દેશની અર્થવ્યવસ્થા માટે દુઃસ્વપ્નસમું પુરવાર થયું વર્ષ


મોદી સરકાર દેશનું અર્થતંત્ર પાંચ હજાર અબજ ડોલરે પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે પરંતુ હકીકત એ છે કે દેશની  અર્થવ્યવસ્થા દિવસે ને દિવસે ખાડે જઇ રહી છે

વર્ષ ૨૦૧૯ પુરું થવાની તૈયારી છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જોતાં આ વર્ષ સારું નથી રહ્યું. મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં દેશની અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૫ સુધીમાં પાંચ હજાર અબજ ડોલરે પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશનું અર્થતંત્ર બીમાર છે.

હકીકતમાં મોદી સરકારના આ બીજા કાર્યકાળમાં સૌથી મોટી સમસ્યા આર્થિક મોરચે ઊભી થઇ છે પરંતુ તેને સુધારવા માટે સરકાર તરફથી કોઇ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આખા વર્ષ દરમિયાન ઑટો, ટેક્સટાઇલ અને એફએમસીજી સહિત અનેક મોટા સેક્ટરમાં સુસ્તીનો દોર ચાલ્યો તો બેરોજગારીના મોરચે તો કદી ન સર્જાઇ હોય એવી અભૂતપૂર્વ સ્થિતિ છે. 

આર્થિક મોરચે સૌથી મોટો ફટકો જીડીપીમાં પડયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંકડો ઘટીને ૪.૫ ટકાએ પહોંચી ગયો છે. આ છેલ્લા છ વર્ષ દરમિયાન એક ત્રિમાસિક ગાળા દરમિયાન સૌથી મોટો ઘટાડો છે. અગાઉ માર્ચ ૨૦૧૩માં જીડીપીનો દર આટલો નીચે હતો.

અગાઉ મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆતે આવેલા પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૫.૮ ટકા રહ્યો હતો જે પણ છેલ્લા છ વર્ષના તળિયે હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં જીડીપીનો દર ૬.૪ ટકા જેટલો ઓછો રહ્યો હતો. એ પછી આટલા વર્ષે જીડીપીનો દર આટલો ઓછો રહ્યો. જીડીપીમાં આ ઘટાડો ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખપત ઘટવાના કારણે નોંધાયો હોવાના તારણ આવ્યાં.

આ પહેલાના એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૬.૬ ટકા હતો, તો બીજા ત્રિમાસિક ગાળામાં ૭.૧ ટકા અને પહેલા ત્રિમાસિક ગાળામાં ૮.૧ ટકા જેટલો ઊંચો હતો. મતલબ કે જીડીપી ગ્રોથ રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ચોથા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૬.૧થી ૬.૫ ટકા રહી શકે છે.

પરંતુ અનુમાન કરતા પણ વિકાસ દર ઘણો નીચો રહેતાં એટલું તો સ્પષ્ટ બન્યું છે કે દેશની અર્થવ્યવસ્થા સંકટમાં છે. છેલ્લા બે વર્ષમાં પહેલી વખત ભારતનો વિકાસ દર ચીનના વિકાસ દર કરતા પાછળ રહી ગયો. મતલબ કે ભારત પાસેથી હવે દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનો દરજ્જો છીનવાઇ ગયો છે. 

ચીનની જીડીપીથી ઉલટ ભારતનો વૃદ્ધિ દર ઘરેલુ ખપતના આધારે નક્કી થાય છે. છેલ્લા ૧૫ વર્ષોથી ઘરેલું ખપત જ દેશની અર્થવ્યવસ્થાને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી રહી છે. જોકે નવા આંકડાથી સ્પષ્ટ છે કે ગ્રાહકોની ખરીદક્ષમતા ઘટી રહી છે. કારો અને એસયૂવીનું વેચાણ છેલ્લા સાત વર્ષોના તળિયે પહોંચી ગયું છે. મોટરસાઇકલ, સ્કૂટર અને ટ્રેક્ટરના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. બેંકો પાસેથી લોન લેવાની માંગ વધી રહી છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા ખ્યાલ આવે છે કે ગ્રાહકોની ખરીદક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. પ્રાઇવેટ સેક્ટરના એક સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતની સેવા ક્ષેત્રની કામગીરીમાં પણ ઘટાડો નોંધાયો છે. સર્વે અનુસાર ફાઇનાન્સ, વીમા, રિયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસિઝએ ભારતની સેવા ક્ષેત્રની કમજોરીમાં મોટી ભૂમિકા ભજવી છે. સ્થાનિક બજારોમાં માંગની કમી છે.

દેશની અર્થવ્યવસ્થા પર વૈશ્વિક રેટિંગ એજન્સીઓનો ભરોસો પણ ઘટયો છે. છેલ્લા એક વર્ષ દરમિયા રેટિંગ એજન્સીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપી વિકાસ દરનું અનુમાન ૧.૫ ટકા સુધી ઘટાડી દીધું છે. થોડા મહિના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝએ ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલુકને સ્થિરમાંથી નેગેટિવ કરી દીધો હતો. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ ૨૦૧૯ના પૂર્વાનુમાનને લગભગ એક પોઇન્ટ ઘટાડીને ૬.૧ કરી દીધું હતું તેમજ ૨૦૨૦ના આઉટલુકને ઘટાડીને ૭ ટકા કરી દીધું હતું.

વર્લ્ડ બેંક અને રિઝર્વ બેંક સુદ્ધાં આર્થિક વૃદ્ધિમાં ઘટાડાની જાહેરાત કરી ચૂક્યાં છે. સરકારના ભારે પ્રયાસો છતાં જીએસટી કલેક્શનના મોરચે આ વર્ષ સુસ્તીભર્યું રહ્યું. આ વર્ષના જાન્યુઆરીમાં જીએસટી કલેક્શને એક લાખ કરોડની સીમા પાર કરી હતી. એ પછી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ,મે તેમજ જુલાઇ અને નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા કરતા વધ્યું પરંતુ હજુ પણ આ સરકારના લક્ષ્યાંકથી ૪૦ ટકા જેટલું ઓછું છે.

મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા જીએસટીને લઇને બહુ મોટા સપના દેખાડવામાં આવ્યાં હતાં. મોદી સરકારે દાવો કર્યો હતો કે જીએસટી અમલમાં આવ્યા બાદ દેશની અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનશે. પરંતુ હવે રેવન્યૂ સાથે જોડાયેલી સમસ્યાઓ વધતા કેન્દ્રની મોદી સરકારે ટેક્સ વસૂલી પર દબાણ વધ્યું હોવાનું સ્વીકાર્યું છે. જીએસટીને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને થતી મહેસુલી આવકમાં થઇ રહેલા નુકસાનની ભરપાઇ કરવામાં સમર્થ ન હોવાનું જાહેર કર્યું છે. 

જીએસટી ઉપરાંત ટેક્સ કલેક્શનના મામલે પણ ચાલુ વર્ષે ભારે ખોટ ગઇ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટયું છે. સીબીડીટી અનુસાર સરકારનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન હજુ સુધી ૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં આશરે ૧૩.૫ લાખ કરોડ રૂપિયાના ટેક્સ કલેક્શનનું લક્ષ્યાંક રાખ્યું છે. મતલબ કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે બાકી રહેલા ચાર મહિનામાં આશરે ૭.૫ લાખ કરોડ રૂપિયા ટેક્સપેટે મેળવવાના રહેશે.

નાણાકીય ખાધ પણ પહેલા સાત મહિના દરમિયાન લક્ષ્ય કરતા વધી ગઇ છે. એપ્રિલથી લઇને ઓક્ટોબર સુધી નાણાકીય ખાધ ૧૦૦.૩૨ અબજ ડોલર રહી જે બજેટની ચાલુ નાણાકીય વર્ષની જોગવાઇના ૧૦૨.૪ ટકા જેટલી છે. સરકારી આંકડા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સરકારને ૬.૮૩ અબજ રૂપિયાની આવક થઇ જ્યારે ખર્ચ ૧૬.૫૫ અબજ રૂપિયા થયો. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ઉપરાંત અર્થવ્યવસ્થા પર લોકોનો ભરોસો પણ ઓછો થયો છે.

રિઝર્વ બેંકના એક સર્વે પ્રમાણે ગત નવેમ્બરમાં દેશનો કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ આ સૌથી નીચલું સ્તર છે. સાદા શબ્દોમાં કહીએ તો દેશના અર્થતંત્ર પર લોકોનો ભરોસો ઘટી રહ્યો છે અને ગ્રાહકો ખરીદી કરતા અચકાઇ રહ્યાં છે.  અર્થવ્યવસ્થાને બીજો મોટો ફટકો રોજગારીના મોરચે પડયો છે. દેશમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન બેરોજગારીનો દર ૬.૧ ટકા હતો. સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના અનુસાર દેશમાં બેરોજગારી છેલ્લા ૪૫ વર્ષની ટોચે પહોંચી ગઇ હતી.

સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર ૧૫થી ૨૯ વર્ષની ઉંમરના ગ્રામીણ યુવાનોમાં બેરોજગારી દર ૨૦૧૧-૧૨માં પાંચ ટકા હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૧૭ ટકા થઇ ગયો હતો. આનો અર્થ એ કે ગામડાઓમાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. આ જ વયજૂથના શહેરી યુવાનોની વાત કરીએ તો ૨૦૧૧-૧૨માં બેરોજગારી દર ૮ ટકા હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૧૨ ટકા થઇ ગયો હતોય મતલબ કે શહેરોમાં પણ પરિસ્થિતિ વણસી હતી.

બીજી ચોંકાવારી બાબત એ સામે આવી હતી કે લેબર ફોર્સ પાર્ટીસિપેશન રેટ ૨૦૧૧-૧૨ના લગભગ ૪૦ની સરખામણીમાં ૨૦૧૭-૧૮માં ૩૬ ટકા નોંધાયો હતો. એલએફપીઆર દ્વારા શ્રમબજારમાં લોકોની ભાગીદારી નક્કી થાય છે. આનો અર્થ એ કે લોકોએ હવે નોકરી શોધવાનું જ ઓછું કરી દીધું છે કારણ કે બજારમાં નોકરી જ નથી.  મોદી સરકાર ભલે સ્વીકાર ન કરે પરંતુ નોટબંધીના કારણે બેરોજગારીમાં ભારે વધારો થયો છે.

સીએમઆઇઇના ગયા વર્ષના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે નોટબંધી બાદ રોજગારીમાં કપાતનો જે ક્રમ શરૂ થયો હતો એ હજુ સુધી અટક્યો નથી. આ દરમિયાન શ્રમ ભાગીદારી દર ૪૮ ટકા ઘટીને ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તર ૪૨.૪ ટકાએ પહોંચી ગયો છે. આ પહેલાં પણ સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૭ના શરૂઆતના ચાર મહિનામાં જ ૧૫ લાખ નોકરીઓ ખતમ થઇ ગઇ હતી. મતલબ કે નોટબંધીનો સીધો માર લોકોના રોજગાર ઉપર પડયો હતો. 

ઉલ્લેખનીય છે કે નોટબંધીને વિરોધીઓ સરકારની નિષ્ફળતા જણાવતા રહ્યાં છે જ્યારે સરકાર એને સફળ કહેતી રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૩૫ ટકા જેટલી ઘટી ગઇ છે. દેશની ત્રીજા ભાગની કાપડ મિલો બંધ પડી ગઇ છે. મિલો પાસે એટલી ક્ષમતા જ નથી રહી કે તેઓ કપાસ ખરીદી શકે.

મંદીની સાથે જ ટેક્સટાઇલ સેકટરમાં પણ નોકરીઓ જવી શરૂ થઇ ગઇ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ દસ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ખેતીઉદ્યોગ પણ સંકળાયેલો છે. કાપડ ઉદ્યોગ ખેડૂતો પાસેથી કપાસ અને શણ જેવા ઉત્પાદનો ભારે માત્રામાં ખરીદે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો