ભાઈને પ્રધાનપદ ના મળતાં સંજય રાઉત નારાજ


નવી દિલ્હી,તા. 30 ડિસેમ્બર 2019, સોમવાર

ઉધ્ધવ ઠાકરેએ અંતે કેબિનેટનું વિસ્તરણ કરી દીધું. આ વિસ્તરણમાં તેમણે શિવસેના પાસે કોંગ્રેસ-એનસીપી કરતાં ઓછાં પ્રધાનપદ રાખ્યાં એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઉધ્ધવે સાથી પક્ષોને સાથે રાખવા આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

જો કે તેના કરતાં વધારે ચર્ચા ઉધ્ધવ કેબિનેટમાં સગાંવાદની બોલબાલાની છે. અજીત પવાર, આદિત્ય ઠાકરે, અશોક ચવ્હાણચ, ધનંજ્ય મુંડે, અમિત દેશમુખ, અદિતી ટટકરે સહિતના નવા પ્રધાનો મહારાષ્ટ્રના રાજકારણના ધુરંધરોનાં સગાં છે. મજાની વાત એ છે કે, ઉધ્ધવે ટોચના રાજકારણીઓનાં આટલાં બધાં સગાંને લીધાં ત્યારે પોતાના ખાસ માણસ સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉતને જ ના લીધા. આ કારણે સંજય રાઉત નારાજ થઈ ગયા અને વિસ્તરણના સમારોહમાં હાજર જ ના રહ્યા હોવાની પણ ચર્ચા છે. સંજયે પોતે આ વાતને ખોટી ગણાવી પણ રાજકારણીઓ આમ પણ સાચું ક્યાં બોલતા હોય છે ?

શિવસેનાએ બેલગાંવનો મુદ્દો ચગાવતાં ભાજપ ચિંતામાં
મહારાષ્ટ્રમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લીધા પછી શિવસેનાએ ભાજપને ભિડાવવા ખેલેલા નવા દાવના કારણે ભાજપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. શિવસેનાએ કર્ણાટકમાં મરાઠીભાષી લોકોની બહુમતી ધરાવતા બેલગાંવ, કરવાડ તથા અન્ય વિસ્તારો મહારાષ્ટ્રમાં ભેળવવાની માગણીને બુલંદ કરવાનો નિર્ણય કરીને આંદોલન છેડી દીધું છે.

આ વિસ્તારનાં ૮૦૦ જેટલાં મરાઠીભાષાઓની બહુમતી હોય તેવાં ગામો હાલ કર્ણાટકમાં છે. તેમને મહારાષ્ટ્રમાં ભેળવવાની માંગ લાંબા સમયથી ચાલે છે. આ અંગેનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. આ કેસમાં મોદી સરકારે મહારાષ્ટ્રના બદલે કર્ણાટકની તરફદારી કરી હોવાનો આક્ષેપ કરીને ઉધ્ધવે આ મુદ્દાને ચગાવવાનું એલાન કરી દીધું છે.

આ મુદ્દો વધારે ચગે તો ભાજપની હાલત કફોડી થશે કેમ કે ભાજપ મહારાષ્ટ્રની તરફદારી કરવા જાય તો કર્ણાટકમાં તેને નુકસાન થાય ને કર્ણાટકની તરફદારી કરે તો મહારાષ્ટ્રમાં નુકસાન થાય.

મહારાષ્ટ્ર ભાજપના નેતાઓનું પણ મોદી સરકાર પર દબાણ છે. દેવેન્દ્ર ફડણવિસે તો જાહેરમાં કહ્યું કે, આ વિસ્તારોની વાત આવશે ત્યારે અમે પક્ષને ભૂલીને મરાઠીભાષીઓના પડખે ઉભા રહીશું.

નડ્ડાએ સીએએને દલિતો માટેનો કાયદો ગણાવી દીધો
સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) સામે વિરોધ ચાલુ છે ત્યારે ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા હાસ્યાસ્પદ દાવો કરીને મજાકનું પાત્ર બની ગયા. નડ્ડાના કહેવા પ્રમાણે, સીએએનો વિરોધ કરી રહેલા લોકો દલિત વિરોધી છે કેમ કે જેમને આ કાયદાનો લાભ મળવાનો છે તેમાંથી ૮૦ ટકા લોકો દલિત છે.

મોદી સરકાર પાસે આ કાયદાના કારણે કેટલાં લોકોને ફાયદો થશે તેના ચોક્કસ ડેટા પણ ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં ફાયદો મેળવનારામાંથી ૮૦ ટકા દલિત છે એ વાત નડ્ડા ક્યાંથી લઈ આવ્યા એવી મજાક ઉડી રહી છે.

સીએએનો વિરોધ કરવામાં માયાવતી અને ચંદ્રશેખર આઝાદ જેવા દલિત નેતા મોખરે છે. માયાવતીએ તો સીએએની તરફેણ કરનારા એક ધારાસભ્યને શિસ્તના નામે પક્ષમાંથી તગેડી મૂક્યો છે. આ કાયદો દલિતોને ફાયદો કરાવનારો હોય તો દલિત નેતાઓ તેનો વિરોધ શું કરવા કરે છે એવો સવાલ પણ થઈ રહ્યો છે.

જનરલ રાવતની નિમણૂકમાં આ વખતે વિવાદ નહીં થાય
અંતે દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે જનરલ બિપિન રાવતની નિમણૂક થઈ ગઈ. જનરલ રાવત મંગળવારે લશ્કરી વડા તરીકે નિવૃત્ત થવાના છે. તેના એક દિવસ પહેલાં તેમને સીડીએસ બનાવવાની જાહેરાત કરી દેવાઈ. મોદી સરકારે રવિવારે જ સીડીએસ માટે વયમર્યાદા વધારીને ૬૫ વર્ષ કરી દેવાનો નિર્ણય લેતાં જનરલ રાવત સિવાય બીજા કોઈ ભૂતપૂર્વ લશ્કરી વડાને તક મળશે તેવી અટકળો તેજ બની હતી. જો કે જનરલ રાવતની ભાજપ સાથેની નિકટતા કામ આવી ગઈ.

મોદી સરકારે જનરલ રાવતને આર્મી ચીફ બનાવ્યા ત્યારે સીનિયોરિટીને અવગણીને બનાવ્યા હતા. એ વખતે જનરલ રાવત સીનિયોરિટીમાં ચોથા નંબરે હતા છતાં તેમને તક અપાઈ હતી. એ વખતે આ મુદ્દો ચગ્યો હતો પણ મોદી સરકારે તેની અવગણના કરી હતી. આ વખતે તો જનરલ રાવત બધી રીતે લાયક છે તે જોતાં કોઈ વિવાદ થાય તેવી શક્યતા નથી.

મોદીએ સદગુરૂનો વીડિયો મૂકતાં જ કોમેન્ટ્સનો મારો
ભાજપે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) તથા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ શરૂ કર્યો છે. તેના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને સદગુરૂ જગ્ગી વાસુદેવનો વીડિયો જોવાની સલાહ આપી. સદગુરૂ આ  વીડિયોમાં યુવાનોને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય તથા ભારતની ભાઈચારાની પરંપરાના સંદર્ભમાં સીએએની સમજણ આપે છે તથા સ્થાપિત હિતો કેમ તેનો વિરોધ કરે છે એ પણ સમજાવે છે એવો મોદીનો દાવો છે.

મોદીની આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર જગ્ગી વાસુદેવને ભાજપના એજન્ટ ગણાવતી કોમેન્ટ્સનો મારો ચાલુ થઈ ગયો. ભાજપે બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર પછી હવે ત્રીજા બાબાને લોકોને ફોસલાવવા આગળ કર્યા છે તેવી કોમેન્ટ્સ પણ ચાલી રહી છે. જગ્ગી વાસુદેવ સામે ૧૯૯૭માં તેમનાં પત્નીની હત્યા કરવાનો આક્ષેપ તેમના સસરાએ કરેલો તેની વિગતો પણ ફરતી થઈ છે.

રેણુ પાલે પ્રધાનની કૃપાથી કરોડો ઘરભેગા કર્યા ?
ઓસ્ટ્રિયામાં ભારતનાં રાજદૂત રેણુ પાલને વિદેશ મંત્રાલયે નાણાંકીય ગેરરીતિના આક્ષેપ બદલ પાછાં બોલાવી લીધાં. રેણુએ વિયેનામાં મહિને ૧૫ લાખ રૂપિયાના ભાડે ઘર રાખેલું ને તેના માટે વિદેશ મંત્રાલયની મંજૂરી નહોતી લીધી. આ ભાડું એ બારોબાર સરકારી તિજોરીમાંથી ચૂકવતાં હતાં. રેણુ ૨૦૧૬થી ઓસ્ટ્રિયામાં રાજદૂત હતાં ને ચાર વર્ષમાં બીજી પણ ઘણી નાણાંકીય ગોલમાલ કરીને તેમણે કરોડો રૂપિયા ઘરભેગા કરી લીધેલા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને ફરિયાદ થઈ ને તેની તપાસમાં આ વાત સાચી સાબિત થઈ હતી.

મોદી સરકારે લાલ આંખ કરીને રેણુને પાછાં બોલાવી લીધાં પણ દિલ્હીમાં ચાલતી ચર્ચા પ્રમાણે રેણુ પર મોદી સરકારના જ એક વરિષ્ઠ પ્રધાનના ચાર હાથ હતા. તેના કારણે છેલ્લા ચાર વર્ષથી તેમનો આ ખેલ ચાલતો હતો. સીવીસીમાં પણ તેમની સામે બહુ પહેલાં ફરિયાદ થઈ હતી છતાં કોઈ પગલાં નહોતાં લેવાયાં. હવે એ છત્ર ના રહેતાં મોદી સરકારે પગલાં લીધાં છે.

હાડ થીજવતી ઠંડીમાં પણ પ્રદર્શનકારીઓ ખસતા નથી
દિલ્હીમાં હાડકાને પણ થીજવી નાંખે તેવી ઠંડી અને અત્યંત ખરાબ હવાની ગુણવત્તા પણ સીએએ અને એનસીઆરના વિરોધમાં કરી રહેલા પ્રદર્શન કરી રહેલા લોકોનો જુસ્સો ઓસર્યો નથી. તેઓ જરાય ય ડર્યા વિના ધરણા અને પ્રદર્શન કરી જ રહયા છે.જંતર મંતર,જામીયા મિલિયા, શાહીન બાગ અને અન્ય જગ્યાએ પ્રદર્શન ચાલુ જ છે. 

આ પ્રદર્શનના કારણે લોકો હવે જંતરમંતરને જામીયા સેન્ટર તરીકે ઓળખવા લાગ્યા છે.અત્યંત ઠંડ હોવા છતાં લગભગ ૨૦૦ યુવતીઓ છેલ્લા ૧૩ દિવસથી શાહીન બાગ એકેટેન્શન પાસે કાલિન્દી કુંદ ખાતે દિવસ-રાત પ્રદર્શન કરે છે.તેમણે રસ્તાને જ પોતાનો ઘર બનાવી લીધો છે. પોલીસ કહે છે કે તેમણે ધાર્મિક આગેવાનો અને વગદાર લોકો સાથે અનેક વખતે બેઠકો યોજી હતી અને ધરણા બંધ કરવા અપીલ કરી હતી.

તેમના ઘરણાના કારણે ૧૪ ડિસેમ્બરથી ઉત્તર દિલ્હી અને નોઇડી તરફના રસ્તાઓ બંધ કરવા પડયા છે. રસ્તા બંધ હોવાના કારણે વાહનોને દિલ્હી-નોઇડા ડાયરેકટ ફલાય રોડ પર વાળવા પડે છે. કેન્દ્ર સરકાર જ્યાં સુધી આ બંને કાયદાઓ પાછા ના લે ત્યાં સુધી મહિલાઓએ આંદોલન સમેટવા ઇનકાર કર્યો હતો. જામીયા મિલિયા ઇસ્લામિયા પાસેના વિરોધ પ્રદર્શનમાં શાહીન બાગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી. જામીયા મિલિયા પ્રદર્શન ચાલુ હોવાથી ૧૫ ડિસેમ્બરે પોલીસ સ્ટેશન પાસે શેરી નાટકનું આયોજન કરાયું હતું. વિરોધ દરમિયાન પકડી લેવામાં આવેલા લોકોની મદદ માટે વકફ બોર્ડે પણ ટેબલો ગોઠવ્યા હતા. 

આસામના વિદ્યાર્થીઓને વડા પ્રધાન મોદીને ચેતવણી
વડા પ્રધાન મોદી આસામમાં  દસમી જાન્યુઆરીના રોજ યોજાનારા 'ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ'નું ઉદઘાટન કરવા આવશે તો તેમની સામે જંગી વિરોધ પ્રદર્શન કરવાની ઓલ આસામ  સ્ટુડન્ટ્સ યુનિ.એ ધમકી આપી હતી. મોદીએ જો કે કાર્યક્રમમાં જવાની હામી ભરી નથી, છતાં આસામની સરકારે તેમના સ્વાગતની તમામ તૈયારીઓ શરૂ કરી હતી. સીએએને પાસ કર્યા પછી વડા પ્રધાન પહેલી જ વખત આસામ આવી રહ્યા છે. સ્ટુડન્ટ્સ યુનિયને કહ્યું હતું કે પાંચમી જાન્યુઆરીના રોજ રમાનારી ભારત-શ્રીલંકાની ટી-૨૦ ક્રિકેટ મેચ પર તેઓ બારીક નજર રાખી રહ્યા છે.શ્રીલંકન ટીમના પ્રવાસની શરૂઆત અહીંથી થશે. 

આસુના મુખ્ય સલાહકાર સમુજ્જલ કુમાર ભટ્ટાચાર્યજીએ કહ્યું હતું કે 'આસામના લોકોને છેતર્યા પછી જો મોદી અહીંયા આવવાની હિમંત કરશે તો તેમને સહન કરવું પડશે'.શનિવારે તેમણે મોદીને સીએએ અને એનસીઆર મુદ્દેે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.સર્બનંદા સોનોવલ અને નાણા પ્રધાન હિમંતા વિસ્વ સર્માને 'કાયર'ગણાવીને વિદ્યાર્થી નેતાઓએ રાજ્યના લોકોને છેતરવા બદલ પ્રદેશ નેતાગીરીને દોષિત માની હતી.

કિશોરે સોનિયાના મૌન પર સવાલ ઉઠાવ્યા
કોંગ્રેસના પૂર્વ સલાહકાર અને હાલમાં નીતીશ કુમારના જદયુના સલાહકાર પ્રશાંત કિશોરે  એનસીઆરના મુદ્દે સોનિયા ગાંધીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. કિશોરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એનસીઆર અને સીએએ પર અમલ કરવામાં નહીં આવે એવું શા માટે સોનિયા ગાંધી ખુલીને કંઇ કહેતા નથી.' જો કોંગ્રેસના પ્રમુખ એનસીઆર પર કોઇ નિવેદન કરે તો સ્પષ્ટતા થઇ જશે. ધરણામાં, પ્રદર્શનમાં ભાગ લેવું એ કાયદેસર અને માન્ય છે, પરંતુ  શો માટે તેઓ તેમના પક્ષની સરકારોને આ અંગે કંઇ કહેતા નથી'એમ તેમણે કહ્યું હતું.

ભાજપના બંગાળના નેતાઓનો બીજો વિવાદ
હમેંશા વિવાદાસ્પદ  નિવેદનો માટે બદનામ એવા ભાજપના બંગાળના પ્રદેશ અધ્યક્ષ દીલીપ ઘોષે તાજેતરમાં કહ્યું હતું કે'માધ્યમોને સમાચારાની જરૂર હોવાથી તેમનો પક્ષ ભાજપ રાજ્યમાં તોફાનો કરાવે છે'પૂર્વ મિદનાપોર જિલ્લામાં કોન્ટાલ ખાતે એક રેલીને સંબોધવાના થોડા કલાકો પહેલાં બોલતાં તેમણે પક્ષના સ્થાનિક  ઓફિસમાં પત્રકારો સાથે વાતચીતમાં આ મુજબ કહ્યું હતું.'તૃણમુલ કોંગ્રેસ તોફાન કરશે, અમે તોફાના કરીશું. બંગાળના રાજકારણની આ જ રીત છે. 

અમે દરેક બાબત માટે તૈયાર છીએ.તમને પણ સમાચારોની જરૂર હોય છે જ. એટલા માટે જ અમે લોકોને તોફાન કરવા ઉશ્કેરીએ છીએ'એમ ઘોષે કહ્યું હતું. આ નિવેદનથી તેમના રાજકીય હરિફો ગુસ્સે ભરાયા હતા. રાજ્યના લોકોએ ભાજપને નકારી કાઢ્યો હતો. તેઓ હિંસા આચરીને બંગાળ પર વર્ચસ્વ સ્થાપવા વિચારે છે'એમ સંસદિય બાબતોના મંત્રી અને ટીએમસીના નેતા તપસ રોયે કહ્યું હતું. 

લાલુ પરિવારમાં ટીવી સિરિયલ જેવો ડ્રામા !
બિહારના પૂર્વ પ્રથમ પરિવારમાં રીયલ લાઇફમાં  એક નવો વણાંક આવ્યો હતો. રાજદના નેેતા લાલુ પ્રસાદ યાદવના પુત્ર  અને રાજદના ધારાસભ્ય તેજ પ્રતાપના સસરા ચંદ્રીકા રાયે  બિહારના પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવી દ્વારા પરત મોકલાયેલો દહેજનો સામાન લેવા ઇનકાર કર્યો હતો. રાયે દાવો કર્યો હતો કે 'પ્રસાદ પરિવારે યોગ્ય રીત અજમાવી ન હતી. 

કોર્ટના કોઇ અધિકારીની હાજરીમાં સામાન મોકલવો જોઇતો હતો.તેમણે સામાનની સાથે કદાચ દારૂ અથવા વિસ્ફોટકો પણ મોકલ્યા હોય. બિહારમાં દારૂ બંધી છે'.ચંદ્રીકા રાયની વાતથી લાલુ પ્રસાદના પુત્રી અને રાજ્યસભાના સભ્ય મિસા ભારતી ગુસ્સે ભરાયા હતા અને દાવો કર્યો હતો કે'રાયને પ્રસિધ્ધી જોઇએ છે અને તેઓ લાલુ પ્રસાદના પરિવારને બદનામ કરે છે.

જમ્મુ-કાશ્મીરના કેલેન્ડરે રાજકીય વિવાદ ઊભો કર્યો
જમ્મુ-કાશ્મીરના નવા વર્ષના કેલેન્ડરમાંથી બે રજાઓ કાઢી નાંખવામાં આવી હતી. એક,૧૩ જુલાઇ શહિદ દિવસ અને પાંચ ડિસેમ્બર, નેશનલ કોન્ફરન્સના સ્થાપકનો જન્મ દિવસ હવે રાજ્યમાં રજાના દિવસો રહ્યા નથી. આના કારણે રાજકીય ગરમાવો આવી ગયો હતો.

સરકારી ઓર્ડર મુજબ, ૨૬ ઓકટોબરના દિવસે રાજ્યનું ભારતમાં વિલય થયું હતું તેને હવે કેન્દ્ર શાસીત પ્રદેશમાં રજા જાહેર કરાશે અને ૧૩ જુલાઇને ૧૯૩૧માં મહારાજા હરિ સિંહના બળવામાં મારી નાંખવામાં આવેલા ૨૧ કાશ્મીરીઓની યાદમાં શહિદ દિવસ તરીકે  મનાવવામાં આવે છે. પાંચ ડિસેમ્બર એનસીના સ્થાપક શેખ અબ્દુલ્લાહનો જન્મદિવસ છે. નેશનલ કોન્ફરન્સે આ મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યના બે ઐતિહાસિક દિવસોનું અપમાન કર્યું છે

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો