પૉક્સો એક્ટમાં સુધારો કરીને બાળકો સાથે થતા દુરાચારના મામલાઓમાં મૃત્યુદંડની જોગવાઇ
- બાળકોના જાતીય શોષણના ઘણાં ખરાં કિસ્સાઓમાં ઓળખીતા લોકોની જ સંડોવણી હોય છે જેના કારણે આવા મામલા પોલીસના ચોપડે નોંધાતા જ નથી, તો માબાપોએ અને સમાજે આવા મનોવિકૃત લોકોને ઉઘાડા પાડવાની હિંમત દાખવવાની જરૂર છે
બાળકો સાથે થતા યૌન દુરાચારના મામલે સરકાર વધારે સખત બની છે. કેન્દ્રની મોદી સરકારે બાળકો સાથેના યૌન અપરાધો માટેના કાયદાને અત્યંત કડક બનાવ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ એક્ટ અર્થાત પૉક્સોની જુદી જુદી કલમોમાં સંશોધન કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનોને મંજૂરી આપી છે.
હવે બાળકો સાથેના ગંભીર યૌન અપરાધની સ્થિતિમાં અપરાધીને ૨૦ વર્ષની આકરી સજા અથવા તો મૃત્યુદંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ભારતમાં દર વર્ષે બાળકો સાથે થતા યૌૈન દુરાચારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલા રોકવા માટે સરકારને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની આવશ્યકતા જણાઇ. આ કાયદા અંતર્ગત ૧૮ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને ડ્રગ્સ કે દવા આપીને તેમના હોર્મોન્સ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવાની કલમ ૯માં પણ સંશોધન કરવામાં આવ્યું છે. નવા સંશોધનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે પણ કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. જો કોઇના ફોન, લેપટોપ કે પેનડ્રાઇવમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલું મટિરિયલ જણાશે તો એવા મામલામાં પણ આકરી સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.
સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે દુનિયાના તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યાં છે. જો કોઇ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઇને કોઇ કૃત્ય કરે તો તેને અસામાજિક ઠરાવવામાં આવે છે. મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે. આજે સમાજમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી રહી છે જેનો અભ્યાસ કરતા જણાય છે કે સમાજ બીમાર બની રહ્યો છે. નાની બાળકીઓથી લઇને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના મામલા વધી રહ્યાં છે. છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તેમના ઉપર એસિડ એટેક થાય છે. બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે.
કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં બાળકો યૌન શોષણના શિકાર બનતા હોય અને આવા ઘણાં ખરાં મામલાઓમાં પરિવારના અથવા તો ઓળખીતા લોકો જ સંડોવાયેલા હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો. એટલા માટે જ સરકારે હવે બાળકોનું યૌન શોષણ કરનારા લોકો માટે ફાંસીની સજાની જોગવાઇ કરી છે. જોકે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તો ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું યૌન શોષણ કરનારા અપરાધીઓ માટે ફાંસીની સજાની જોગવાઇ છે જ. એવામાં મહત્ત્વનો સવાલ એ છે કે મૃત્યુદંડની જોગવાઇ કર્યા બાદ સમાજમાં આવા ગંભીર અપરાધ અટકશે ખરાં?
અગાઉ પણ ઉન્નાવ અને હવે કઠુઆ ગેંગરેપના મામલે દેશભરના લોકોમાં ભારે આક્રોશ પેદા થયો હતો. છ વર્ષ પહેલાં દિલ્હીમાં થયેલા નિર્ભયા કેસ બાદ દેશભરમાં રોષની જ્વાળા ફાટી નીકળી હતી. આ વર્ષની શરૂઆતમાં કઠુઆ ખાતે આઠ વર્ષની બાળકી સાથે જે દુરાચાર થયો હતો એ વાંચતા કે સાંભળતા જ છાતીમાં ડૂમો ભરાઇ આવે કે એક માસુમ બાળકી સાથે આવો વ્યવહાર કરવાનો અપરાધીઓનો જીવ શી રીતે ચાલ્યો હશે? છતાં પણ એ સમયે કેટલાક લોકોએ આવા નરાધમોને બચાવવા માટે પ્રયાસો કર્યાં હતાં એ નવાઇની વાત લાગે છે.
આજથી છ વર્ષ પહેલા નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ છેલ્લા થોડા સમયથી જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે.આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે.
વિશેષજ્ઞાોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે. દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે. આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે. સમાજવિજ્ઞાાનીઓના મતે ચિંતાજનક કહી શકાય એવી બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી નાની ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા મહિના પહેલાં જ મધ્યપ્રદેશમાં સાત મહિનાની બાળકી સાથે બળાત્કાર કરનાર નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.
આટલું ઓછું હોય એમ થોડા મહિના પહેલાં કન્યા સંરક્ષણ ગૃહોમાં કન્યાઓના શોષણના મામલા સામે આવ્યાં હતાં. સરકાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા આ સંરક્ષણ ગૃહોને સરકાર પૈસા તો આપે છે પરંતુ આવી સંસ્થાઓની કામગીરીની દેખરેખ રાખવામાં નિષ્ફળ રહી છે. પહેલા બિહારના મુઝફ્ફરપુર શહેરના શેલ્ટર હોમમાં બાળકીઓના જાતીય શોષણનો મામલો સામે આવ્યો જ્યાં ૩૪ છોકરીઓ સાથે દુષ્કર્મના પુરાવા મળ્યાં. મુઝફ્ફરપુરની જેમ જ ઉત્તરપ્રદેશના દેવરિયા ખાતેના નારી સંરક્ષણ ગૃહમાં પણ આશરો લઇ રહેલી છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવવાના આરોપ મૂકાયા હતાં. સંરક્ષણ ગૃહ ઉપર પોલીસની રેડ પાડીને દરમિયાન ૪૨માંથી ૨૪ બાળકીઓને છોડાવી પરંતુ ૧૮ છોકરીઓ ગાયબ મળી.
થોડા મહિના પહેલા બિહારના પાટનગર પટનામાં પાંચમા ધોરણમાં ભણતી એક બાળકી સાથે તેની સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા જ બળાત્કાર કરવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકીએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેના માબાપ ડોક્ટર પાસે લઇ ગયાં ત્યારે બહાર આવ્યું તે તે ગર્ભવતી બની ગઇ હતી. બાળકીએ કહ્યું કે તેની શાળાના પ્રિન્સીપાલ અને અને અન્ય એક કર્મચારી તેનું એક મહિનાથી યૌૈનશોષણ કરી રહ્યાં હતાં. એ પહેલા પણ દહેરાદૂનના એક મામલાએ પણ સૌને ચોંકાવ્યાં હતાં. બોર્ડિંગ સ્કૂલમાં ભણતી એક બાળકીનો તેના સીનિયર વિદ્યાર્થીઓએ ગેંગરેપ કર્યો હતો. આ મામલામાં પણ છોકરીએ લગભગ એક મહિના સુધી પોતાનું મોં ન ખોલ્યું. બાદમાં તેને ગર્ભવતી હોવાની શંકા જતા તેણે ઘરના લોકોને જાણ કરી. જોકે બાદમાં ખબર પડી કે તે ગર્ભવતી નહોતી. જોકે આ મામલામાં શાળા પ્રશાસનનું વલણ પણ ચોંકાવનારું હતું. સ્કૂલ પ્રશાસનને સમગ્ર ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઇ જવાને બદલે કે તેના માબાપને જાણ કરવાના બદલે દેશી નુસખાથી તેનો ગર્ભપાત કરાવવાના પ્રયાસો કર્યા.
શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પણ તેમની સાથે થતા દુરાચારની વાત માબાપ સમક્ષ ન કરી શકે તો એમાં દોષ આપણી સમાજ વ્યવસ્થાનો જ છે. બાળકોને સારું જીવન આપવું, તેમના સુખદુઃખનો ખ્યાલ રાખવો એ માબાપની જવાબદારી છે. જ્યારે પડવા આખડવાથી કોઇ ઇજા થાય ત્યારે બાળક ઘરે આવીને તરત માબાપને જાણ કરે છે. તો પછી આટલા મોટા દુરાચારની વાત કહેતા તે શા માટે ખચકાય છે? માબાપ જ પોતાના બાળકોને એ ભરોસો અપાવવામાં નિષ્ફળ રહ્યાં છે કે તે આવી કોઇ વાતની જાણ કરે. આપણા દેશમાં છોકરીઓને એવું શીખવવામાં આવે છે કે તેમની સાથે કંઇ ખરાબ થયું તો એમાં તેનો જ વાંક હશે. એ જ કારણ છે કે છોકરીઓ આવી વાત જાહેર કરતા ખચકાય છે. ભારતમાં છોકરીને ઘરની આબરુ કહેવામાં આવે છે. બેટી સાથે કંઇ પણ અજૂગતું થયું તો ઘર અને પરિવારની બદનામી થાય એવી માનસિકતા છે. આના કરતા તો દીકરીને એવો ભરોસો અપાવવામાં આવતો હોય કે કોઇ પણ પરિસ્થિતિમાં પરિવાર તેની સાથે ઊભો છે તો સારું રહે.
અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય? આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી.
દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત દેશના અઢીસોથી વધારે જિલ્લાઓમાં ચાઇલ્ડલાઇન સર્વિસ ચલાવવામાં આવે છે. બાળકોના ઉત્પીડન અને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો દાવો આ સર્વિસના માધ્યમ દ્વારા કરવામાં આવતો હોવાના દાવા થાય છે પરંતુ લાગે છે કે માસૂમ બાળકીઓની ચીસો આ ચાઇલ્ડલાઇન્સ સુધી પહોંચતી જ નથી.
બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે. એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને ભીડ બનીને લોકોના જીવ લઇ લેતા લોકોને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. જો આવી ઘડીમાં આપણે આપણી જવાબદારી અને ભાગીદારી માટે એક નહીં બનીએ તો માત્ર એક સમાજ તરીકે જ નહીં પરંતુ એક દેશ તરીકે પણ નિષ્ફળ જઇશું.
Comments
Post a Comment