ઇન્ટરનેટ શટડાઉનઃ ડિજિટલ યુગમાં અભિવ્યક્તિની આઝાદીને આંતરવાનો પ્રયાસ

- ભારત આજે ઇન્ટરનેટનું સૌથી ઝડપથી વિસ્તરતું બજાર છે પરંતુ સાથે સાથે નકારાત્મક બાબત એ છે કે ઇન્ટરનેટ બંધ કરવાના મામલે પણ ભારતનો નંબર આખી દુનિયામાં પહેલો છે


ભારત ઇન્ટરનેટનું સૌથી તેજીથી વિસ્તરતું બજાર છે પરંતુ નકારાત્મક બાબત એ છે કે ઇન્ટરનેટ શટડાઉનના મામલે પણ ભારતનો નંબર પહેલો છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ઇન્ટરનેટ બંધ રહેવાના કારણે ત્રણ અબજ ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે. ઇન્ટરનેટ ઠપ્પ થઇ જતાં સામાન્ય લોકો ઉપરાંત ઓનલાઇન વેપાર કરતા અને ઓનલાઇન સુવિધાઓનો લાભ ઉઠાવતા ગ્રાહકો પણ પરેશાન થાય છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સરકારને પત્ર લખીને છાશવારે ઇન્ટરનેટ બંધ કરી દેવા અંગે ફરિયાદ કરી છે કે ઇન્ટરનેટ બંધ થવાથી તેમને પ્રતિ કલાક બે કરોડ ૪૫ લાખ રૂપિયાનું નુકસાન થાય છે.

તાજેતરમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી, ૨૦૧૨થી લઇને ૨૦૧૯ સુધી ભારતમાં કેન્દ્ર સરકારે અથવા તો રાજ્ય સરકારોએ કોઇ ને કોઇ કારણોસર ૩૬૭ વખત ઇન્ટરનેટ બંધ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. એમાંયે આ વર્ષે ૨૦ ડિસેમ્બર સુધી જુદાં જુદાં કારણોસર ૯૫ વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું. જેમાં ૬૦ વખત ૨૪ કલાકથી ઓછા સમય માટે તો ૫૫ વખત ૨૪થી ૭૨ કલાક જેટલા સમય માટે અને ૩૯ વખત ૭૨ કલાકથી વધારે સમય માટે ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું. 

વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન કુલ મળીને ૧૬ હજાર કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું. રાજ્યોની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ ૨૦૧૯ પહેલાં સૌથી વધારે ૧૮૦ વખત જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહ્યું. પાંચ ઓગસ્ટથી લઇને આજ દિન સુધી કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ છે. ૨૭ ડિસેમ્બરે કારગિલમાં ઇન્ટરનેટ ચાલુ થયું છે. વર્ષ ૨૦૧૬માં આતંકવાદી બુરહાન વાની માર્યો ગયો એ પછી વ્યાપેલી અશાંત પરિસ્થિતિ દરમિયાન ચાર મહિના સુધી કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ કરવા માટે સરકારની દલીલ હતી કે પથ્થરબાજી કરવા માટે અથવા તો આંતકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ઇન્ટરનેટનો દુરુપયોગ થાય છે.

સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ટરનેટ સામાન્ય રીતે ચાલતું રહે છે પરંતુ જ્યારે સરકારને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા જાય છે ત્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી જોવા મળી રહ્યું છે કે કોઇ સાંપ્રદાયિક કે રાજકીય તણાવની પરિસ્થિતિમાં ઇન્ટરનેટ પર રહેલી મેસેજિંગ એપ્સ કે પછી સોશિયલ મીડિયા મારફતે ફેક ન્યૂઝ અને અફવાઓ ઘણી તેજીથી ફેલાતી હોય છે. આમાં હિંસા કરવા માટે લોકોને અમુક જગ્યાએ એકઠા કરવા માટે કે પછી બીજી હિંસાત્મક ગતિવિધિઓ આચરવા માટે પ્રેરવામાં આવે છે. 

હાલ જ્યારે દેશમાં નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં ે ત્યારે સુરક્ષાત્મક ઉપાય તરીકે સરકારે ઘણી વખત દેશના અનેક હિસ્સાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે જેથી કરીને લોકોને ખોટી અફવાઓ ફેલાવતા રોકી શકાય. અગાઉ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યો એ સમયે તેમજ રામ મંદિર વિવાદ પર ચુકાદા વખતે પણ દેશના અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું હતું. 

આમ તો દુનિયાભરના દેશોની સરકારોએ પોતાની વિરુદ્ધ ઉઠેલાં આંદોલનોમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ જોતાં ઇન્ટરનેટ પર નિયંત્રણ મૂકવાની અથવા તો એની મર્યાદા નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. મોટા ભાગે આવી સેન્સરશીપને એમ કહીને યોગ્ય ઠરાવવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા આતંકવાદ સામે લડવા માટે આમ કરવું જરૂરી છે. પરંતુ મોટે ભાગે તો એવું જોવા મળે છે કે સરકાર તેને પસંદ ન હોય અથવા તો તે અસહમત હોય એવી સામગ્રીને સેન્સર કરવા માટે જ ઇન્ટરનેટ બૅનનો ઉપયોગ કરે છે. 

એવા સવાલ પણ થાય છે કે આજના ડિજિટલ યુગમાં લોકોને ઇન્ટરેનેટના ઉપયોગ કરવાથી અને ઓનલાઇન વિચારોની અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતાથી વંચિત રાખવા યોગ્ય છે કે કેમ? યૂ.એન.એ તો છેક ૨૦૧૧માં લોકોને ઇન્ટરનેટના ઉપયોગથી વંચિત રાખવાને માનવાધિકારોનું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ ગણાવ્યા હતાં. યૂ.એન. અનુસાર તો ઇન્ટરનેટ સુધીની પહોંચ તમામ માનવીઓનો અધિકાર છે અને કોઇ પણ રાષ્ટ્રએ પોતાના નાગરિકો ઇન્ટરનેટના ઉપયોગથી વંચિત રહે એવા કોઇ નિયમ ન બનાવવા જોઇએ. 

માનવજાતની પ્રગતિ અને વિકાસ માટે તેમજ અસમાનતા વિરુદ્ધ લડવા જેવા અનેક માનવાધિકારો માટે માટે પણ ઇન્ટરનેટ અનિવાર્ય સાધન બની ચૂક્યું છે ત્યારે તમામ દેશોએ ઇન્ટરનેટની સુવિધા બેરોકટોક ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન આપવું જોઇએ. આ વિચારને આગળ વધારતા યૂ.એન.ની માનવાધિકાર પરિષદના સભ્ય તમામ ૪૭ દેશોએ પાંચ જુલાઇ, ૨૦૧૨ના રોજ એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યાં જે મુજબ લોકોને ઇન્ટરનેટ સાથે જોડાવા માટે અને સ્વતંત્ર રીતે વિચારોની અભિવ્યક્તિની ગેરંટી આપવી જોઇએ. 

કેટલાંક દેશોમાં તો ઇન્ટરનેટના ઉપયોગને કાનૂની અધિકારના રૂપમાં માન્યતા મળેલી છે. ૨૦૧૦માં ફિનલેન્ડ પોતાના નાગરિકોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના ઉપયોગને કાનૂની અધિકાર આપનારો પહેલો દેશ બન્યો. ૨૦૧૧માં સ્પેને પણ પોતાના ઇન્ટરનેટને કાનૂની અધિકાર બનાવ્યો. ભારતમાં પણ આ જ વર્ષે કેરળ હાઇકોર્ટે ઇન્ટરનેટના અધિકારને શિક્ષણના મૌલિક અધિકારના એક ભાગ તરીકે અને અનુચ્છેદ ૨૧ અંતર્ગત પ્રાઇવસીના અધિકાર અંતર્ગત માન્યો છે. 

ભારતમાં જોકે ઇન્ટરનેટ શટડાઉન માટે અમુક નિયમો બનાવવામાં આવ્યાં છે. ૨૦૧૭માં ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીઝ પબ્લીક ઇમરજન્સી કે પબ્લીક સેફ્ટી રૂલ્સમાં આ નિયમો બનાવવામાં આવ્યાં છે. જે અનુસાર સ્થિતિને જોતાં કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના ગૃહ સચિવ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપી શકે છે. આ આદેશને પોલીસ અધિક્ષક અથવા તો એનાથી ઉપરની રેન્કના અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી જે-તે વિસ્તારના ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ સર્વિસ પ્રોવાઇડરને આપે છે. 

આ આદેશને બીજા દિવસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની રિવ્યૂ પેનલને મોકલવાનો હોય છે. આ રિવ્યૂ પેનલ આગામી પાંચ દિવસમાં તેની સમીક્ષા કરે છે. કેન્દ્ર સરકારની રિવ્યૂ પેનલમાં કેબિનેટ સચિવ, લૉ સચિવ અને સંચાર સચિવ હોય છે. આ આદેશને ૨૪ કલાકમાં ગૃહ સચિવની અનુમતિ મળવી જરૂરી છે. ૨૦૧૭ પહેલા જિલ્લા ક્લેક્ટર પાસે જિલ્લાનું ઇન્ટરનેટ બંધ કરાવવાનો અધિકાર હતો. સરકાર પાસે ઇન્ટરનેટ ઉપરાંત કૉલ અને મેસેજ બંધ કરાવવાના અધિકાર પણ છે. 

ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરવામાં આવે છે એ સમજવું હોય તો વાઇફાઇને સમજવું જરૂરી છે. જેમ વાઇફાઇ માટે રાઉટરની જરૂર પડે છે એમ મોબાઇલ ફોનમાં ચાલતા ઇન્ટરનેટ માટે પણ રાઉટર જરૂરી છે અને આ રાઉટરનું કામ મોબાઇલ ટાવર કરે છે. ઠેરઠેર ઊભા કરવામાં આવેલા મોબાઇલ ટાવર રાઉટર તરીકે કામ કરે છે. જો રાઉટર બંધ કરી દેવામાં આવે તો વાઇફાઇ બંધ થઇ જાય એમ વાઇફાઇ સર્વિસ પ્રોવાઇડર કંપની પોતાની સર્વિસ બંધ કરી દે તો ઇન્ટરનેટ બંધ થઇ જાય. 

જે રીતે વાઇફાઇના સર્વિસ પ્રોવાઇડર હોય એમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હોય છે. મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ આઇએસપી હોય છે. સરકાર જાતે તો ઇન્ટરનેટ બંધ કરી શકે એટલા માટે તે સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપે છે. આવી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સરકારી પણ હોય છે અને ખાનગી પણ હોય છે. સરકારી કંપનીઓ પર તો સરકારનું નિયંત્રણ હોય છે જ્યારે ખાનગી કંપનીઓને સરકાર લાયસન્સ આપે છે.

એવામાં જો ખાનગી કંપનીઓ સરકારના આદેશનું પાલન ન કરે તો તેમનું લાઇસન્સ રદ્ થઇ શકે છે. સરકારનો આદેશ મળતા સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડિવાઇસીસ બંધ કરી દે છે. જેના કારણે ફોનમાં સિગ્નલ દેખાવા છતાં ઇન્ટરનેટ ચાલતું નથી. જે વિસ્તારનું ઇન્ટરનેટ બંધ કરવાનું હોય એ વિસ્તારના ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડિવાઇસીસ બંધ કરી દેવામાં આવે છે. 

કેટલીક વખત સરકાર માત્ર અમુક વેબસાઇટની એક્સેસ બંધ કરી દે છે. થોડા સમય પહેલા સરકારે ૭૦૦ જેટલી પોર્ન વેબસાઇટ્સની એક્સેસ બંધ કરી દીધી હતી. વેબસાઇટ વળી પાછી બે રીતે બંધ થાય છે. પહેલી રીત છે વેબસાઇટના સર્વરને જ બંધ કરી દેવું. જો કે એ માટે વેબસાઇટનું સર્વર સરકારના અધિકાર ક્ષેત્રમાં હોવું જોઇએ. વિદેશોથી ચાલતી વેબસાઇટ્સના સર્વર પણ બીજા દેશોમાં હોય છે એવા સંજોગોમાં સરકાર એ સર્વરો બંધ ન કરી શકે.

બીજી રીતમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને નોટિસ આપીને એવા ડૉમેન બ્લોક કરી દેવામાં આવે છે. એ સંજોગોમાં કોઇ વ્યક્તિ બ્રાઉઝરમાં એ વેબસાઇટનો એડ્રેસ નાખે તો પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એ વેબસાઇટ ખોલતા નથી.  આજના સમયમાં જોકે ઇન્ટરનેટ પરની નિર્ભરતા વધી ગઇ છે. માહિતીના આદાનપ્રદાન, સંચાર, વેપાર, શિક્ષણ, મનોરંજનની સાથે સાથે રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો