રાહુલ ગાંધી ભારતને ઈસ્લામી દેશ બનાવવા માગે છે: ગિરિરાજ સિંઘ
નવી દિલ્હી તા.30 ડિસેંબર 2019, સોમવાર
કેન્દ્રના પ્રધાન ગિરિરાજ સિંઘે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી CAA, NPR અને NRC બધાંનો વિરોધ કરે છે. એવું લાગે છે કે એ ભારતને ઇસ્લામી દેશ બનાવી દેવા માગે છે. એમની અબળખા એવી છે કે દેશ તૂટે તો હું રાજ કરી શકું. દેશના ભાગલા પાડી નાખો, પછી કોંગ્રેસનું રાજ લાવો.
રવિવારે રાત્રે ગિરિરાજ સિંઘે ટ્વીટર પર લખ્યું કે પાકિસ્તાનનું ગજવા-એ-હિંદનું સપનું નરેન્દ્ર મોદીએ ચકનાચુર કરી નાખ્યું. હવે ગજવા-એ-હિંદના વિચારને રાહુલ ગાંધી સાકાર કરવા માગે છે. એમનો પ્રયાસ એવો છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લા દેશથી હિન્દુઓ ભારતમાં ન આવે પરંતુ રોહિંગ્યા અને અન્ય મુસ્લિમો અહીં આવે અને કોંગ્રેસની વોટ બેંક બની જાય.
હજુ બે દિવસ પહેલાં ગિરિરાજ સિંઘે એવી ટ્વીટ કરી હતી કે જે કામ મુઘલ સલ્તનત ન કરી શકી એ કામ રાહુલ ગાંધી અને એમની ટોળી ટુકડે ટુકડે કરી રહી છે.
હાલના વડા પ્રધાન દેશના લોકોને ડરાવી રહ્યા છે એવા કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં ગિરિરાજ સિંઘે લખ્યું કે મોદી નહીં, કોંગ્રેસ દેશના લોકોને ડરાવી રહ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે જે રીતે રાફેલ વિમાન કિસ્સામાં રાહુલે માંફી માગવી પડી એ રીતે આ બાબતમાં પણ માફી માગવાની ફરજ પડશે, તમે નોંધી લો.
Comments
Post a Comment