2019ને બાયબાય : 2020ની શુભ શરૂઆત


અમદાવાદ, તા. 31 ડિસેમ્બર, 2019, મંગળવાર

ઉત્સાહ અને ઉજવણી સાથે દુનિયાએ અંગ્રેજી વર્ષ 2019ને વિદાય કરી નવા વર્ષ 2020માં પ્રવેશ કર્યો હતો. આ તકે દુનિયાભરમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

દુનિયાના અગ્રણી શહેરો ન્યુયોર્ક, લંડન, ટોકિયો, સિડની વગેરેમાં આતશબાજી સહિતના ન્યુયરને વેલકમ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. તો ભારતમાં પણ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં પ્રજાએ થનગનાટ પૂર્વક કડકડતી ઠંડીમાં પણ જાગીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

જ્યાં જનમેદની ઉમટી હતી એવા સ્થળોએ સુરક્ષા માટે વાહન વ્યવહાર મર્યાદિત કરી દેવાયો હતો. ઑસ્ટ્રેલિયામાં આગ લાગેલી હોવા છતાં સિડની ખાતેનો ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ય શહેરોમાં લોકો રસ્તા પર અને વિવિધ ચોકમાં ઉમટીને ડાન્સ કર્યો હતો.  ગૂગલે પણ ફટાકડા ફૂટતાં હોય એવુ ડૂડલ બનાવ્યું હતું. 

ટેકનોલોજિનો ઉદય-સેલ્ફિનો દાયકો

20મી સદીના 19 વર્ષ એટલે કે ટિનેજ (કિશોરાવસ્થા) પુરી થઈ હતી. હવે સદી 20મા વર્ષમાં પ્રવેશી છે. આ સદી જગતને ટેકનોલોજિની ક્રાંતિ તરીકે યાદ રહેશે. કેમ કે આપણે વાપરીએ છીએ સ્માર્ટફોન, થ્રીજી-ફોરજી નેટવર્ક, મેસેજિંગ એપ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, ટ્વિટર જેવા માઈક્રોબ્લોગિંગના વિકલ્પો.. વગેરેનો વ્યાપક ઉપયોગ આ દાયકા દરમિયાન જ સૌથી વધુ થવાની શરૂઆત થઈ હતી. સ્માર્ટ મોબાઈલ ફોન દ્વારા જ ખરીદી, પેમેન્ટ, ઘર બેઠા ઓર્ડર, ઘરે બેઠે વેપાર, ટેક્સિ સર્વીસ,  ઓનલાઈન ફૂડ સર્વિસ વગેરે આ દાયકાની જ દેન છે. આ દાયકામાં લોકોએ સૌથી વધુ શું લીધું? અફકોર્સ સેલ્ફી. 20મી સદીના પહેલા દાયકામાં કેમેરાવાળા ફોન આવ્યા હતા. જ્યારે સેલ્ફી લઈ શકાય એવા ફ્રન્ટ કેમેરા ધરાવતા ફોન વીસમી સદીના બીજા દાયકામાં વ્યાપકપણે વપરાતા થયા હતા. એ રીતે ઓનલાઈન જ ફિલ્મો-સિરિયલો જોવાની શરૂઆત પણ આ દાયકામાં થઈ હતી.

ડેટાનો વેપાર, સલામતીની કિંમત

ડેટા એટલે માત્ર ઈન્ટરનેટ કનેક્શનમાં મળતા ગિગાબાઈટ નહીં. પરંતુ અંગત માહિતીની સુરક્ષા, તેનો વેપાર, માહિતીની લે-વેચ, ચોરી-ચપાટીના બનાવો વધ્યા અને વધશે. જોકે ઘણા ખરા ઈન્ટરનેટ વપરાશકારો પોતાની માહિતી કઈ રીતે ચોરી થાય છે એ વિગતથી વાકેફ નથી. પરંતુ આખા જગતમાં જો કોઈ નવા વેપારે જન્મ લીધો હોય તો એ અંગત માહિતીનો વેપાર છે. 

આ વેપારને કારણે જ વારંવાર સાઈબર હુમલા, ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ વગેરે જેવા કારસ્તાન પણ વધ્યા છે. પોતાના ડેટાની સલામતી માટે હવે લોકોએ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. 

પર્યાવરણ અને અશાંતિ

આ દાયકામાં દર વખતે જોવા મળે એવી વૈશ્વિક અશાંતિએ પણ હાજરી પુરાવી હતી. સિરિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, લિબિયા.. સહિતના ડઝનબંધ દેશઓ સળગતાં રહ્યા.

સમાંતર સત્તા સ્થાપવાની મુરાદ સાથે આઈસિસ જેવુ આતંકી સંગઠન મેદાને પડયું અને લગભગ ખતમ પણ થઈ ગયું. સત્તા બદલવા માટે પ્રજાએ રસ્તા પર ઉતરવું પડયું, તો વળી શાંતિની શોધમાં લાખો લોકો અન્ય દેશોમાં શરણાર્થી બન્યા. 

ધરતીનું સતત વધી રહેલું તાપમાન અને બેકાબુ બની રહેલું વાતાવરણ હવે જગત માટે પ્રાયોરિટીના ધોરણે ચિંતા કરવી પડે એવો વિષય બન્યો છે. પર્યાવરણની જાળવણી ન થવાને કારણે જ આ દાયકામાં અનેક આફતનો સામનો કરવો પડયો. પર્યાવરણ સંરક્ષણ માટે સોલાર, વિન્ડ, થર્મલ, ન્યુક્લિયર વગેરે ઊર્જાનો વપરાશ પણ વધ્યો.

ઑલ ઈઝ વેલ

આ બધી સ્થિતિ વચ્ચે પણ લોકોએ જૂની ચિંતાઓ ખંખેરી નાખી આખા જગતમાં નવા વર્ષને આવકાર્યું હતું. ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો દેશ-પરદેશમાં હોલીડે મનાવવા જતા રહ્યાં હતા તો સામાન્ય નાગરિકોએ પોતાના બજેટ પ્રમાણે ટૂર ગોઠવી હતી. પરંતુ રોજિંદી ભાગદોડને ભૂલી જવા માટે નવા વર્ષની ઉજવણી કરવાની તક છોડી ન હતી.

સામોઆ : નવા વર્ષમાં પ્રથમ પ્રવેશ કરનારો દેશ

સુર્ય પૂર્વમાંથી ઉગે એટલે પૂર્વમાં આવેલા દેશમાં જ નવું વર્ષ સૌથી પહેલા આવે. પૃથ્વી ગોળ છે એટલે ક્યા દેશને પૂર્વમાં ગણવો એ વળી બીજી મૂંઝવણ થાય. પરંતુ આતંરરાષ્ટ્રીય ધોરણે નક્કી થયેલી દિનાંક રેખા (ડેટ લાઈન) પછી જે દેશ પહેલો આવે ત્યાં પ્રથમ દિવસ ઉગ્યો ગણાય.

એ હિસાબે દક્ષિણ પેસેફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે આનેલા નાનકડા ટાપુ દેશ સામોઆએ સૌથી પહેલા નવા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. નવા વર્ષના સાક્ષી બનવા માટે આ દેશમાં દર વર્ષે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ઉમટે છે. સામોઆની સમાંતર જ ક્રિસમસ અને કિરિબાસ ટાપુઓ આવેલા છે. એ ટાપુ દેશોનો સમાવેશ પણ નવા વર્ષમાં સૌથી પ્રથમ પ્રવેશ કરનારા રાષ્ટ્રો તરીકે થાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો