મહંગાઈ ડાયન ખાએ જાત હૈ
ભારતીય અર્થતંત્રને દોડતું કરવું હોય તો આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને નાણાં પ્રધાન બનાવી દેવા જોઈએ
પ્રાયોરિટી શું? એ સમજવું સૌથી અગત્યનું છે. વળી જ્યારે આપણે પ્રાયોરિટીને પ્રાયોરિટી ન આપીએ ત્યારે સમસ્યા વધુ વિકટ બને છે. ધારો કે હૉસ્પિટલમાં એક ઇમર્જન્સી કેસ આવે ત્યારે ડૉક્ટર કેસ એટેન્ડ કરવાને બદલે પેરા મેડિકલની કોઈ જૂની ભૂલનો મુદ્દો ઉખાડીને બેસી જાય તો? ડૉક્ટરસાહેબ તાત્કાલિક સારવાર આપવાને બદલે ઝોમેટોમાં પીઝા સર્ચ કરવા માંડે તો?
આ સમય છે પીઝા ખાવાનો? આ સમય છે નર્સની ભૂલ કાઢીને તેને ખખડાવાનો? ના, અત્યારે કોઈ જૂનો ઝઘડો કે ભૂખ બધું ભૂલી જઈ દર્દીની સારવારમાં લાગી પડવું જોઈએ. બેહાલ ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પણ પેલા દર્દી જેવી છે. કોઈ જૂના ઝઘડા કાઢીને બેઠું છે, કોઈ પોતાની ભૂખ ભાંગવામાં બિઝી છે. નીડ ઑફ ધ અવર શું છે એ સમજવા માટે કોઈ તૈયાર નથી. ન રાજા, ન રૈયત. કોઈ નહીં. કોઈ એટલે કોઈ નહીં. કોઈ કરતા કોઈ નહીં.
મંદી ઉપર મોંઘવારી એટલે ઘા ઉપર ઘસરકો. દાઝ્યા પર ડામ. એકબાજુ લોકો પાસે પૂરતું કામ નથી, પૂરતા પૈસા નથી. બીજી બાજુ ચીજો મોંઘી થઈ રહી છે. બધી ચીજો નહીં, જીવન જરૂરી ચીજો. મોબાઇલ સસ્તો થાય તો તેને બટકા થોડા ભરાય છે! તેમાં મુખ્યપણે ખાદ્યાન્ન. અનાજ, શાકભાજી વગેરે વગેરે. નવેમ્બર મહિનાના અંતે મોંઘવારીનો દર સાડા ૫.૫૪ ટકા નોંધાયો. સાત વર્ષમાં સૌથી ઊંચો. સૌથી વધુ અસર ખાદ્ય પદાર્થને છે. ખાદ્ય પદાર્થોના ભાવ છેલ્લા છ વર્ષમાં સર્વાધિક છે. આ ઘરના આંકડા નથી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (કેન્દ્રીય આંકડાકીય કચેરી)ના છે.
આ મોંઘવારી મોસમી હોત તો ડિસેમ્બરના અંત સુધીમાં તેની અંત્યેષ્ટિ થઈ જાત, પરંતુ તેવું થયું નહીં. અર્થાત્ આ મોંઘવારી દીર્ઘકાલીન છે. આવનારા દિવસોમાં શુક્લપક્ષના ચંદ્રની જેમ વધવાની છે.
મોદી સરકાર આવી છે ત્યારથી લોન સસ્તી કરવા પર જોર આપતી રહી છે. આ માટે તે આરબીઆઈને વ્યાજ દર ઘટાડવા અવિરત પ્રેશર કરી રહી છે, પણ હવે તેમાંય તળિયું આવી ગયું છે. રીઝર્વ બેંકે વ્યાજ દર વધુ નીચે લઈ જવાની ઘસીને ના પાડી દીધી છે. યાને કે વ્યાજ દર નીચા લઈ જઈને મોંઘવારી નીચે લઈ જવાની ટ્રિક હવે કારગત નીવડે તેમ નથી. અત્યારે લોન ઓછા વ્યાજે ઉપલબ્ધ છે તોય અર્થતંત્રમાં સ્પાર્ક નથી આવતો તો વિચારી જુઓ કે આર્થિક સમસ્યાના મૂળિયા કેટલા ઊંડા હશે!
૧૦ ટકા જીડીપી હોય ત્યારે પાંચ ટકા ફુગાવો હોવો સામાન્ય વાત છે. તે સાવચેત જરૂર કરે, પણ ચિંતિત નહીં. જેણે પણ અર્થશાસ્ત્ર વાંચ્યું છે તેઓ પાકે પાયે જાણે છે કે વિકાસ દર વધે તેમ ફુગાવો પણ વધતો હોય છે, પણ અહીં સ્થિતિ બિલકુલ વિપરીત છે. જીડીપી ગ્રોથ રેટ ૪.૫ ટકા છે અને ફુગાવો ૫.૫૪ ટકા. મોંઘવારીનો દર વિકાસદર કરતા આગળ વધી ગયો તે વાત કેવી ખતરનાક?
ગત ચૂંટણીમાં વડા પ્રધાન મોદી કહેતા હતા કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ વખતે પહેલી વખત મોંઘવારી મુદ્દો જ નથી. મોંઘવારી ન હોવા વિશે તેમણે ક્રેડિટ લીધેલી તો સ્વાભાવિક છે કે મોંઘવારી મુદ્દે તેમની જ સરકારની ટીકા થાય. ડુંગળીના ભાવ સાંભળીને રડવું આવે છે તો બટેટાના ભાવ આફરો ચડાવી દે છે.
ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકારે વિદેશથી ડુંગળી મગાવી લીધી છે. પણ ખાલી ડુંગળીની વાત નથી. એક મહિનામાં શાકભાજીના ભાવમાં રાબેતા મુજબ કરતા ૧૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરનો અંત આવે ત્યાં સુધીમાં ભાવ વધારાનો અંત આવવાની પણ રાહ જોવાતી હતી. તેવું થયું નથી.
ખાદ્યાનના ભાવ કંટ્રોલમાં રાખવા એ દરેક સરકારની પ્રાથમિકતા હોય છે. કેમ કે આમ આદમીને સૌથી પહેલા અસરકર્તા પરિબળ તે છે. ઝૂંપડાથી લઈને બંગલા સુધી બધાને પેટ છે અને બધા અનાજ અને ખાણીપીણીના ભાવથી પ્રભાવિત થતા હોય છે. આથી જ્યારે ફૂડ મોંઘું થાય ત્યારે અખબારમાં તરત હેડલાઇન બને છે. સીએએ અને એનઆરસી મામલે હરખઘેલી બનેલી સરકાર આ બાબત ભૂલી જ ગયેલી. લેખની શરૂઆતમાં જ કહ્યુંને, હજૂરને પ્રાયોરિટી નથી સમજાતી.
સીએસઓએ નવેમ્બરના આંકડા ડીસેમ્બરમાં જાહેર કર્યા. તદાનુસાર આવાસ ફુગાવો ૪.૫૮ ટકાથી ઘટીને ૪.૪૯ ટકા થઈ ગયો છે. ડુંગળી ન પોસાતી હોય તો ફ્લેટ ખરીદી લો! સારું છે કોઈ આવું નથી કહેતું. કપડાં અને ફુટવેરનો ફુગાવો ૧.૬૫ ટકાથી ઘટીને ૧.૩૦ ટકા થઈ ગયો છે. શાકભાજીનો ફુગાવો ૨૬ ટકાથી વધીને ૩૬ ટકા થઈ ગયો છે! દાળનો ફુગાવો ૧૧.૭૨ ટકાથી વધીને ૧૩.૯૪ ટકા થઈ ગયો છે. અનાજની મોંઘવારી ૨.૧૬ ટકાથી વધીને ૩.૭૧ ટકા થઈ ગઈ છે. શાકભાજીના ભાવ એવા ભડકે બળે છે કે તેને અડી શકાય એમ નથી.
કોઈ ઇન્ફ્લેશન ૩.૫ ટકા હતું તેમાં ખાસ ફેરફાર થયો નથી તેની પાછળ પણ એક ગૂઢ રહસ્ય છે. કોર ઇન્ફ્લેશન ગણતી વખતે પેટ્રોલ-ડીઝલને અને ખાદ્ય પદાર્થોને ધ્યાને લેવામાં આવતાં નથી. એટલે જ રીટેઇલ ફુગાવો ઝપાટાભેર વધી રહ્યો છે તોય કોર ઇન્ફ્લેશન જેમનું તેમ છે.
સિંગતેલના ભાવ અઠવાડીયામાં ૨૦૦ રૂપિયા વધ્યા તે મુદ્દે મિલર્સ એસોસિએશન એવો બચાવ કરે છે કે ભાવ વધ્યા તે વાત ખેડૂતો માટે સારી કહેવાય. ખરેખર એવું છે? ના. નથી. કેમ? કારણ કે જથ્થાબંધ ચીજવસ્તુઓનો ફુગાવો સાવ નીચો છે. તેમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. જો સિંગતેલના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળતો હોય તો તો હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન પણ વધવું જોઈતું હતું. દરેક ખાદ્ય પદાર્થમાં ઊંચા ભાવનો લાભ વેપારીઓને જ મળે છે. કિસાનોને નહીં.
કોર ઇન્ફ્લેશન સ્થિર છે અને ફુડ ઇન્ફ્લેશન ભાગ્યે જાય છે એનો અર્થ એમ કે લોકો ખાણીપીણી સિવાયની ચીજોની ખરીદી કરવામાં કંજૂસી કરી રહ્યા છે.
કંજૂસી કરવાનાં બે કારણ. ૧) આ લોકો પાસે એટલા પૈસા જ નથી કે જીવન જરૂરિયાત સિવાયની ચીજો ખરીદે. ૨) આ લોકો પાસે પૈસા છે, પરંતુ તેમને દેશમાં અશાંતિ વધવાનો ભય લાગી રહ્યો હોવાથી તેઓ કંજૂસી કરી રહ્યા છે. આ પ્રમાણે સરકાર અત્યારે દેશમાં સેન્સેટીવ મુદ્દા ઉપાડીને આર્થિક મંદીમાં ફસાયેલા દેશને વધુ ઊંડા વમળમાં ધકેલવાના પ્રયત્નો કરી રહી છે. સંનિષ્ઠ પ્રયત્નો. એવું ન કરવું જોઈએ.
જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજોની ડીમાન્ડમાં આવેલી ઘટ મંદીને વધુ ગાઢ બનાવશે અને અત્યારે જે લોકો નિમ્ન મધ્યમ વર્ગમાં આવે છે તેઓ મક્કમપણે ગરીબી તરફ કૂચ કરશે! તેમની આ યાત્રામાં વિઘ્ન આવે, આ યાત્રા થંભી જાય તે અત્યાવશ્યક છે.
કઈ રીતે ખેડૂતોને મોંઘવારીનો લાભ મળતો નથી અને કઈ રીતે વેપારીઓ જ મલાઈ ઝાપટી જાય છે તે વાત વધારે સારી રીતે સમજવા માટે ઑક્ટોબરના આંકડા જોઈએ. ઑક્ટોબરમાં રીટેલ ફુગાવો ૧૬ મહિનામાં સૌથી ઊંચો ૪.૬ ટકા હતો. જ્યારે જથ્થાબંધ ફુગાવો તેનાથી વિપરીત કેવળ ૦.૧૬ ટકા હતો. અર્થાત્ જે ચીજોના આપણે મોંઘા દામ ચૂકવીએ છીએ તેનો ખેડૂતોને લાભ નથી મળતો.
અર્થાત્ ખેડૂત કંગાળનો કંગાળ છે. ખેડૂત કમાતો ન હોવાથી ગામડાંમાંથી ચીજવસ્તુઓની માગ ઘટી છે. આજની તારીખે પણ ૫૦ ટકા કરતા વધુ ભારત ગામડાંમાં વસે છે. એવામાં ગામડાંમાં ચીજવસ્તુઓની ડીમાન્ડમાં ઘટાડાની ઇકોનોમી પર કેવડી અસર થાય વિચારો. ગામડાંનો પૈસો જ્યાં સુધી બજારમાં ફરતો ન થાય ત્યાં સુધી ભારતીય અર્થતંત્રની ચક્કી ચાલવાની નથી.
કોણે કહ્યું મંદી છે? મોલમાં જઈને જુઓ ત્યાં કેટલી ભીડ છે. કોણે કહ્યું મંદી છે? ફિલ્મો ૧૦૦-૧૦૦ કરોડનો વકરો કરી રહી છે. આવી દલીલ કરીને પત્રકારોને ચૂપ કરી શકાય છે, અર્થતંત્રને દોડતું કરી શકાતું નથી. એટલે બહેતર છે કે ગૌણ બનાવી દેવામાં આવેલા આ મુદ્દાને બીજુ બધું જ ભુલાવી દઈને મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવે. જો એવું નહીં થાય તો ભારતની આમ જનતાના જીવન પર, તેના ખીસા પર, તેના ગલ્લા પર દીર્ઘકાલીન અસર પડશે.
આઇઆઇએમ-અમદાવાદ અને ઇંગ્લેન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા અરવિંદ સુબ્રમણ્યમની ગણના વિશ્વના ટોચના અર્થશાસ્ત્રીઓમાં થાય છે. ત્રણ વર્ષ તેઓ એનડીએ સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા. તેઓ કહે છે, ભારત પર જે આર્થિક સંકટ આવ્યું છે તે સામાન્ય નથી. બહુ જ ગંભીર છે. અર્થ તંત્રના મુખ્ય ઇન્ડિકેટર્સ કાં તો નેગેટીવ છે અથવા તેમાં સમ ખાવા પૂરતી વૃદ્ધિ છે. આયાત-નિકાસથી માંડીને રોકાણ સુધી બધે જ સુસ્તી છે. તેના કારણે લોકોની આવક ઘટી છે અને સરકારને મળતું રાજસ્વ (ગુજરાતીમાં કહીએ તો ટેક્સની આવક) પણ.
તેમનું કહેવું છે કે દેશ અત્યારે ટ્વીન બેલેન્સશીટની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ટીબીએસ (ટ્વીન બેલેન્સશીટ) સમસ્યા ક્યારે પેદા થાય? જ્યારે કોર્પોરેટ્સને આપેલી લોનના નાણાં ખોટા થઈ જાય ત્યારે. થોડું ટેકનિકલ છે, પણ દેશને પ્રેમ કરતા હોઈએ તો જરાક મગજમારી અર્થશાસ્ત્રને સમજવામાં પણ કરવી જોઈએ. ટીબીએસ સંકટ કેવી રીતે પેદા થયું? નોટબંધી પછી બેંકો પાસે ખૂબ પૈસા વધી ગયા હતા. બેંકોએ પૈસા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ઉધાર આપ્યા.
એનબીએફસી (નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની)ઓએ તે પૈસા રિયલ એસ્ટેટમાં રોકેલા. ને રિયલ એસ્ટેટ સુસ્ત ચાલતું હોવાથી દેશમાં મંદીનો વાયરો ફુંકાઈ રહ્યો છે. દેશના મોટા-મોટા શહેરોમાં ૧૦ લાખ ફ્લેટ્સ અને મકાન વેચાયા વિનાના પડેલા છે. આ મકાનોની કિંમત રૂા.આઠ લાખ કરોડ થાય છે. રૂા.૮૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦! આઠડા પછી ૧૨ મીંડા. જટિલ અર્થ સંકટના કાળીનાગને નાથવા માટે સરકારે બૌદ્ધિકોની કદર કરવાની જરૂર છે.
આઇએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ પણ કહી રહ્યા છે કે ભારત અત્યારે મંદીના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તે આશાવાદ પણ આપે છે કે ભારતને મંદીમાંથી ઉગારવા આર્થિક સુધારા લાગુ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. ગીતા ગોપીનાથને ભારતના નાણાં પ્રધાન બનાવી દેવા જોઈએ.
નોટબંધી ભૂલી જઈએ. સરકારે કરેલી ભૂલો ભૂલી જઈએ. નવેસરથી શરૂ કરીએ. ભારત અત્યારે એવા મુકામ પર છે કે થોડા વર્ષો આપણે ધ્યાન રાખીશું તો દેશ કૂદકે ને ભૂસકે આર્થિક વિકાસ કરતો ક્યાંનો ક્યાં પહોંચશે.૧૩૦ કરોડની જનતામાંથી મોટા ભાગની જનતા સુખ-સમૃદ્ધિનો સ્વપ્નવત્ સ્વાદ માણી શકશે. આ સમય ભાવનાઓમાં વહી જવાનો નથી. આ સમય હુંસાતુંસીનો નથી. આ સમય લક્ષ્ય પર નજર રાખીને દોટ મૂકવાનો છે. સાપ અને સીડી બંને આપણી નજર સામે છે. પસંદગી આપણે કરવાની છે.
આજની નવી જોક
લલ્લુ (હોટલવાળાને) ડુંગળીની છાલ આપોને.
હોટલવાળોઃ ડુંગળીની છાલનું શું કરશો?
લલ્લુઃ છોકરીવાળા જોવા આવવાના છે. ડસ્ટબિનમાં ડુંગળીની છાલ પડી હોય તો વટ પડેને.
હોટલવાળોઃ હેં!?
Comments
Post a Comment