૨૦૧૯નું વર્ષ કિસાનો માટે બખ્ખં-બખ્ખા સમાન રહેશે..

૨૦૧૮નો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસોમાં દેશને મળેલી સૌથી મોટી ભેટમાં ઓઇલના તૂટતા ભાવોનો સમાવેશ થાય છે. બેરલે ૫૦ ડોલર નજીક પહોંચેલું ઓઇલ આગામી ત્રણ મહિનામાં ૪૦ ડોલર પર પહોંચી શકે છે.
ભારતની મોંઘવારી અને આર્થિક તંત્ર ઓઇલના ભાવો પર આધારીત છે. સરકાર તૂટતા ઓઇલનો કેવો લાભ ઉઠાવે છે તે પર બધો આધાર છે. જીવન જરુરી ચીજોના ભાવવધારા માટે ઓઇલના ભાવોને જવાબદાર ગણવામાં આવતા હતા. હવે આર્થિક તંત્ર ઓઇલના પ્રેશરથી મુક્ત છે.
૨૦૧૯નું નવું વર્ષ કિસાનો માટે બખ્ખં-બખ્ખા સમાન સાબિત થવાનું છે. કિસાનોના દેવા માફીનો બોજ બેંકો પર પડવાનો છે.
પરંતુ કિસાનો માટે મોદી સરકાર નવી સ્કીમ તૈયાર કરી રહી છે. તે અનુસાર દરેક કિસાનને ઘર ચલાવવાનો ખર્ચ મળી રહેશે. તેમાં મફત રેશનીંગ પણ હશે અને મફત શિક્ષણની પણ યોજના હશે. સરકારની સ્કીમ બહાર આવે ત્યારે ખરી પરંતુ રાજકીય હુંસાતુંસીનો લાભ કિસાનોને મોટા પાયે મળશે તે પણ હકીકત છે.
કિસાનોની ખરી સમસ્યા રાજકારણીઓ સમજી શકતા નથી અને રાહતોની વહેંચણી કર્યા કરે છે. કિસાનોનું આર્થિક મેનેજમેન્ટ ખાડે ગયેલું છે. તે પોતાના કમાયેલા પૈસાનું યોગ્ય રીતે રોકાણ નથી કરતો કે અન્ય આવકના વિકલ્પ પણ નથી શોધતો. એક સમયે જેને જગતનો તાત કહેવાતો હતો તેણે પોતાના માટે હાથે કરીને લાચાર સ્થિતિ ઉભી કરી છે. આ એક એવો વર્ગ છે કે જેણે પોતાનું સ્થાન દેશના જવાનો સાથે જોડયું હતું.
એટલેજ જય જવાન -જય કિસાન કહેવાતું હતું. માત્ર ત્રણ દાયકામાં તેમની સ્થિતિ બગડી છે એ કેવું? કૃષિક્ષેત્ર એક ધીકતો વ્યવસાય છે. જેના નામે જયજય થતું હતું તેનું નામ વટાવવાના પ્રયાસો ૨૦૧૮માં થયા છે અને ૨૦૧૯માં પણ થતા રહેશે.
નાના ઉદ્યોગો સામે પણ મંદીનો પડકાર ઉભો થયો છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં તેમના માટે કોઇ ફર્ક પડે એમ લાગતું નથી.
આ એક એવો વર્ગ છે કે જે એક લોન ભરપાઇ કરવા બીજી લોન લે છે. આમ તેનું દેવું વધતું રહે છે. આ વર્ગનો બપોર સુધીનો સમય બેંકોમાં જાય છે અને બાકીનો સમય તે વ્યવસાય પર ધ્યાન આપે છે.
આ વર્ગ સસ્તા વ્યાજે લોન શોધતો ફરતો જોવા મળે છે. કૃષિક્ષેત્રે જેમ લોન માફીની વાતો થાય છે એમ તે પણ લોન માફી માંગી રહ્યો છે. કેટલીક રજુઆતો શક્ય નથી હોતી. પરંતુ સરકાર ધારે તો તેમને ક્રેડીટ કાર્ડના બેફામ વ્યાજના ચક્કરમાંથી છોડાવી શકે છે.
મધ્યમ વર્ગને ક્રેડીટ કાર્ડ આપતી બેંકોએ એક રીતે તો તેમને વ્યાજના ચક્કરમાં નાખવાનું કાવત્રુંજ કર્યું છે એમ કહી શકાય. ઇમર્જન્સીમાં કામ લાગે એ આશયથી ક્રેડીટ કાર્ડ લેતા લોકો પૈકી ૯૦ ટકા તેના વ્યાજને ચક્કરમાં ફસાયેલા જોવા મળે છે. આ મધ્યમ વર્ગ છે.
તેમની બાંધી આવક હોય છે. તે વધારાની આવક મેળવવા અહીં-તહીં ફાંફા મારતો જોવા મળે છે. કેટલાક પાર્ટ ટાઇમ નોકરી કરે છે તો કેટલાક કરકસરમાં અટવાયા કરે છે. તેમના સંતાનોના શિક્ષણ માટે પણ તેને લોન લેવી પડે છે.
મધ્યમ વર્ગ સૌથી વધુ કચડાયેલો જોવા મળે છે. સરકાર પાસે સૌને સસ્તા શિક્ષણની કોઇ વ્યવસ્થા નથી. ચોક્કસ આવક થયા પછી સરકારી લાભો પણ બંધ થઇ જાય છે. મોંઘવારીમાં તેમજ દેખાદેખી થતા ખર્ચામાં તે આર્થિક રીતે ધોવાયા કરે છે.
૨૦૧૮ના છેલ્લા દિવસોમાં સૌથી વધુ હેરાનગતી બેંકો સાથે સંકળાયેલા લોકોને થઇ હતી. ત્રણ બેંકોના મર્જરનો વિરોધ યુનિયનોએ કર્યો હતો. જો કે આ વિરોધના કારણે બેંકના કામો અટવાઇ ગયા હતા અને પ્રજા હેરાન થઇ હતી. એક તરફ રિઝર્વ બેંકમાં નવા ગવર્નર છે તો બીજી તરફ આર્થિકતંત્ર નોટબંધી તેમજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કારણે સ્થગીત થયેલું તંત્ર છે. આ બંન્ને મુદ્દા વેપારી આલમ ચર્ચે છે તેના કરતાં વધુ રાજકારણીઓ ચર્ચી રહ્યા છે.
સરકારના દરેક આર્થિક પગલાને નિષ્ફળ ગણાવતો એક વર્ગ છે. ક્યાં તો તે ટીકા કરે છે અથવા તો લોકોને વિરોધ કરવા ઉશ્કેરે છે. આવા લોકોનો દેશના જીડીપીમાં કોઇ ફાળો નથી હોતો. સળગતી સમસ્યાઓના ઉકેલ સાથે બજારમાં આવતા લોકો શોધ્યા મળતા નથી.
સરકાર પાસેના આર્થિક નિષ્ણાતો જડભરત સમાન છે. લોકભોગ્ય વિચારસરણી અપનાવવાના બદલે તે પોતાના વિચારોને મહત્વ આપી રહ્યા છે. ૨૦૧૮ના વર્ષે મંદીની પકડ જોઇ છે. આશા રાખી એકે ૨૦૧૯નું વર્ષ દરેક ક્ષેત્રે હળવાશ અનુભવાય તેવું પસાર થાય.
- પ્રસંગપટ
Comments
Post a Comment