૨૦૧૮ની પાંચ બેસ્ટમબેસ્ટ વેબ ફિલ્મો


ટોબા ટેકસિંહઃ મન્ટોની વાર્તા પરથી બનેલી ફિલ્મમાં તેની બીજી કહાની ખોલ દોને પણ વણી લેવાઈ છે

વર્ષ ૨૦૧૮માં સિને રસિયાઓને સૌથી મોટી જો કોઈ ભેટ મળી હોય તો તે વેબ સીરિઝની. ફિલ્મો થિયેટરમાં રિલીઝ થવાને બદલે એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવા ઑનલાઇન સ્ટ્રીમિંગ પોર્ટલ પર રિલીઝ થવા લાગી. તેના ઘણા ફાયદા થયા. ૧) સેન્સરબોર્ડની પળોજણમાંથી મુક્તિ. ૨) બે કલાક કે અઢી કલાક એવા ટાઇમ ફોર્મેટમાંથી આઝાદી. તમને મરજી પડે એટલા કલાકોની ફિલ્મ બનાવો.

અડધી કલાકનીય ચાલે. આપણી પાસે સિનેમાહોલ સુધી જવાનો સમય નથી રહ્યો તો તે આપણા મોબાઇલ સુધી આવી પહોંચ્યો છે. ૨૦૧૮માં ઘણી બધી વેબ મૂવિઝ પ્રસ્તુત થઈ. તેમાંથી બેસ્ટમબેસ્ટ પાંચ ફિલ્મો આ રહી. યાદ રહે વેબ સીરિઝની વાત નથી. માત્ર વેબ ફિલ્મો જ.

૧) લસ્ટ સ્ટોરીઝઃ આ એન્થોલોજી ફિલ્મ છે. એટલે કે એક જ ફિલ્મમાં એકથી વધુ ફિલ્મો.  બધી કથાઓ જુદી-જુદી પણ એક વિષયથી જોડાયેલી. બોમ્બે ટોકીઝનો કેન્દ્રવર્તી વિષય બોલીવુડ હતું એવી જ રીતે લસ્ટ સ્ટોરીઝની થીમ છે સેક્સની બાબતમાં સ્ત્રીની માનસિકતા. બોમ્બે ટોકીઝ બનાવનારી ચોકડી દિબાકર બેનરજી, કરણ જોહર, ઝોયા અખ્તર અને અનુરાગ કશ્યપે આ ફિલ્મ બનાવી છે. રાધિકા આપ્ટે, ભૂમિ પડણેકર, મનિષા કોઈરાલા, વિકી કૌશલ, નેહા ધૂપિયા અને સંજય કપૂરનો ઉત્તમ અભિનય.

લસ્ટ સ્ટોરીઝની પ્રથમ કહાનીમાં સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું અફેર દર્શાવવામાં આવ્યું છે. ટીચરનું નામ છે કાલિંદી. આખી ફિલ્મમાં થોડી-થોડી વારે તેના મોનોલોગ સાંભળવા મળે છે. આને તમે બોલતી ડાયરી પણ કહી શકો. કાલિન્દીની એકોક્તિ સ્ત્રીના મનનું કોઈપણ પ્રકારના આવરણ વિના પ્રદર્શન કરવાની કોશિશ કરે છે. નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે.

બીજા ભાગનું ડિરેક્શન ઝોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં કામવાળી બાય સુુધાની સ્ટોરી છે. મકાનમાલિક અજીત સાથે તેના શારીરિક સંબંધો છે. અજીત આ બાબતે કેઝ્યુઅલ છે, પરંતુ સુધા આશા બાંધી લે છે.  એક મોમેન્ટ પર તે અજીતની પત્ની જેવું ફીલ કરવા લાગે છે અને પછી અચાનક તેનું ધીમે-ધીમે કામવાળીમાં ટ્રાન્સફોર્મેશન થાય છે તે ઘટના ડિરેક્ટરની મૂંગી કમાલ છે.

ત્રીજી કહાની લગ્નેતર સંબંધો વિશે છે. રીના નામની સ્ત્રી તેના લગ્નથી ખુશ નથી. તે પોતાના પતિ સલમાનના દોસ્ત સુધીર સાથે પ્રેમમાં પડી જાય છે. તેના પતિને આ વિશે જાણ થાય છે અને પછી કહાની આગળ વધે છે.

ચોથી વાર્તા મેઘા નામની છોકરીની છે. તેના લગ્ન પારસ નામના એક શરમાળ યુવક સાથે થઈ જાય છે. પારસ મેઘાને પ્રેમ કરે છે, પરંતુ તેની શારીરિક જરૂરિયાત વિશે ન તો સમજે છે ન તો સમજવા માગે છે. 

આપણે ત્યાં મહિલાઓની સેક્સ્યુઆલિટી અને સેક્સ્યુઅલ ફ્રીડમ વિશે ખુલ્લેઆમ વાત ઓછી થાય છે ત્યારે આ વિશેનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

૨) ટાઇગર્સઃ આ ફિલિમની કથાવસ્તુ પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ પર આકાર લે છે. ફિલ્મનું નિર્દેશન ડેનિસ ટેનોવિકે કર્યું છે અને અભિનયના ઓજસ પાથર્યા છે ઇમરાન હાશમી, ગીતાંજલિ થાપા, ડેની હ્યુસ્ટન, સુપ્રિયા પાઠક, સત્યદીપ મિશ્રા અને વિનોદ નાગપાલે. ઇમરાન દ્વારા ભજવાયેલા મૂવીના મુખ્ય પાત્રનું નામ છે અયાન.

તે રીઅલ લાઇફ હીરો સય્યદ અમિર રઝા પર આધારિત છે. આમિર પાકિસ્તાનની મલ્ટિનેશનલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે કામ કરતો હતો. તેનું કામ હતું બાળકોના ડોક્ટર સમક્ષ પોતાની કંપની દ્વારા બનાવવામાં આવતું બેબી ફોર્મુલા  રજૂ કરવાનું અને તે પ્રિસ્ક્રાઇબ કરવા માટે તેમને પ્રેરિત કરવાનું. આમિરને થોડા વખત પછી ખબર પડે છે કે પોતે જે બેબી ફોર્મુલા વેચી રહ્યો છે તે પાકિસ્તાનના બાળકો માટે ખૂબ ખતરનાક છે.

આથી તે ન માત્ર તે બેબી ફોર્મુલા વેચવાનું બંધ કરી દે છે, પરંતુ પોતે જે કંપનીમાં કામ કરતો હતો તેની સામે મોરચો માંડે છે. જીવ સટોસટીનો જંગ ખેલે છે. આને તમે ડોક્યુ ડ્રામા પણ કહી શકો. કથા ભલે પાકિસ્તાનની પૃષ્ઠ ભૂમિ પર કહેવાઈ હોય કિન્તુ ભારત પર પણ એટલી જ લાગુ પડે છે. પેટમાં પાંસળી દેખાતી હોય તેવા બાળકોના વાસ્તવિક દૃશ્યો રુવાડાં ઊભાં કરી દે એવા આઘાતજનક છે.

પાકિસ્તાન અને ભારતના મિડલ ક્લાસમાં પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની ઘેલછા છે જે તેમને ઘણી વખત ગેરમાર્ગે લઈ જાય છે. અમેરિકાએ ૭૦ના દશકમાં બેબી ફોર્મુલા પર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યાર બાદ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાની હાનિકારક પ્રોડ્કટ્સ ત્રીજી દુનિયામાં વેચવાનું શરૂ કર્યું. અયાન દર્શાવે છે કે માત્ર એક સારા સેલ્સમેન હોવું પૂરતું નથી. નૈતિક હોવું પણ એટલું જ જરૂરી છે. ફૈઝ અને ગાલિબની ગઝલ મેઇન કોર્સ પછીનું ડેઝર્ટ બની રહે છે.

૩) રાજમા-ચાવલઃ આ ચલચિત્ર લીના યાદવે દિગ્દર્શિત કર્યું છે. ઋષિ કપૂર, અનિરુદ્ધ તંવર, અમાયરા દસ્તુર અને અપારશક્તિ ખુરાનાએ અભિનય કર્યો છે. ઋષિ કપૂરે રાજ માથુર નામનું પાત્ર ભજવ્યું છે. કેરેક્ટરમાં તે એટલો ઘૂસી ગયો છે કે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય કે આ રાજ માથુર છે કે ઋષિ કપૂર.

પત્નીના મૃત્યુ પછી તે પુત્ર સાથે નવી દિલ્હીથી જૂની દિલ્હી શિફ્ટ થઈ જાય છે. બાપ અને દીકરા વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ છે તે ઘટાડવા માટે બાપ સોશિયલ મીડિયાનો સહારો લે છે. દરમિયાન કન્ફ્યુઝન અને સેહરની એન્ટ્રી થાય છે. સેહર દેવામાં ડૂબેલી મેટ્રો ગર્લ છે. તેનો ભૂતકાળ દુઃખદ છે. પછી શું થશે એ કહેવાનો અહીં કોઈ ઉપક્રમ નથી.

ફિલ્મમાં દર્શાવાયેલો પરિવાર ભારતના મિડલ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે. ઋષિ કપૂરનો એફર્ટલેસ અભિનય જોવો એ એક લહાવો બની રહે છે. જનરેશન ગેપ અને એક આમ પિતા-પુત્ર વચ્ચે સંવાદની કમીનું અકાલ્પનિક નિરૂપણ કરવામાં આવ્યું છે.

૪) મેરી નિમ્મોઃ એમ. એમ. શાંકલ્ય નિર્દેશિત આ બાળ ફિલ્મ જરાય બાલિશ નથી. આમાં એક આઠ વર્ષના બાળક હેમુને પોતાનાથી બહુ મોટી છોકરી નિમ્મો સાથે પ્રેમ થઈ જાય છે. નિમ્મોના લગ્ન થવાના છે અને થોડા જ દહાડામાં તે સાસરે જતી રહેવાની છે. છોકરાનો પ્રેમ સીરિયસ હોય છે, પણ તેને કોઈ સીરિયસલી લેતું નથી.

ત્યાર બાદ એક ખૂબ અદ્ભુત વાર્તા આકાર લે છે. વાર્તા જેટલી સારી છે એનાથીય સુંદર છે તેની ટ્રીટમેન્ટ. બાળકોની સાથોસાથ મોટેરાઓએ ખાસ કરીને વાલીઓએ આ ફિલ્મ જોવા જેવી છે. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે મેરી નિમ્મો કોઈ મેસેજ આપતી નથી. આપી જાય છે માત્ર બાળકોનો દૃષ્ટિકોણ. સમજાવી જાય છે કે બાળકો માટે તેમનું દુઃખ કેટલું પીડાદાયક હોય છે. કહાની અત્યાર કરતા જરા પાછળના સમયગાળામાં કહેવામાં આવી છે અને દોઢ કલાકમાં પૂરી થાય છે. 

૫) ટોબા ટેક સિંહઃ આ બધી ફિલ્મો એક તરફ અને ટોબા ટેકસિંહ એક તરફ. કેતન મહેતા નિર્દેશિત તથા પંકજ કપૂર, વિનય પાઠક અને ગૌરવ દ્વિવેદી અભિનિત. ખ્યાત ઉર્દૂ લેખક સહાદત હસન મન્ટોની વાર્તા ટોબા ટેકસિંહ પરથી ફિલ્મ બનાવાઈ છે. ટાઇગર્સ ૧ કલાક ૨૯ મિનિટની છે તેમ ટોબા ટેકસિંહ ૧ કલાક ૧૩ મિનિટની છે. આમાં પાકિસ્તાનના પાગલખાનાની વાત કહેવામાં આવી છે. જ્યારે દેશના ભાગલા પડે છે ત્યારે બંને દેશની સરકારો પાગલોની પણ અદલા-બદલી કરવાનું નક્કી કરે છે.

 હિંદુ પાગલોને પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવે છે. પાગલખાનામાં દરેક ધર્મના પાગલ હતા અને બધા હળીમળીને રહેતા હતા. તેમનું વિભાજન કેટલું પીડાદાયક છે તે દર્શાવાયું છે.

બિશન નામનો એક સિખ જમીનદાર છે જે છેલ્લા થોડા વર્ષોથી પાગલ છે. તેના ગામનું નામ છે ટોબા ટેકસિંહ. બિશનને પણ પાગલખાનામાં એ જ નામથી બોલાવાતો હોય છે. વિભાજન બાદ ટોબા ટેકસિંહ ગામ પાકિસ્તાનમાં રહી જાય છે અને આ ટોબા ટેકસિંહને હિંદુસ્તાન જવાની ફરજ પાડવામાં આવતા કેવીરીતે તેનો જીવ નીકળી જાય છે તે ફિલ્મમાં દર્શાવાયું છે.

ટોબા ટેકસિંહ સાથે મન્ટોની ખોલ દો વાર્તાને પણ વણી લેવામાં આવે છે. કેટલાક એવું માનતા હોય છે કે જાણીતી સાહિત્ય કૃતિનું ફિલ્માંકન સરળ બની જતું હોય છે. ખરેખર આ તેમની ગેરધારણા છે. સામાન્ય કૃતિ કરતા કોઈપણ સાહિત્યકૃતિનું ફિલ્માંકન વધારે અઘરું હોય છે. તેમ કરવામાં દિગ્દર્શકની પરીક્ષા થઈ જાય છે.

સાહિત્યકારોને ફિલ્મલાઇનમાં સેટ થવું હોય તો પોતાના કામને જરા નીચેના લેવલે લઈ જવું પડે છે. પ્રેમચંદ ફિલ્મ લાઇનમાં કિસ્મત અજમાવવા મુંબઈ ગયા હતા, પણ તેની મિડિયોક્રિટીથી હતાશ થઈને પાછા ફરેલા.

નીરજે ફિલ્મોમાં ગણ્યાગાંઠયા ગીતો લખ્યા અને ત્યાર બાદ તોબા કરી લીધા. આલા દરજ્જાના સાહિત્યકાર ફિલ્મ લેખનમાં પણ સફળ થાય એવું ભાગ્યે જ બને છે. આ મુજબ સારી સાહિત્ય કૃતિ પરથી મૂવી બનાવવ માટે ફિલ્મકારોએ એક લેવલ ઉપર આવવું પડે છે. કેતન મહેતા તેમાં સફળ થતા દેખાય છે. પંકજ કપૂર શામાટે પંકજ કપૂર છે તે જાણવા માટે ટોબા ટેકસિંહ જોવી જોઈએ. 

૨૦૧૯માં કેવીક વેબ ફિલ્મો આપણને જોવા મળશે તેનો ઇંતેજાર કરવો રહ્યો. હેપી ન્યૂ ઇયર!

આજની નવી જોક

સાંજે જેવો છગન ઘરે આવ્યો કે તરત લીલીએ કચકચ શરૂ કરી દીધી.

છગન (લીલીને:અરે યાર દી આખાનો થાકેલો ઘરે આવ્યો છું, જરા ફ્રેશ તો થવા દે.

લીલીઃ હુંય આખો દિવસ ઘરે એકલી હતી. પહેલ મને ફ્રેશ થવા દો જરા.

સોશિયલ નેટવર્ક

એક પ્રધાનમંત્રીની રાખ કામમાં ન આવતા બીજા પ્રધાનમંત્રી પર ફિલ્મ બનાવવી પડી

એક જમાનામાં ફિલ્મો શાસકો પર વ્યંગ કરવા માટે બનતી હતી. આજે ફિલ્મો રાજકીય પક્ષોના પ્રચારનું માધ્યમ બની ચૂકી છે. કૉન્ગ્રેસ પર ફિલ્મ બનાવવી એ ખરાબ વાત નથી, પરંતુ કૉન્ગ્રેસ સત્તામાં ન હોય ત્યારે બનાવવી અને તે બીજી વખત સત્તામાં ન આવી શકે તે માટે ચૂંટણી પહેલા જ તેના વિરુદ્ધ ફિલ્મ બનાવવી તે ખરાબ વાત છે. તે સિનેમાના પવિત્ર માધ્યમનો દુરુપયોગ દર્શાવે છે.

મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બરુઆએ મોકો જોઈને ઘા કર્યો. જ્યારે કૉન્ગ્રેસની સરકાર ગઈ અને ભાજપની આવી ત્યારે આ સાહસિક નરબંકાએ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નામનું પુસ્તક લખ્યું અને ભૂતપૂર્વ વડા પ્રધાનની બદનક્ષી કરી. હવે તેના પરથી ફિલ્મ બનાવાઈ છે. તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયામાં ઘણા પડઘા પડયા, જે આ પ્રમાણે છે.

શરમ ન આવતી હોય તેમ ભાજપે પોતાના ટ્વિટ્ટર હેન્ડલ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું. અમિત મિશ્રાએ તુરંત જ વ્યંગ કર્યો, આ ફિલ્મની ટિકિટો પેટીએમ, બુકમાય શો અને ભાજપના તમામ કાર્યાલય ખાતેથી મેળવી શકાશે.

ઇવીએમએન્ટી ટ્વિટ્ટર હેન્ડલ પરથી વ્યંગ છૂટયો, મનમોહનસિંહ પરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને મનમોહનસિંહ પરની ફિલ્મ ધ પ્રાઇમ મિનિસ્ટરિયલ એક્સિડેન્ટ.

વસૂલીભાઈએ ઝીણી સોય ખુંચાડી છે, મોદીએ કૉન્ગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા-કરતા આપણને કૉન્ગ્રેસનો એક નેતા આપી દીધો અને પાર્ટીના પ્રધાન મંત્રી પર એક ફિલ્મ. હપ્પુ ક્રેટે લખ્યું, એક પ્રધાનમંત્રીની રાખ કામમાં ન આવતા બીજા પ્રધાનમંત્રી પર ફિલ્મ બનાવવી પડી રહી છે.

ઉમાશંકર સિંહે રાણાનો ઘા માર્યો, મનમોહનસિંહ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા અને ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં મોદી મળ્યા.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .