને ભાન થયું છે કે જો ઘરના છોકરાઓને ઘંટી ચાટવાની સ્થિતિ તરફ ધકેલવા ન હોય તો મહેનતથી દળાયેલો આટો કોઈ ઉપ-અધ્યાયને બારોબાર આપી દેવા જેવો નથી. જોકે જ્ઞાાન અને અમલવારી વચ્ચે વિકરાળ ખીણ છે જેને ભાગ્યે જ કોઈ પાર કરી શકે છે.

આ દુનિયામાં બધાને બધી જ ભાન છે, પણ જેઓ અમલ કરી જાણે છે તેઓ જ વીર અને વીરાંગના છે. ટ્રમ્પ પોતાને લાધેલા વિશ્વબોધિજ્ઞાાનનો અમલ કરે છે કે નહિ તે જોવાનું રહે છે. અમેરિકી સૈન્યની ગુપ્ત સ્પર્ધા હવે ચીન સાથે છે. અને ચીન તબક્કાવાર અમેરિકાના વિધિનિર્મિત શત્રુ રશિયાની નજીક ને નજીક જઈ રહ્યું છે. પોતાના બે શત્રુઓની પારસ્પરિક નિકટતાની વેળાએ ટ્રમ્પે કરેલી ડહાપણયુક્ત જ્ઞાાનપ્રસ્તુતિ અનેક રીતે આ જગત માટે અભિનવ આશ્ચર્ય પણ છે !

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .