પાકિસ્તાન સૈન્યએ આતંકીઓ સાથે હાથ મિલાવ્યા, ભારતીય સૈન્ય એલર્ટ
સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહેતા ગફૂરે મદરેસાની મુલાકાતની તસવીરો શેર ન કરી છતા પકડાઇ ગયા
ઇસ્લામાબાદ, તા. 29 ડિસેમ્બર, 2019, રવિવાર
એવા અહેવાલો છે કે પાકિસ્તાન સૈન્યએ હાલ આતંકીઓની સાથે હાથ મિલાવીને ભારતમાં કોઇ મોટા હુમલાનું આયોજન કર્યું છે જેને પગલે ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન સૈન્યનું જાહેરમાં આતંકીઓએ સ્વાગત કર્યું હોવાની તસવીરો અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સૈન્ય હાલ આતંકીઓની સાથે સત્તાવાર રીતે ભળી ગયું છે અને કોઇ મોટા હુમલાને ગમે ત્યારે અંજામ આપી શકે છે. સરહદે પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવા માટે જ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાન સૈન્ય અને આતંકીઓ ગળે ભેટી રહ્યા છે.
ગત 27મી તારીખે પાકિસ્તાન સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કરાચીમાં જામીયા રાશિદા મદરેસાની મુલાકાત લીધી હતી. આ મદરેસા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું છે. અને જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન છે જે ભારતમાં મોટા હુમલાઓ કરી ચુક્યું છે. આ તસવીરો ત્યારે સામે આવી રહી છે જ્યારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લેક લિસ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે.
જોકે નવાઇની વાત એ છે કે પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા ગફૂરે આતંકીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ દરેસાની મુલાકાત લીધી હતી પણ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ક્યાંય પણ તેઓએ શેર નહોતી કરી.
જ્યારે વાસ્તવમાં તેઓ ટ્વિટર પર ખુબ જ એક્ટિવ છે અને પાકિસ્તાન સૈન્યની કોઇ પણ માહિતી હોય તો તેઓ શેર કરતા હોય છે આ ઉપરાંત ભારત વિરૂદ્ધ ઝેર પણ ફેલાવતા હોય છે જોકે આ વખતે તેઓએ આ મુલાકાતની કોઇ જ તસવીર શેર ન કરી કેમ કે તેઓ એવા મદરેસામાં ગયા હતા કે જેને આતંકી સંગઠન ચલાવે છે.
પણ લોકો દ્વારા આ તસવીરો શેર કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સપ્તાહે જ કરાચીમાં પાકિસ્તાન સૈન્યના વડા કમર બાજવા પણ આવ્યા હતા. તેથી એવા સંકેતો મળી રહ્યા છે કે પાક. સૈન્ય આતંકીઓની સાથે મળીને કોઇ મોટુ આયોજન કરી રહી છે. જેને પગલે હાલ ભારતીય સૈન્યને પણ સરહદે એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
એલઓસી પાસે આઇઇડી મળી આવતા નાસભાગ
શ્રીનગર, તા. 29
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ સક્રિય છે અને હવે ગ્રેનેડ અથવા આઇઇડીને છુપાવીને બ્લાસ્ટને અંજામ આપી રહ્યા છે. રાજોરીમાં એલઓસી પાસે એક અતી શક્તિશાળી વિસ્ફોટક આઇઇડી મળી આવ્યું હતું. જેને પગલે સૈન્યએ એક મોટા હુમલાને ટાળ્યો હતો. આ અંગે જાણકારી અનુસાર જો આ બોમ્બને શોધી કાઢવામાં ન આવ્યો હોત તો બહુ મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી.
અહીંના કેરિ સોક્ટરમાં આ બોમ્બ મળી આવ્યો હતો. જોકે બોમ્બ ડિટેક્ટ કરવામાં સૈન્યને સફળતા મળી ગઇ હતી બાદમાં નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા અને આ બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અમે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જ સૈન્યના જવાનોની નજર આ બોમ્બ પર ગઇ હતી અને અમે તાત્કાલીક તેને નિષ્ક્રિય કરી દીધો હતો.
Comments
Post a Comment