લશ્કરની ત્રણેય પાંખના એક જ વડા : રાવત પ્રથમ સીડીએસ


પરમાણુ શસ્ત્રો અંગેના સ્ટ્રેજિક ફોર્સ કમાન્ડના સલાહકાર તરીકે પણ કામ કરશે

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2019, સોમવાર

ભારત સરકારે આજે પ્રથમ વાર ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરી છે. સીડીએસના ટૂંકા નામે ઓળખાતા આ હોદ્દા પર આજે નિવૃત્ત થઈ રહેલા લશ્કરી વડા જનરલ બિપીન રાવતની નિમણૂક થઈ છે.

ઘણા સમયથી સીડીએસના નામની ચર્ચા ચાલી રહી હતી. નોર્ધન કમાન્ડના આર્મી વડા લેફ્ટનન્ટ જનરલ રણબિર સિંહનું નામ આ હોદ્દા માટે ચર્ચામાં આવ્યું હતું. સીડીએસની નિમણૂક એ આઝાદ ભારતના સંરક્ષણ ઇતિહાસનો સૌથી મોટો સુધારો ગણાય છે. 

સીડીએસએ લશ્કરી કરતાં વધારે વ્યુહાત્મક હોદ્દો છે. સીડીએસનું કામ ત્રણેય સેના અને સરકાર વચ્ચે સંકલન સાધવાનું છે. યુદ્ધ જેવી સ્થિતિમાં આ પોસ્ટ મહત્ત્વની સાહિત થાય છે. માટે જ કારગીલ યુદ્ધ પછી રચાયેલી સમિતિએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું. કારગીલના 20 વર્ષ પછી સરકારે એ સૂચન સ્વીકાર્યું છે.

સરકારે રજૂ કરેલા માહિતી પ્રમાણે સીડીએસનું કામ સરકારને સંરક્ષણ મુદ્દે સલાહ આપવાનું રહેશે. આ ઉપરાંત અતી મહત્ત્વના કહી શકાય એવા સ્ટ્રેજિક કમાન્ડ ફોર્સ અંગે પણ તેઓ સલાહ આપશે. સ્ટ્રેજિક કમાન્ડ ફોર્સ હેઠળ દેશના તમામ પરમાણુ શસ્ત્રો આવે છે.

આ કમાન્ડની આગેવાની સીધી વડા પ્રધાનના હાથમાં હોય છે. સીડીએસ માટે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન બહાર આવેલા નોર્થ બ્લોકમાં સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના વડાની ઑફિસ સાથે જ ઑફિસ તૈયાર કરી દેવાઈ છે. સરકારી જોગવાઈ પ્રમાણે સીડીએસ 65 વર્ષ સુધી હોદ્દા પર રહી શકશે. 

અમેરિકા સહિત ઘણા દેશોમાં સીડીએસ અથવા એ સમકક્ષ હોદ્દો છે. ત્યાં એ અધિકારીઓ યુદ્ધમાં સીધો ભાગ પણ લેતાં હોય છે. ભારતમાં સીડીએસ યુદ્ધની સ્થિતિ વચ્ચે સીધા જ સક્રિય થાય એવી શક્યતા હાલ નથી. પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો સામાન્ય રીતે સીડીએસની પોસ્ટ રાખતા હોય છે. 

ભારતમાં લશ્કરી સાધન સામગ્રીની ખરીદી અત્યંત ધીમા દરે થતી હોય છે. તેમાં ઝડપ આવે એ માટે પણ સીડીએસ કામગીરી કરશે. સીડીએસનો સીધો લાભ એ છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં સંરક્ષણની ત્રણેય પાંખ વચ્ચે વિના વિલંબે સંકલન સાધી શકાશે.

કારગીલ વખતે ડિફેન્સની ત્રણેય પાંખ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. તેના કારણે નિર્ણય પ્રક્રિયા મોડી થતી હતી. યુદ્ધની સ્થિતિમાં નિર્ણયો બનતી ઝડપે લેવાના હોય છે.  એ સંજોગોમાં સીડીએસની ભૂમિકા મહત્ત્વની સાબિત થશે. 

આ નિમણૂક સરકારની આક્રમકતા સૂચવે છે?

આ એપોઈન્ટમેન્ટ દ્વારા સરકારે એક કાંકરે અનેક પક્ષી સાધ્યા છે. ભારતમાં પ્રજાને સંદેશો આપ્યો છે કે સુરક્ષા બાબતે સરકાર સમાધાન કરવાના મૂડમાં નથી. બીજી તરફ પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો પણ આ નિમણૂક દ્વારા સાનમાં સમજી શકશે. સરકાર સંરક્ષણ અને સરહદી સુરક્ષા મુદ્દે આક્રમક છે, એવો મેસેજ આ એપોઈન્ટમેન્ટ દ્વારા લાગતા-વળગતાને મળી રહે છે. 

આઝાદી વખતનું સૂચન

કારગીલ રિવ્યુ સમિતિએ સીડીએસની ભલામણ કરી હતી. એ પહેલા આઝાદી વખતે ભારતના વાઈસરોય માઉન્ટ બેટને પણ સીડીએસનું મહત્ત્વ પારખી આ પોસ્ટ ઉભી કરવા કહ્યું હતું. તો વળી 1982માં જનરલ વી.કે.ક્રિષ્નારાવે પણ સીડીએસની તરફદારી કરી હતી. એ સિવાયની પણ સંરક્ષણ સબંધિત વિવિધ સમિતિઓ વારંવાર સીડીએસની ભલામણ કરી ચૂકી છે.

ડિફેન્સની કામગીરીમાં કોઈ ફરક પડશે?

લશ્કરની ત્રણેય પાંખના વડા સીધા જ સંરક્ષણ મંત્રી સાથે કામ કરતાં હોય છે અને કરતા જ રહેશે. સીડીએસની નિમણૂકથી તેમની કામગીરીમાં કોઈ ફરક પડશે નહીં. સીડીએસ એ કામગીરમાં કોઈ દખલ કરશે નહીંં. ત્રણેય પાંખના વડાઓ પણ સરકાર સાથે જે મુદ્દે ચર્ચા કરવી હોય એ કરી શકશે, સલાહ આપી શકશે.

સીડીએસ અને ફિલ્ડ માર્શલ વચ્ચે તફાવત

ભારતના ઈતિહાસમાં ત્રણ સૈન્ય અધિકારીઓને ફિલ્ડ માર્શલ (ફાઈવ સ્ટાર જનરલ)નો હોદ્દો અપાયો છે. આ ત્રણેય અધિકારીઓમાં ફિલ્ડ માર્શલ કે.એમ.કરીઅપ્પા, ફિલ્ડમાર્શલ સામ માણેકશૉ અને માર્શલ ઑફ ધ એરફોર્સ અર્જનસિંહનો સમાવેશ થાય છે. આ હોદ્દાઓ એ સન્માન સૂચક છે. તેમના અસાધારણ પ્રદાનને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યા હતાં. તેનાથી તેમની કામગીરમાં કોઈ ફરક આવ્યો ન હતો. જ્યારે સીડીએસ એ ત્રણેય પાંખના વડાની સમકક્ષનો જ હોદ્દો છે, કોઈ વિશિષ્ટ સન્માન નથી. તેમની કામગીરી પણ ફિલ્ડ માર્શલ કરતાં અલગ છે. ફિલ્ડ માર્શલ બનતા અધિકારીને ફાઈવ સ્ટાર અફસરનો દરજ્જો મળે છે, જ્યારે સીડીએસ એ ફોર સ્ટાર અધિકારી જ હોય છે. ત્રણેય સેનાના વડા પણ ફોર સ્ટાર અધિકારી હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો